uncategorized

ગુજરાતમિત્રને 159 વર્ષથી વાચકો તરફથી મળતું પ્રોત્સાહન જ તેનું સૌથી મોટું પ્રેરકબળ

દરેક જીવોનું આયુષ્ય પ્રકૃતિ નક્કી કરે છે, સંજોગો નક્કી કરે છે. અખબારનું આયુષ્ય તેનો વાચક-સમાજ નક્કી કરે છે. એ આયુષ્ય પોતે જ એ વાતનું પ્રમાણ બને છે કે પેઢીઓ સુધી વાચકનો વિશ્વાસ તેણે જીત્યો કે નથી જીત્યો. ‘ગુજરાતમિત્ર’ 160માં વર્ષમાં પ્રવેશે છે ત્યારે થાય છે કે આપણે પરસ્પર એકબીજા પ્રત્યેની વિશ્વાસની કસોટીમાંથી પાર ઊતર્યા છે. તમે અમારી લાંબી મજલના સાથી છો, સાક્ષી છો. બદલાતા સમાજ, બદલાતી વ્યવસ્થા, બદલાતા રાજકારણમાં ટકવા એક સ્વસ્થ અભિગમ અને ભવિષ્ય પર નજર રાખી તત્કાલિન સમયને સમજવાની, આકલન કરવાની દૃષ્ટિ જરૂરી હોય છે. ‘ગુજરાતમિત્ર’ના 159 વર્ષનું પત્રકારત્વ આપોઆપ આ દૃષ્ટિ પુરવાર કરે છે.

વાચકોએ ગુજરાતમિત્રના ડિજીટલ માધ્યમોને જબરદસ્ત ઉત્સાહથી વધાવી લીધા. તે સમયથી શરૂ કરી અમારી વેબસાઈટ તથા ડિજીટલ માધ્યમોને મળેલી અભૂતપૂર્વ સફળતાથી અમારો ઉત્સાહ બેવડાયો અને અમને એ દિશામાં વધુ ને વધુ આગળ ધપવાનું પ્રોત્સાહન આજે પણ પુરૂં પાડી રહ્યું છે

દેશ અને દુનિયાના રાજકારણની શૈલી બદલાઇ ચૂકી છે. વિજ્ઞાન અને ટેકનોલોજીએ લોકોનાં જીવન જીવવાની રીતો બદલી છે. કોઇ 50 વર્ષની વ્યકિત પોતાના જીવનને બે ખંડમાં, જીવવાની બે રીતોમાં, વિચારવાના બદલાતા અભિગમોમાં જોશે. પરિવર્તન એકદમ ઝડપી છે અને વિજ્ઞાન-ટેકનોલોજી આવનારા સમયને હજુય કેટલું બદલશે તેની ધારણા માંડવી મુશ્કેલ છે. અખબારે તે બધા સમયમાં ‘વર્તમાન’ રહેવાનું હોય છે ને અમે એ જ કરતા આવ્યા છીએ. ‘ગુજરાતમિત્ર’ કાર્યાલયમાં એવાં જૂનાં મશીનો પણ છે જેના પર નહેરુયુગના સમાચારો છપાતા, એવાય છે જેની પર ઇન્દિરા ગાંધી યુગના સમાચાર છપાતા. બદલાતા સમયને ઝીલવા અમે મશીન અને ટેકનોલોજી પણ બદલતા રહ્યાં છીએ. સમાચાર લેખનની શૈલી અને સંપાદકીય પૃષ્ઠ, પૂર્તિઓની વિચાર સામગ્રી બદલાતી રહી છે. શરીરને જેમ સતત નવા લોહીની જરૂર પડે છે એમ અખબારને પણ પડે છે.

દોઢ સદી ઉપરાંતની આ મજલ દરમ્યાન ગુજરાતમિત્રએ પણ અનેક તડકી-છાંયડી જોઈ. પણ મહત્વનું એ છે કે તે હંમેશા તેના વાચકો, લોકોની પડખે રહ્યું અને ક્યારેય તેના પરનો વિશ્વાસ ડગવા ન દીધો. છેલ્લામાં છેલ્લો મોટો પડકાર ગણીએ તો તે કોવિડ-19 મહામારીનો હતો.

