સૌથી સ્વચ્છ સુરતનો વિકાસ સ્માર્ટ સિટી તરીકે થઈ રહ્યો હોવાના બણગાં અવારનવાર ભાજપ શાસકો ફૂંકતા હોય છે પરંતુ સુરત શહેરની સ્થિતિ ખરેખર દયનીય છે. સ્વચ્છતા અને સ્માર્ટનેસની વાત તો બહુ દૂર ની રહી સુરત શહેરની સ્થિતિ ભાજપ સરકારના રાજમાં નર્કાગાર જેવી થઈ ગઈ છે.
રૂપિયા 10 હજાર કરોડનું બજેટ ધરાવતી સુરત મનપા શહેરીજનોને સાફ, સુઘડ અને ખાડા વિનાના રસ્તા ઉપલ્બ્ધ કરાવવામાં પણ નિષ્ફળ રહી છે. વરસાદનું એક ઝાપટું પડતા જ રસ્તા પર પાથરેલા ડામર ઉખડી જાય છે અને સુરત ખાડા સિટી બની જાય છે. આ મામલે આજે વિપક્ષ આપે પદયાત્રા કાઢી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
- ચારેકોર ખાડા છે, ભાજપ ચોર છે, ના સૂત્રોચ્ચાર સાથે સુરતમાં આપની પદયાત્રા નીકળી
આ મુદ્દે સુરતમાં આમ આદમી પાર્ટીએ આજે પરવટ પાટિયાથી સહારા દરવાજા સુધી પદયાત્રાનું આયોજન કર્યું હતું. પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભાજપ શાસકો અને મનપા તંત્રને ઊંઘમાંથી જગાડવાનો હતો. આ પદયાત્રામાં આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો, પદાધિકારીઓ, શહેર અને વોર્ડના સંગઠનના તમામ સાથીઓએ ભાગ લીધો હતો.
આમ આદમી પાર્ટી પ્રદેશ, સંગઠન મંત્રી રામ ધડુકે ભાજય શાસકોનો ઉધડો લેતા જણાવ્યું હતું કે, ભાજપ શાસકોએ 30 વર્ષથી વિકાસના નામે જનતાને ફક્ત ઉલ્લુ જ બનાવી છે. જનતાના ટેકસ રૂપી પૈસાનો ધુમાડો કરી પોતાનો જ વિકાસ કર્યો છે.
શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભ્રષ્ટ ભાજપના રાજમાં સુરત ‘સ્માર્ટ સિટી’ ફક્ત નામનું જ રહ્યું છે, સુરત ‘ખાડા સિટી’ બની ગયું છે. ભાજપ શાસકોએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીને સુરતને નર્કાગારમાં ધકેલી દીધું છે.
વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ ભાજપ શાસકો અને તંત્રની નાકામી પર પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, ભાજપ શાસકો વિકાસના પોકળ બણગાંઓ ફૂંકે છે. સુરતમાં ફક્ત ખાડા સામ્રાજ્ય છે. સુરતનો એકપણ રોડ એવો નહીં હોય જ્યાં ખાડા જોવા ન મળે.
વર્ષે 10 હજાર કરોડનું બજેટ ફક્ત પોતાની વાહવાહી માટે અને ખોટા બિનજરૂરી તાયફાઓ કરવા જ -વાપરે છે. પ્રજાના ટેક્સના રૂપિયાનો ધુમાડો કરવા સિવાય ભાજપ શાસકો કોઈ કામ નથી કરતા. આમ, સુરતમાં સબળ અને સક્ષમ વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી લોકોના પ્રશ્નો બાબતે અત્યંત સજાગ જોવા મળે છે અને તંત્રના કાન આમળતી રહે છે જેથી કરીને સુરતવાસીઓનું હિત જળવાય રહે.