Gujarat

સુરતની જનતાને મુર્ખ બનાવ્યા: હજીરામાં મોટા ઉપાડે જે હોસ્પિટલનું લોકાર્પણ કરાયું ત્યાં એક પણ દર્દીને પ્રવેશ અપાયો નહીં

સુરત: (Surat) સુરત શહેર જિલ્લાની પ્રજાને હજીરામાં તાબળતોબ 1000 બેડની કોરોના હોસ્પિટલનું (Hospital) સ્વપ્ન બતાવી મુર્ખ બનાવ્યા હોય તેવું સામે આવ્યું છે. 27 એપ્રિલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એવી જાહેરાત કરી હતી કે એએમએનએસ હજીરા યુનિટમાં ગેસ આધારિત ઓક્સિજનનો વિપુલ જથ્થો હોવાથી 1000 બેડની હોસ્પિટલ શરૂ કરવા વિશાળ સરકારી જગ્યા સમતલ કરી હોસ્પિટલ માટે ફાળવવામાં આવી છે. આટલા મોટા ગજાના લોકોએ હોસ્પિટલનું લોકાર્પણ કર્યુ હોવાના અહેવાલો પ્રસિધ્ધ થયા પછી સુરત જિલ્લા અને સુરત શહેરના કોરોના પીડિત દર્દીઓ આ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. ત્યારે તંત્રએ જાણ કરી હતી કે 250 પૈકી માત્ર 16 બેડ (Bed) તૈયાર થયા છે. 72 કલાકમાં કોવિડ હોસ્પિટલ ઉભી કરવાનો દાવો કરાયો ત્યાં 72 કલાકમાં એક પણ દર્દીને પ્રવેશ અપાયો નથી.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડોક્ટરો,નર્સિંગ સ્ટાફ અને સફાઇ કર્મચારીઓની ફાળવણી કરવામાં નહીં આવતા હોસ્પિટલ શરૂ થઇ શકી નથી. આ હોસ્પિટલના ઉદ્ઘાટન માટે સ્ટેજ અને મંડપ બાંધવામાં આવ્યા હતા. ગુજરાતના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ,આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાણી, મેયર હેમાલી બોઘાવાલાથી લઇને કલેક્ટર, પાલિકા કમિશનર, પોલીસ કમિશનર અચાનક નક્કી થયેલા લોકાર્પણ સમારોહને લીધે હજીરા દોડી ગયા હતા. તમામ પોતાનું કામ છોડીને હાજર રહ્યા. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, પાલિકા કમિશનર બંછાનિધિ પાની પોતાની ફેસબુક વોલ અને ટ્વીટર આ હોસ્પિટલના સેમ્પલ બેડના ફોટો નાખી ખુબ અભિનંદન મેળવી રહ્યા છે પરંતુ સ્થળ પરની વાસ્તવિકતા જુદી છે.આ બાબતે ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેલા અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ કહે છે કે ડોક્ટરો સહિતનો મેડિકલ સ્ટાફ નહીં મળતા આ હોસ્પિટલ શરૂ કરવામાં બીજા બે ત્રણ દિવસ લાગી શકે છે.

72 કલાકમાં કોવિડ હોસ્પિટલ ઉભી કરવાનો દાવો કરાયો ત્યાં 72 કલાકમાં એક પણ દર્દીને પ્રવેશ અપાયો નહી
એએમએનએસ પરિસરમાં 250 બેડની હોસ્પિટલ 72 કલાકમાં ઉભી કરવામાં આવી હોવાનો દાવો કરી દેશવિદેશમાં ખુબ લોક પ્રિયતા મેળવવામાં આવી હતી. તે હોસ્પિટલની હકીકત એ છે કે 72 કલાકમાં એક પણ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નથી. કંપનીના સંચાલકો કહે છે કે અમારે માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરીને આપવાનું છે પરંતુ તંત્ર ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ ફાળવી શક્યુ નથી. કારણ કે સરકારી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલ પાસેજ દર્દીઓને સારવાર આપવા માટે ડોક્ટર અને નર્સિંગ સ્ટાફની ઘટ છે.

સરકાર, જિલ્લા વહીવટીતંત્ર અને એએમએનએસના અધિકારીઓએ લક્ષ્મી મિત્તલને પણ ગુમરાહ કર્યા
72 કલાકમાં હજીરાના આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટમાં 250 બેડની હોસ્પિટલ તૈયાર થઇ ગઇ હોવાનો દાવો કરી રાજ્ય સરકાર,મુખ્યમંત્રી, સાંસદ, ધારાસભ્યો અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ હજીરા દોડી ગયા હતા. હોસ્પિટલના ઓનલાઇન લોકાર્પણ સમારોહમાં છેક કઝાકિસ્તાનથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એએમએનએસના ચેરમેન લક્ષ્મી મિત્તલ પણ જોડાયા હતા. તેમને પણ સેમ્પલ બેડ બતાવી 250 બેડની હોસ્પિટલના નામે છેતરવામાં આવ્યા છે. આર્સેલર મિત્તલ દ્વારા લિક્વિડ ઉત્પાદન 30 ટકા વધારી 185 મેટ્રિક ટન કરવામાં આવ્યુ છે જે સુરતની હોસ્પિટલોને ઓક્સિજનનો 60 ટકા જથ્થો આપવા માટે સક્ષમ છે.

Most Popular

To Top