સુરતઃ સુરત શહેર (Surat City) સહિત સમગ્ર જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાતા ફરી એકવખત શહેરજનોમાં ફફડાટ ફેલાયો હતો. વિશેષ કરીને હાઈરાઈઝ બિલ્ડીંગોમાં રહેતા લોકોને ભૂકંપના આંચકાની અનુભૂતિ વધારે થઈ હોવાથી તેઓ ઘરોની નીચે દોડી આવ્યા હતા. સવારે 4.35 કલાકે 3.1ની તીવ્રતાનો ભૂકંપ (Earthquake) આવ્યો હતો. ગુજરાતની ધરા ઉપર છેલ્લા કેટલાક વર્ષોથી સતત ભૂકંપના આંચકા અનુભવતા રહે છે. રાજય ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ છેલ્લા પખવાડિયામાં રાજ્યમાં 33 જેટલા ભૂકંપના આંચકા નોંધાયા છે. જોકે ભૂકંપના આંચકાને કારણે કોઈપણ સ્થળે જાનહાનિના કે અન્ય કોઈ બનાવો સામે આવ્યા નથી.
શનિવારે વહેલી સવારે સુરત શહેર અને જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાતા શહેરીજનોમાં ફફડાટ ફેલાયો હતો. વહેલી સવારે 4.35 કલાકે 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હાઈરાઈઝ બિલ્ડીંગોમાં રહેતા લોકોને આ ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના સિયાલજ ગામ પાસે નોંધાયું છે. જેને પગલે વહીવટી તંત્રમાં ચિંતા વધી ગઈ છે. વહેલી સવારે ભૂકંપના આ આંચકા શહેર જિલ્લા સિવાય આસપાસના જિલ્લામાં પણ અનુભવાયા હતા. ખાસ કરીને કામરેજ, કાપોદ્રા, મોટા વરાછા, સરથાણા, પુણા, કડોદરા, કોસંબા નજીક ઉંચી ઇમારતોમાં રહેતા લોકો વહેલી સવારે આંચકા અનુભવાતા નીચે દોડી આવ્યા હતા. લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો. જોકે ભૂકંપના આંચકાને કારણે કોઈપણ સ્થળે જાનહાનિના કે અન્ય કોઈ બનાવો સામે ન આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
વડોદરાથી વલસાડ સુધી 4.3ની તીવ્રતાના આંચકા નોંધાયા
વડોદરાથી લઈને વલસાડ સુધી ગત 7 નવેમ્બર 2020 ના રોજ 4.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 4.3ની તીવ્રતાએ આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ ભરૂચથી 36 કિલોમીટર દૂર વાલિયાના ધારોલી ગામ હતું. ભૂકંપના આંચકા આવતા સુરત, વલસાડ, ઓલપાડ, ભરૂચ, આણંદ,વડોદરા સહિતના વિસ્તારમાં હાઈરાઈઝ બિલ્ડીંગમાં રહેતા લોકો નીચે દોડી આવ્યાં હતાં.
છેલ્લા 15 દિવસમાં ગુજરાતમાં 33 ભૂકંપના આંચકા
ગુજરાતની ધરા છેલ્લા કેટલાક વર્ષોથી સતત ભૂકંપના આંચકાને લીધે ધ્રુજી રહી છે. માત્ર છેલ્લા 15 દિવસની વાત કરીએ તો ગુજરાતમાં 33 જટેલા ભૂકંપના આંચકાઓ નોંધાયા છે. જેમાં 1.0 તીવ્રતાથી લઈને આજે સૌથી વધુ 3.1ની તીવ્રતાનો આંચકો સુરતમાં અનુભવાયો હતો. જેનું કેન્દ્ર બિન્દુ પણ સુરતની નજીક છે. જ્યારે કચ્છમાં છેલ્લા 15 દિવસમાં સૌથી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા છે.