સુરત: (Surat) ગુજરાતમાં પતંગ (Kite) બનાવવાનો ઈતિહાસ 200 વર્ષનો માનવામાં આવે છે. પરંતુ ડિઝાઈનર પતંગ (Designer Kite) બનાવવાની શોધ સુરતના (Surat) રાંદેરમાં કરવામાં આવી હતી. 130 વર્ષ પહેલા રાંદેરના નાનાબજાર વિસ્તારમાં ડિઝાઈનર પતંગ બનાવવાની શરૂઆત પ્રસિધ્ધ શાસ્ત્રીય ગાયક અને તબલાવાદક હાજી કમાલે (Haji Kamal) કરી હતી. હાજી કમાલ જ્યારે નવાબીકાળ દરમિયાન પોતાની ગાયકી રજૂ કરવા હૈદરાબાદ ગયા હતા ત્યારે તેમણે પતંગ બનાવતા કારીગર પાસે સિંગલ કાગળથી બનતા પતંગ બનાવવાની તાલીમ લીધી હતી. અને સુરતમાં તે વિચારને આધારે 4 કલરના કાગળમાંથી રાંદેરી ડિઝાઈનર પતંગ બનાવવાની શરૂઆત કરી હતી. એક સમયે રાંદેરમાં 40 જેટલા પરીવાર હેન્ડમેઈડ પતંગ બનાવતા હતા. પરંતુ હવે પતંગના વ્યવસાયમાં કોઈ ખાસ વળતર નહીં હોવાથી આ પરીવારો બીજા વ્યવસાય તરફ વળ્યા છે. રાંદેર નાનાબજારમાં હવે માત્ર 7 પરીવાર બચ્યા છે, જે પાંચથી સાત દાયકા કરતા પણ વધુ સમયથી પતંગ બનાવી રહ્યા છે. રાંદેરી પતંગની આ કલા લુપ્ત થવા તરફ જઈ રહી છે. રાંદેરના પ્રસિદ્ધ ઉર્દુ કવિ વસીમ મલિક કહે છે કે, અમદાવાદ, ખંભાત અને નડિયાદમાં બનતા પતંગો કરતા રાંદેરમાં જુદા પ્રકારના પતંગો બને છે. અમદાવાદમાં પતંગો બનાવવા માટે ચાઈનીઝ મશીનરીનું આગમન થતાં કટીંગ થયેલા પતંગોમાં કમાન ચોંટાડી રાજ્યભરમાં પતંગો વેચવામાં આવે છે. જે મોટેભાગે સિંગલ અથવા ડબલ કલરના હોય છે. જ્યારે રાંદેરમાં આજે પણ કાગળના કટિંગથી લઈ પતંગની કમાન લગાવવા સુધીનું કામ હાથથી કરવામાં આવે છે. રાંદેરમાં પતંગ બનાવવાનો વ્યવસાય કરનાર હાજી કમાલનું વર્ષો પહેલાં 110 વર્ષની વયે નિધન થયું હતું.
બ્રિટિશ રાજ પહેલાં સુરતમાં પતંગ તાપી નદીના પટ અને પાળાઓ ઉપરથી ઉડાડવામાં આવતા હતા
રાંદેરના પતંગવીદ ઈમ્તિયાઝ પતંગવાલા કહે છે કે, રાંદેરનો પતંગનો ઈતિહાસ 130 વર્ષ જૂનો છે. બ્રિટિશ રાજ પહેલાં સુરતમાં અગાશી અને ધાબાઓ ઉપર પતંગ ચગાવવાનું ચલણ નહોતું તે સમયે તાપી નદીના પટમાં અને તેની આસપાસના પાળાઓ ઉપર ચઢી સુરતીઓ પતંગ ઉડાડતા હતા. તે ઉપરાંત તે સમયે રાંદેરના ખુલ્લા મેદાનો અને મુગલીસરા પાતળીયા હનુમાન પાસે આવેલા ખુલ્લા મેદાનમાં પતંગ સ્પર્ધાઓ યોજાતી હતી.
ચીલ અને ગોટેલા પતંગ રાંદેરની ઓળખ બન્યા છે : બાબાખાન પતંગવાલા
રાંદેરમાં પતંગ બનાવવાના વ્યવસાય સાથે દાયકાઓથી સંકળાયેલા બાબાખાન પતંગવાલા કહે છે કે, ચીલ અને ગોટેલા પતંગ રાંદેરની ઓળખ બન્યા છે. રાંદેરમાં થ્રી ફોર કલરમાં પતંગ બને છે. તે ઉપરાંત ચીલ જેવા પ્લેન પતંગ પણ બને છે. કાગળ, ડિઝાઈન, પેટર્ન અને સ્ટાઈલને લીધે રાંદેરના પતંગ ખંભાત, નડિયાદ અને અમદાવાદના પતંગથી જુદા પડે છે. અહીં હાથથી પતંગ બન્યા પછી દિવસના અંતે માંડ સાતસો રૂપિયા મળતા હોવાથી નવી પેઢીને હવે પતંગ બનાવવામાં રસ નથી. રાંદેરમાં ચાર પેઢીઓ વર્ષમાં આઠ મહિના અને ત્રણ પેઢીઓ ચાર મહિના સિઝન પુરતું પતંગનું ઉત્પાદન કરે છે.
