સુરત: (Surat) ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને સાંસદ સીઆર.પાટીલની (C R Patil) સીધી દરમિયાનગીરીને લીધે હજીરા ઔધોગિક વિસ્તારના સૌથી જોખમી એક્સિડન્ટ ઝોનમાં 152 કરોડના ખર્ચે 2 બ્રિજ (Bridge) બનાવવાનો નિર્ણય લઈ સરકારે ટેન્ડર ઇસ્યુ કરી દીધા છે. ચોર્યાસી વિધાનસભા બેઠકના ધારાસભ્ય સંદિપ દેસાઈએ જણાવ્યું હતું કે હજીરાના કવાસ પાટીયા અને રિલાયન્સ કંપની પાસે આવેલા પેટ્રોલપંપ સામે 152 કરોડના ખર્ચે બે ફ્લાયઓવર ઓવરબ્રિજ બનાવવા નેશનલ હાઇવે ઓથોરીટીએ મંજૂરી આપી દીધી છે. આ બંને બ્રિજ માટે ટેન્ડર પણ ઇસ્યુ કરી દેવામાં આવ્યા છે. ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલના પ્રયાસોને લીધે કેન્દ્ર સરકારે સુરતના લોકોને વધુ એક ભેટ આપી છે.
- સી.આર.પાટિલની સીધી દરમિયાનગીરીને પગલે વર્ષો જૂની માંગણી સંતોષાઈ
- હજીરા ઔધોગિક બેલ્ટમાં ભારે વાહનોની ટ્રાફિક સમસ્યા અને અકસ્માતના બનાવો અટકાવવા 152 કરોડના ખર્ચે 2 બ્રિજ બનાવવા ટેન્ડર ઇસ્યુ કરાયા
- સીઆર.પાટિલે દિલ્હીમાં નીતિન ગડકરીને રજૂઆત કરતા તાબડતોડ નિર્ણય લઈ ચૂંટણીની આચાર સંહિતા લાગુ થાય એ પેહલા ટેન્ડર બહાર પાડી દેવાયા
હજીરા વિસ્તારમાં અનેક જાયન્ટ ઇન્ડસ્ટ્રી આવી છે. અહીં રોજ 2000 થી વધુ ભારે માલ વાહક વાહનોની અવર જવર રહેતી હોય છે. હજીરાથી ધુલિયાને જોડતો મુખ્ય હાઇવે હોવાથી રોજિંદા દેશના ખૂણેખૂણામાંથી આવતા હજારો ટ્રક, ટેઇલર જેવા ભારે વાહનો આજ હાઇવેનો ઉપયોગ કરે છે. હજીરાની કંપનીઓની સાથે આસપાસ કવાસ, હજીરા,મોરા, દામકા, ભટલાઈ, જુનાગામ, રાજગરી સહિતના 10 ગામ આવેલા છે. આ ગામોના લોકો રોજિંદા કામકાજ માટે આ હાઇવેનો ઉપયોગ કરે છે. તેમજ કંપનીમાં આવતા કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં બસ ખાનગી વાહનોમાં અવર જવર કરે છે. મોટી સંખ્યમાં ભારે વાહનોની અવર જવર રહેતી હોવાથી સર્વિસ રોડ પર વાહનો પાર્ક કરી દેવામાં આવે છે. જેને લીધે કવાસ પાટિયાથી મોર તરફ જતા હાઇવે પર ટ્રાફિક જામની સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે.
કાયમી ધોરણે થતાં આ ટ્રાફિકના નિવારણ માટે ગ્રામજનો થતાં આ વિસ્તારના ચૂંટાયેલા આગેવાનોએ ચોર્યાસી ધારાસભ્ય સંદીપ દેસાઈને રજૂઆત કરી હતી. ધારાસભ્યએ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલને રજૂઆત કરી હતી. સીઆર.પાટિલે કેન્દ્રીય મંત્રી વાહન વ્યવહાર અને હાઇવે નીતિન ગડકરીને રજૂઆત કરતા તેમણે લોકોને પડતી હાલાકીને ધ્યાને લઇ તાત્કાલિક અસરથી કવાસ પાટિયા અને રિલાયન્સ કંપની પાસે ઓવરબ્રિજ બનાવવા નેશનલ હાઇવે ઓથોરિટીને આદેશ કર્યો હતો. દરમિયાન હાઇવે ઓથોરીટીએ તાત્કાલિક અસરથી આ સ્થળે 152 કરોડના ખર્ચે બ્રિજ બનાવવા ટેન્ડર ઇસ્યુ કરી દીધા હતા.