સુરત : સુરત (Surat) આર્થિક ગુના નિવારણ શાખાએ આજે દેશના અર્થતંત્રની કમર તોડી રહેલા ગુનેગારોની રાજ્યના 6 જિલ્લામાં દરોડા પાડી ધરપકડ (Arrest) કરી હતી. આ આરોપીઓએ 21 બોગસ કંપનીઓ ઉભી કરી ખોટા જીએસટી (GST) નંબર પર 200 કરોડનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું.
સુરત ઇકોસેલ પાસેથી મળતી માહિતી મુજબ ગત 19 સપ્ટેમ્બરે ક્રાઈમ બ્રાંચમાં એક ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ફરિયાદની વિગત જોઈએ તો ઇકોસેલની ટીમને કેટલાક તત્વો બનાવટી દસ્તાવેજોના આધારે એબી એન્ટરપ્રાઇઝ, બારીયા એન્ટરપ્રાઇઝ, ગણેશ એન્ટરપ્રાઇઝ, જયઅંબે એન્ટરપ્રાઇઝ, એમ.ડી.ટ્રેડીંગ, મકવાણા એન્ટરપ્રાઇઝ, એમ.ડી. એન્ટરપ્રાઇઝ, એસ.જી. એન્ટરપ્રાઇઝ જેવી ડમી પેઢીઓ અને ફર્મના નામે GST લાયસન્સ મેળવ્યા છે. તેવા ફર્મ અને પેઢીઓના નામે બેંક એકાઉન્ટ ખોલાવી તેવા બેંક એકાઉન્ટમાં ગેરકાયદેસરનો વેપાર ધંધો કરી રહ્યા છે. અને સરકારના નિયમ મુજબનો ટેક્ષ ક્રેડીટ મેળવવા ખોટા બીલો બનાવી ડમી બેંક એકાઉન્ટમાં મસમોટી રકમના નાણાકીય ટ્રાન્જેક્શનો કરાયા હોવાની બાતમી મળી હતી.
ઇકોસેલ દ્વારા આ બાતમીના આધારે તપાસના ચક્રો ગતિમાન કરી દેવાયા હતા. જેમાં સુરત ઇકો સેલેના હાથે જીએસટીનું મોટું કૌભાંડ ઝડપાયું હતું. ઇકો સેલ દ્વારા સુરત સહિત રાજ્યના અમદાવાદ, રાજકોટ, ભાનનગર, મોરબી અને જુનાગઢ શહેરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ભાવનગરમાંથી 5, સુરતમાંથી 2, અમદાવાદથી 2 અને રાજકોટથી 3 મળી કુલ 12 આરોપીઓની ધરપકડ કરી હતી. અને જેમાં 200 કરોડ GST ટ્રાન્જેક્શન કૌભાંડ બહાર આવ્યું હતું. 21 કંપનીઓ ઉભી કરીને ખોટા બિલો બનાવ્યા હતા. અને જેના આધારે 36 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ લીધી હતી.
ઇકો સેલની 12 ટીમ સાથે ડીસીબી, એસઓજી અને સાયબર પોલીસ જોડાઈ
ઇકો સેલ દ્વારા રાજ્યના 6 જિલ્લામાં દરોડા પાડવા માટે 12 ટીમો તૈયાર કરવામાં આવી હતી. આ 12 ટીમોની સાથે ક્રાઈમ બ્રાંચ, એસઓજી અને સાયબર ક્રાઈમ પોલીસ પણ જોડાઈ હતી. આ સિવાય મોરબી, જુનાગઢ, ભાવનગર પોલીસની પણ મદદ લેવામાં આવી હતી.
લાઈટબીલ અને આધારકાર્ડ પણ બોગસ બનાવ્યા હતા
ઇકો સેલની ટીમે તપાસ હાથ ધરી ત્યારે તમામ પેઢીનું GST લાયસન્સ મેળવવા જે તે વ્યક્તિએ પુરાવાઓમાં રજુ કરેલા ટોરેન્ટ કંપની તથા DGVCL ના લાઇટ બીલોની ખરાઈ કરાઈ હતી. જેમાં તે કસ્ટમર આઇ.ડીઓ જે તે વીજ કંપની ધ્વારા ઇસ્યુ નહીં કરાયા હોવાનું જાણવા મળ્યું હતું. એટલે કે લાઇટબીલો પણ ખોટા હતા. વધુમાં રજીસ્ટ્રેશન સર્ટીફિકેટમાં અપલોડ કરેલા ફોટો કરતાં આધારકાર્ડનો ફોટો અલગ વ્યક્તિનો હોવાનું જોવા મળ્યું હતું.