આમ તો તમામ ધંધા-ધાપા અને સામાન્ય જનજીવન પર મોટી અસર કરનારી આ આફત હતી, પરંતુ ગુજરાતમિત્ર તથા સમગ્ર અખબાર જગત માટે તો આ એક અતિ કઠીન પડકાર સમાન બની રહ્યું. ગમે એવા કપરા સંજોગોમાં પણ વાચક સુધી તાજા અને સાચા સમાચાર પહોંચાડવાનું એ એક અખબારનો ધર્મ હોય છે. કોરોના કાળમાં પણ ગુજરાતમિત્રે પોતાનો આ ધર્મ ખૂબ જ નિષ્ઠાથી બજાવવાનો તમામ પ્રયાસ કર્યો અને કરી પણ શક્યું. પરંતુ લોકડાઉનના સમયમાં વાચકો સુધી અખબારની પ્રત પહોંચાડવું એ સૌથી કપરું કામ હતું. ગમે તેટલી ઈચ્છા શક્તિ હોવા છતા આ સમય દરમ્યાન અનેક વાચકો સુધી અનેક દિવસો માટે અમે પહોંચી ન શક્યા. ગુજરાતમિત્ર તથા કેટલાક તેના વાચકો વચ્ચેના વર્ષોથી જામેલા ગાઢ સેતુમાં વિક્ષેપ ઉભા થયા છતા જોકે, એ સમય પણ પસાર થઈ ગયો. સંજોગો વસાત ગુજરાતમિત્ર તથા એના વાચકો વચ્ચે આવેલો અલ્પવિરામ તેના અરસ-પરસનો વિશ્વાસનો તંતુ તોડી ન શક્યો.

પરિસ્થિતિ સુધરતા ફરી ગુજરાતમિત્રે એજ વાચકોના પરિવારનો અભિન્ન અંગ બની ગયુ પરંતુ આ દરમ્યાન પણ ગુજરાતમિત્ર તેના ડિજીટલ માધ્યમ તથા સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ્સ મારફતે પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે પણ તમામને સાચી માહિતી તથા જ્ઞાનનું ભાથુ પીરસતું રહ્યું અને વધુને વધુ પીરસતું ગયું.

દરેક કાળા વાદળને પણ રૂપેરી કોર હોય જ છે. તે રીતે આ કપરા કોરોના કાળ દરમ્યાન આપ વાચકોએ ગુજરાતમિત્રના ડિજીટલ માધ્યમોને જબરદસ્ત ઉત્સાહથી વધાવી લાધા. તે સમયથી શરૂ કરી અમારી વેબસાઈટ તથા ડિજીટલ માધ્યમોને મળેલી અભૂતપૂર્વ સફળતાથી અમારો ઉત્સાહ બેવડાયો અને અમને એ દિશામાં વધુ ને વધુ આગળ ધપવાનું પ્રોત્સાહન આજે પણ પુરૂં પાડી રહ્યું છે.

ગુજરાતમિત્ર હંમેશા તેની પરંપરા મુજબ વાચકોને સદાયે કઇક નવીન તથા વિચાર-વિશ્લેષણ કરવા પ્રેરે એવું પીરસતુ રહ્યું છે. હાલમાં જ દેશમાં ઉજવાયેલા આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ગત સ્વાતંંત્ર્ય િદને ગુજરાતમિત્રે તેની ભવ્ય ધરોહર તથા નવતર પ્રયોગની પ્રણાલી પર સતત કાયમ રહી 15મી ઓગસ્ટ 1947 એટલે કે ભારતને આઝાદી મળી તે દિવસની આવૃત્તિનું પ્રથમ પૃષ્ઠ આબેહુબ છાપ્યું હતું. જેને આપ વાચકોએ ખૂબ માણ્યું અને વખાણ્યું!

વાચકો તરફથી ગુજરાતમિત્રના દરેક નવીન પ્રયોગોને મળતી સકારાત્મક પ્રતિક્રિયા અમારા માટે પ્રેરકબળ બનતી આવી છે. જેમ 159 વર્ષ સુધી આપનું પ્રોત્સહન અમને આગળ વધવાનો જુસ્સો પુરું પાડતું આવ્યું છે તે રીતે હવે પછીના વર્ષો-વર્ષ પણ આપનો સહકાર અપને આગળ ધપવાનું ઇંધણ પુરું પાડતું રહેશે એવી અમને ખાત્રી છે.

Most Popular

To Top