SURAT

સુરતના યુવાનને બેંક ઓફ બરોડામાં 13 હજાર રૂપિયા જમા કરાવવા જવાનું ભારે પડી ગયું

સુરત: (Surat) ગોડાદરા ખાતે રહેતો યુવક પુણા વિસ્તારની બીઓબીમાં સીડીએમ મશીનમાં 13 હજાર જમા કરાવવા ગયો હતો. પૈસા જમા નહી થતા તેને હેલ્પલાઈ નંબર પર ફોન કરતા અજાણ્યા વ્યક્તિએ બીઓબીના (Bank Of Baroda) અધિકારી તરીકે તેનો સંપર્ક કર્યો હતો. અને તેની પાસે એપ્લીકેશન ડાઉનલોડ કરાવી 1.45 લાખ તેના ખાતામાંથી ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હતી.

  • પુણામાં બીઓબી સીડીએમ મશીનમાં 13 હજાર જમા કરાવવા ગયેલા યુવક સાથે 1.45 લાખની છેતરપિંડી
  • અજાણ્યાએ બીઓબીના અધિકારી તરીકે ઓળખ આપી એપ્લીકેશન ડાઉનલોડ કરાવી ખેલ કરી નાખ્યો

ગોડાદરા ખાતે વૃંદાવન નગરમાં રહેતા 35 વર્ષીય શંકર નારાયણ વર્માએ પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. શંકર મગોબ ખાતે આશીર્વાદ ટેક્ષટાઈલમાં નોકરી કરે છે. ગત 25 ડિસેમ્બર 2022 ના રોજ તેને પુણા કુંભારીય ખાતે આવેલી બીઓબીમાં 13 હજાર મશીન દ્વારા જમા કરાવ્યા હતા. ત્યારે કોન્ટેક્ટ મેનેજર તેવો મેસેજ આવ્યો હતો. પરંતુ પૈસા જમા થયાનો મેસેજ આવ્યો નહોતો. બીજા દિવસ બેંકમાં મેનેજરને મળતા આપેલા હેલ્પલાઈન નંબર ઉપર કોલ કરી ફરિયાદ આપી હતી. 27 તારીખે સાંજે અજાણ્યા નંબર પરથી શંકરને ફોન આવ્યો હતો. તેને પોતાની ઓળખ બેંક ઓફ બરોડાના અધિકારી તરીકે આપી હતી.

અજાણ્યાએ તમારા પેસા સીડીએમ મશીનમાં ફસાયા છે તેમ પુછીને બીઓબી વર્લ્ડ એપ્લીકેશન ચલાવો છો તેમ પુછ્યું હતું. બાદમાં આ એપ્લીકેશન ડિલીટ કરી પ્લેસ્ટોરમાંથી ફરીથી ડાઉનલોડ કરવા કહ્યું હતું. ચાર વખત ટ્રાય કરી છા ઇનવેલીડ આવતું હોવાથી અજાણ્યાએ એક નંબર પરથી વોટ્સએપ મેસેજ કર્યો હતો. અને શંકરના એકાઉન્ટની વિગત તથા બીજી વિગતો મંગાવી હતી. બાદમાં અજાણ્યાએ બેઝ.એપીકે નામની ફાઈલ મોકલી હતી. આ ઓપન કરી બાદમાં બીઓબી વર્લ્ડ એપ્લીકેશનનો યુપીઆઈ પીન માંગી ફોન કટ કરી નાખ્યો હતો. બાદમાં ફોન હેંગ થઈ ગયો હતો. થોડીવાર પછી ફોન ચાલુ કરીને જોયું તો તેના એકાઉન્ટમાંથી 1.45 લાખ ઉપડી ગયા હતા. તેને પુણા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top