SURAT

ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડાલિસ્ટ સુરતના હરમીત દેસાઈએ કોલકાતામાં પ્રભુતામાં પગલાં માંડયા

સુરત: (Surat) 2018ની કોમન વેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનિસમાં (Table tennis) ડબલ અને ટીમ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતનાર સુરતના હરમીત દેસાઈએ શનિવારે કોલકાતાની તાજ વિવાન્તા હોટેલમાં 200 મેહમાનોની હાજરીમાં પ્રભુતામાં પગલા માંડ્યા હતા. હરમીત દેસાઇએ (Harmit Desai) બંગાળ સરકારના સીઆઇડી અધિકારી સંદીપસિંહા રોયની દીકરી ક્રિત્વિકા સિન્હા રોય સાથે આજે સાતફેરા લીધા હતા. આ પ્રસંગે ભારતીય ટેબલ ટેનિસ સ્ટાર ખેલાડી જી. સાન્થીયન થોડાક સમય માટે હરમીતને શુભેચ્છા પાઠવવા આવ્યો હતો અને દહેરાદુનમાં ચાલી રહેલા ટ્રેનિંગ કેમ્પમાં પરત થવા રવાના થયો હતો. આ લગ્ન સમારોહમાં હરમીતના પિતા રાજુલ દેસાઇ, માતા, ભાઇ અને ભાભી સહિતનો સંપૂર્ણ પરિવાર આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહ્યો હતો. હરમીત દેસાઇના લગ્નનું આલા ગ્રાન્ડ રિસેપ્શન સુરતના અવધ ઉટોપિયાના મેરી ગોલ્ડ બેંકવેટ હોલમાં 400 મહાનુભાવોની હાજરીમાં થશે.

હરમીત અને ક્રિત્વિકાનાં પ્રેમલગ્ન
હરમીતના પપ્પા રાજુલ ઉર્ફે રાજુ દેસાઇએ જણાવ્યું હતું કે, હરમીત અને ક્રિત્વિકાનાં આ પ્રેમલગ્ન છે. કેટલાક મહિનાઓ પહેલા તેણે પ્રેમમાં હોવાની અને લગ્ન કરવાની ઇચ્છા વ્યકત કરી હતી. અમારો પરિવાર પ્રેમાળ અને સ્વતંત્ર વિચારોને મહત્ત્વ આપે છે. આથી હરમીત અને ક્રિત્વિકાને બધાએ આશીર્વાદ આપ્યાં છે. ક્રિત્વિકા સિન્હા રોય પણ 2019માં કોમન વેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડાલિસ્ટ રહી છે. તે ભારતીય વુમન મહિલા ટેબલ ટેનિસ ટીમની જાણીતી ખેલાડી છે. હરમીત જેમ ઓએનજીસીમાં અધિકારી તરીકે ફરજ બજાવે છે તેમ ક્રિત્વિકા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં અધિકારી છે.

17મીએ સુરતના અવધ ઉટોપિયામાં ટેબલ ટેનિસના દિગ્ગજ ખેલાડીઓની હાજરીમાં ગ્રાન્ડ રિસેપ્શન યોજાશે
તા.17 ડિસેમ્બરે એ સાંજે અવધ ઉટોપિયામાં યોજાનારા રિસેપ્શનમાં ભારતીય ટેબલ ટેનિસ ટીમના સ્ટાર અને હરમીતના સાથી ખેલાડીઓ શરથ કમલ, સત્યેન, શરદ, ઘોષ, ધનરાજ ચૌધરી અને ટીટી એસોસિએશનના સેક્રેટરી એ.પી.સિંહ હાજર રહેશે. 2019માં ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા હરમીત દેસાઈને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.

હરમીત દેસાઇએ કોલકાતાની તાજ વિવાન્તામાં બંગાળી વિધિથી લગ્ન કર્યા
કોલકાતાની પંચતારક હોટલમાં ભારતીય ટેબલ ટેનિસ સ્ટાર હરમીત દેસાઇએ બંગાળી વિધિથી ક્રિત્વિકા સિન્હા રોય સાથે લગ્ન કર્યા હતા. આ ભવ્ય લગ્ન સમારોહમાં ગુજરાતી મહેમાનો માટે પંજાબી વાનગીઓ જયારે નોન વેજીટેરીયન મહેમાનો માટે બંગાળી સ્ટાઇલની વાનગીઓ પીરસવામાં આવી હતી. શુક્રવારે મહેંદીની રસમ રાખવામાં આવી હતી અને આજે શનિવારે હલદીની રસમ પછી લગ્નના સાત ફેરા લેવાયા હતા. દહેરાદુનમાં ભારતીય ટેબલ ટેનિસ ટીમનો ટુર્નામેન્ટ કેમ્પ યોજાયો હોવાથી હરમીતના સાથી અન્ય સ્ટાર ખેલાડીઓ શરથ કમલ, અમલ રાજ, સનિલ શેટ્ટી, જી. સાન્થીયન ઉપસ્થિત રહી શકયા ન હતા. તેઓ હવે સુરતના રિસેપ્શનમાં હાજરી આપશે.

Most Popular

To Top