આ પતંગોની જાતો વિશ્વભરમાં રાંદેરની ઓળખ બન્યા
સાડી સત્તાવીસની ચીલ, અડદિયા, ડબ્બો, માજુન, આંખદાર, લડ્ડુ, ગોટેલા, ચટોપટો. આ પતંગો માત્ર રાંદેરમાં તૈયાર થાય છે. મોટાભાગના પતંગો ત્રણથી ચાર જુદા જુદા કલરના કાગળોને જોડી એવી રીતે બનાવવામાં આવે છે કે જાણે એક જ કાગળ પર ચાર કલર ઉપસ્યા હોય સૌથી મુશ્કેલ કામ ગોટેલા પતંગ બનાવવાનું હોય છે. બારીકાઈવાળુ કામ હોવાથી રાંદેરમાં પતંગની આ જાતી લુપ્ત થવાને આરે છે. કારણકે હવે આ પ્રકારના પતંગ કોઈ બનાવતું નથી.
બાળપણથી ડિઝાઈનર પતંગો બનાવતા 65 વર્ષિય ઈદ્રીશભાઈ પતંગવાલા
રાંદેરમાં વેચાતો દરેક પતંગ રાંદેરી પતંગ નથી. રાંદેરી પતંગની ઓળખ તેની ડિઝાઈન અને કાગળ ઉપરથી થાય છે. રાંદેરમાં બનતા પતંગ માટે કાગળ હૈદરાબાદથી અને કમાન માટેની લાકડી કોલકાતાથી આવે છે. હમણાં વડોદરામાં કાગળ ઉત્પાદક કંપનીએ રાંદેરના પતંગોને ધ્યાને રાખી સુરતી કાગળ નામ આપી પતંગ ઉત્પાદકોને વેચવાનું શરૂ કર્યું છે. આ કાગળ હૈદરાબાદના કાગળને મળતું આવે છે. રાંદેરમાં 65 વર્ષિય ઈદ્રીશભાઈ પતંગવાલા બાળપણથી ડિઝાઈનર પતંગો હાથથી બનાવવા માટે જાણીતા છે. તેમના પુત્ર ઈમ્તિયાઝ પતંગવાલા કહે છે કે, અમારી પેઢી આજે પણ રાંદેરમાં હાથથી બનતાં પતંગોની કળા બચાવવા માટે સક્રિય છે. અમારા પતંગો છેક દક્ષિણ ગુજરાતના નવસારીથી લઈ મુંબઈ સુધી જાય છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ પતંગના શોકીનો લઈ જાય છે. પરંતુ આ પતંગો અમદાવાદ અને ખંભાતના પતંગો કરતા મોંઘા હોવાથી તેનું વેચાણ પણ પ્રમાણમાં ઓછું થાય છે.
પોણીયા અને પટીયા જેવી સ્થિર પતંગ રાંદેરમાં બને છે : રીયાઝ પતંગવાલા
રાંદેર નાનાબજારમાં રસીદભાઈ પતંગવાલાની ચોથી પેઢી છેલ્લા 70 વર્ષથી પતંગ બનાવે છે. રસીદભાઈના ભત્રીજા રીયાઝભાઈ કહે છે કે, અમે કાકાના કામમાં મદદ કરીએ છીએ પોણીયા અને પટીયા જેવી સ્થિર પતંગ રાંદેરમાં બને છે. ચીલ અને ગોટેલા રાંદેરના પતંગની વેરાઈટી છે. પરંતુ હવે ગોટેલા પતંગ ભાગ્યે જ કોઈ બનાવતું હશે. કાગળ, લાકડી, ગુંદર સહીતનો રો મટીરીયલ મોંઘુ થતાં હવે પહેલા જેવો નફો રહ્યો નથી. તેને લીધે ઉત્પાદન હવે ઓછું છે.
70 વર્ષથી રમજુબેન પતંગવાલા પરીવારની મહિલાઓ પતંગ બનાવે છે
રાંદેરમાં છેલ્લા 70 વર્ષથી રમજુબેન પતંગવાલાના પરીવારની માત્ર મહિલાઓ પતંગ બનાવે છે. રમજુબેન આ પરીવારની ચોથી પેઢી છે. જે પતંગ બનાવવાના વ્યવસાયમાં સક્રીય છે. રમજુબેન કહે છે કે, તેમના દાદાના સમયથી પતંગ બનાવવાનું કામ ચાલતુ આવ્યુ છે. પરંતુ હવે આ વ્યવસાયમાં કોઈ ખાસ વળતર મળતું નથી. સરકારે આ વ્યવસાયને લઘુ ઉદ્યોગનો દરજ્જો આપી હાથથી પતંગ બનાવતા કારીગરોને બચાવી લેવા જોઈએ.