સુરત: (Surat) સુરત શહેર વિસ્તારમાં મહાનગરપાલિકા (Corporation) દ્વારા દબાણ હટાવવાની કામગીરી, ગેરકાયદેસર કબજાઓ દૂર કરવા તેમજ રખડતાં ઢોરને પકડવા જેવી વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી માટે સિક્યિરિટી ગાર્ડને સાથે રાખવામાં આવે છે. આવી કામગીરી વખતે છાશવારે લોકો સાથે સ્ટાફને ઘર્ષણમાં ઉતરવું પડે છે. અનેક વખત તો મનપાના કર્મચારીઓ પર ગંભીર હુમલાઓ પણ થયા છે. મનપા દ્વારા આવી કામગીરીઓ માટે પોલીસતંત્ર દ્વારા મળતા બંદોબસ્ત પર નિર્ભર રહેવુ પડતું હતુ તેથી છેલ્લા પાંચ વર્ષથી સુરત મનપાને એસઆરપી ટુકડી ફાળવવા માંગણી કરવામાં આવી રહી હતી પરંતુ એક યા બીજા કારણોસર આ માંગણી પુરી થતી ન હતી. પરંતુ મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી (Harsh Sanghvi) ગૃહ રાજ્ય મંત્રી (Minister) તરીકે પદભાર સંભાળતાના 10 જ દિવસમાં સુરત મનપાને એસઆરપી ટુકડીની ફાળવણી કરી દેવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકાને સુરક્ષા સંદર્ભેની કામગીરી માટે પહેલી વખત એસઆરપી જવાનોની ટુકડી ફાળવવામાં આવી છે. વધુમાં, સુરત મહાનગરપાલિકાને ફાળવવામાં આવેલી એસઆરપી ની ટુકડી સુરત ખાતે પહોંચી ગઈ છે. સુરત મહાનગરપાલિકાને એસઆરપી ટુકડી ફાળવવાથી વિવિધ પ્રકારની કામગીરી જેવી કે ભિક્ષુકમુકત, રખડતાં ઢોર મુકત, દબાણ હટાવવાની કામગીરી, ગેરકાયદેસર કબ્જા દુર કરવા જેવી વિવિધ કામગીરી આસાનીથી થઈ શકશે તેવુ મનપા કમિશ્નર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું.
પીપલોદમાં બોલીબૂમ દ્વારા ડીજે પાર્ટીનો વીડિયો વાયરલ થતાં પોલીસ દોડતી થઇ
સુરત : પીપલોદમાં બોલીબૂમ દ્વારા ડીજે પાર્ટીનો વિડીયો વાયરલ થતા ઉમરા પોલીસ દોડતી થઇ ગઇ હતી. હાલમાં કોવીડ કાળમાં જયારે સંક્રમણનો ભય વધ્યો છે ત્યારે માલેતૂજારોનો આ વિડીયો શહેરમા ચર્ચાનો વિષય બન્યો છે. જોકે એક બાજુ સરકાર નવરાત્રિમાં 400 લોકોને ગરમા રમવા માટે મંજૂરી આપવા માટેની ઘોષણા કરી છે. બીજી બાજુ એવુ કહેવાય છે કે પીપલોદમાં આ કેસમાં પોલીસ કેસ દાખલ કરવો કે નહી તે મામલે પોલીસ પણ વિચારી રહી છે. એક તરફ ગણપતિમાં લોકો દ્વારા જાહેરમાં ઉત્સવ આયોજિત કરાયો બીજી બાજુ આ રીતે કોવીડ ગાઇડલાઇનના ભંગ મામલે કેવી રીતે પોલીસ કાર્યવાહી કરવી તે મામલે હવે પોલીસ પણ વિસામણમાં મૂકાઇ છે. અલબત વિડીયો વાયરલ થતાની સાથેજ ઉમરા પોલીસ દ્વારા મોડી રાત્રે ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળ દરમિયાન પોલીસની વારંવારની સૂચના હોવા છતાં યુવાનો એકત્ર થતાં જરા પણ ગભરાતાં નથી. પોલીસ દરેક જગ્યા પર પહોંચી શકતી નહીં હોવાથી યુવાનોના માતા પિતાએ કાળજી રાખવી જોઇએ કે જ્યાં લોકો એકત્ર થાય છે ત્યાં જ કોરોનાનું સંક્રમણ વધે છે તેમ છતાં આવી પાર્ટી અને બર્થ ડે પાર્ટી ઠેર ઠેર યોજાતી હોય છે. પોલીસ આવા મામલે ગુનો નોંધતી હોવા છતાં પણ આવી પાર્ટીઓ છાશવારે યોજાતી રહે છે.