SURAT

સુરતમાં 24 કલાકમાં 4 વ્યક્તિઓના હાર્ટ એટેકથી મોત

સુરતઃ (Surat) શહેરમાં 24 કલાકમાં 4 વ્યક્તિઓના હાર્ટ એટેકથી (Heart Attack) મોત થયા છે. જેમાં વેસુમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી પૂરી થયા બાદ ચા પીવા માટે રોકાયેલા યુવકને છાતીમાં દુખાવો થતાં મોત નિપજ્યું હતું. તેમજ અન્ય બનાવમાં ડીંડોલીમાં નોકરી પરથી ઘરે આવ્યા બાદ ‘તમે બધાં સુઈ જાઓ, મને કંઈ સારું નથી લાગતું, હું પછી જમી લેવા’ તેમ પરિવારજનોને કહેતાં યુવકનું મોત નિપજ્યું હતું.

  • શહેરમાં 24 કલાકમાં 4 વ્યક્તિઓના હાર્ટ એટેકથી મોત
  • નોકરી પરથી છૂટ્યા બાદ ચા પીવા માટે રોકાયેલા યુવકને છાતીમાં દુખાવો થતાં મોત

મળેલી માહિતી મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલમાં પાંડેસરા કૈલાસ ચોકડી પાસે જયરામ ચિમકાભાઈ શાહુ( ઉં.વ.42) પરિવાર સાથે રહેતો હતો. જયરામ ચાર મહિના પહેલા વેસુ વિસ્તારમાં આવેલ એટમોસ્ફિયર રેસિડેન્સીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરીએ લાગ્યો હતો. બુધવારે જયરામ નાઈટ ડ્યુટી કર્યા બાદ સવારે ઘરે જવા માટે નીકળ્યો હતો. દરમિયાન નોકરીની જગ્યાની બાજુમાં ચા પીવા માટે રોકાયો હતો. ચા પીધા બાદ જયરામ અચાનક નીચે ઢળી પડ્યો હતો. આથી તેમને 108ની મદદથી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો. જયરામનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું ડોકટરે સંભાવના વ્યક્ત કરી હતી.

બીજા બનાવમાં, મૂળ ઓરિસ્સાનો વતની બાબુભાઈ ધોળાભાઈ નાહક (45 વર્ષ) હાલ પાંડેસરા વિસ્તારમાં આવેલ કૈલાસ ચોકડી શિવશંકર નગરમાં પરિવાર સાથે રહેતો હતો. બાબુભાઈ સંચા મશીનમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. બુધવારે સાંજે ઘરેથી નોકરી પર જવા નિકળ્યો હતો. તે દરમિયાન સોસાયટીના પહોંચતા બાબુભાઈને છાતીમાં દુખાવો થતાં તે બેભાન થઈ ગયા હતા. જેથી પરિવારજનો બાબુભાઈને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે બાબુભાઈને મૃત જાહેર કર્યો હતો.

ત્રીજા બનાવમાં, નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના છાપરગામ દેસાઈ ફળિયામાં દિલીપ મોહન પટેલ (49 વર્ષ) પત્ની તેમજ એક સંતાન સાથે રહેતો હતો. દિલીપ સચિન જીઆઇડીસીમાં એક કંપનીમાં સાડી પ્રિન્ટિંગ માટે કોમ્પ્યુટર ડિઝાઇનર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. દિલીપ ગુરુવારે બપોરે કામ પર હતો. તે દરમિયાન કામ કરતા કરતા દિલીપને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો. જેથી મિલના સાથી મિત્રો દિલીપને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન દિલીપનું મોત નિપજ્યું હતું.

અન્ય બનાવમાં, મૂળ ઓરિસ્સાના વતની લક્ષ્મણ અર્જુન રવાઇ (50 વર્ષ) હાલ ભેસ્તાન આવાસમાં પરિવાર સાથે રહેતો હતો. લક્ષ્મણ પાંડેસરા વિસ્તારમાં આવેલ એક મીલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. લક્ષ્મણ બુધવારે સાંજે નોકરી પરથી છૂટ્યા બાદ ઘરે આવ્યો હતો. ઘરે આવ્યા બાદ ‘તમે બધાં સુઈ જાઓ, મને કંઈ સારું નથી લાગતું, હું પછી જમી લેવા’ તેમ પરિવારને કહેતાં કહેતાં લક્ષ્મણની તબિયત બગડી ગઈ હતી. જેથી લક્ષ્મણને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબિયત લક્ષ્મણને મૃત જાહેર કર્યો હતો.

Most Popular

To Top