સુરત: (Surat) સુરતના હજીરા (Hazira) વિસ્તારમાં એક યુવક પર જીવલેણ હુમલો (Attack) થયો છે. યુવકને આંખ અને મોંઢા ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. યુવક પર હજીરા ગામના સરપંચ દ્વારા જ હુમલો કરાયો હોવાની વિગતો બહાર આવી છે. યુવકની માતાએ હજીરા પોલીસ સ્ટેશનમાં સરપંચ અને તેના પરિવાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.
- જમીને રાતે આંટો મારવા નીકળેલા યુવક પર હુમલો
- સરપંચ ધનસુખ પટેલ અને તેના પરિવારજનોએ માર્યો
- વાંક વિના યુવકને મારતા ગામમાં બબાલ થઈ
- ઈજાગ્રસ્ત યુવકને રાત્રે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો
- ગામના સરપંચ અને તેના પરિવારજનો વિરુદ્ધ પોલીસ ફરિયાદ
પ્રાપ્ત માહિતી અનુસાર હજીરા વિસ્તારના પટેલ ફળિયામાં લખન પટેલ નામનો યુવક પરિવાર સાથે રહે છે. તા. 1લી ડિસેમ્બરની રાત્રે લખન પટેલ જમીને ગામમાં ચક્કર મારવા નીકળ્યો હતો, ત્યારે આશરે 10.30 કલાકના સમયગાળામાં ગામના સરપંચ અને તેના પરિવાર સાથે લખન પટેલને મગજમારી થઈ હતી. નિશાન ફળિયામાં રહેતા ધનસુખ પટેલ અને તેના પરિવારે લખનને ઢોર માર માર્યો હતો. લાકડાના ફટકાથી પણ માર્યો હતો. તેમજ ગાડી સાથે બાંધીને ઢસડ્યો હતો. તેના લીધે લખન પટેલને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
આ બબાલના લીધે આખાય ગામમાં હંગામો મચી ગયો હતો. દોડધામ મચી ગઈ હતી. ગામવાસીઓ ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. પોતાના દીકરાને ગામના સરપંચે માર્યો હોવાની જાણ થતાં જ લખન પટેલના પરિવારજનો પણ દોડી આવ્યા હતા. બંને પક્ષ વચ્ચે બબાલ થઈ હતી. લખન પટેલના પરિવારજનોએ ઉશ્કેરાઈને હજીરા ગામના સરપંચ ધનસુખ પટેલની ગાડીના કાચ તોડી નાંખ્યા હોવાની વિગતો બહાર આવી છે.
ગ્રામજનો પાસેથી મળતી માહિતી અનુસાર લખન પટેલની માનસિક સ્થિતિ સારી નથી. તેવું જાણતા હોવા છતાં તેને પ્રતાડિત કરાયો છે. ખરાબ રીતે મારવામાં આવ્યો છે. તાલિબાની સજા આપતા હોય તેવું વર્તન કરાયું છે. ગાડી સાથે બાંધી ઢસડવામાં આવ્યો છે. ગામના સરપંચ અને તેના પરિવાર દ્વારા આ ખૂબ જ અમાનુષી વર્તન કરાયું છે.
લખન પટેલને ખૂબ ઈજાઓ થતાં તેને નવી સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે સારવાર માટે દાખલ કરાયો હતો. તેની આંખ, બરડાં સહિત આખાય શરીરમાં ઈજાના નિશાન દેખાતા હતા. આ મામલે લખન પટેલના પરિવારજનો દ્વારા હજીરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.