સુરત: (Surat) સુરતમાં શનિવારે કાપોદ્રાના પાસોદ્રામાં ગ્રીષ્મા વેકરિયા (Grishma vekariya) નામની 21 વર્ષીય યુવતીની તેની જ સોસાયટીમાં તેને એકતરફી પ્રેમ કરતા 20 વર્ષીય યુવક ફેનિલ ગોયાણીએ હત્યા કરી હતી. આ ઘટનાએ ફક્ત સૌરાષ્ટ્રવાસી સમાજને જ નહીં પણ સમગ્ર સૂરતને હચમચાવી મુક્યો છે. તપાસમાં એવું બહાર આવ્યું છે કે ગ્રીષ્માની હત્યા (Murder) કરનારો ફેનિલ કપલ બોક્સ અને સ્મોકિંગ પાર્લર ચલાવતો હતો. આટલી નાની ઉંમરમાં રૂપિયા કમાવવાની હોડમાં છેલ્લી પાયરીનો ધંધો કરવાના રવાડે કેવી રીતે ચઢ્યો તે તપાસ કરતા વધુ સૌરાષ્ટ્રવાસી સમાજ માટે ચિંતાનો વિષય છે. કારણ કે વરાછામાં ફેનિલ જેવા અનેક યુવકો ફરી રહ્યાં છે જે રૂપિયા કમાઈ લેવાની લાલચમાં ખોટા કામના રવાડે ચઢ્યા છે. ત્યારે હવે આ મામલે સુરતીઓનો ભારોભાર વિરોધ (Protest) સામે આવી રહ્યો છે.
કપલ બોક્સ બંધ થવા જોઈએ: અલ્પેશ કથિરિયા (પાસ)
શહેરમાં જે પ્રકારે ડ્રગ્સ સહિત પાવડર તેમજ અન્ય માદક પદાર્થોનું વેચાણ ખૂબ મોટા પ્રમાણમાં થતું હોવાના કારણે અમે આ બાબતે તાજેતરમાં જ પોલીસ કમિશનરને પણ એક આવેદનપત્ર આપ્યું હતું. પરંતુ હવે અમે આગામી દિવસોમાં સુરત પોલીસને સાત દિવસ માટેનું અલ્ટીમેટમ આપવાના છીએ. અમારા વિસ્તારના યુવાનો આ લતે જાય અને પોતાની યુવાની વેડફી નાખે તે પહેલાં જ સામાજિક સ્તર ઉપર પણ અમે આ કામ કરવાના છીએ. શહેરમાં કપલ બોક્સ ચાલી રહ્યા છે. કપલ બોક્સની અંદર લગભગ 90 ટકા કોલેજીયન યુવાનો જતાં હોય છે. અનેક યુવાનો અવળે રસ્તે ચડી ગયા છે. તેઓ ત્યાં જતા હોય છે. કપલ બોક્સમાં નશાથી લઈને શરીર સુખ માણી શકાય તેવી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે અને તેના માટે મસમોટા ચાર્જીસ પણ વસૂલી લેવાતા હોય છે. પોલીસે આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ અને તેને તાત્કાલિક બંધ કરવા માટેના પ્રયાસો શરૂ કરવા જોઈએ.
ડ્રગ્સ- પોર્નોગ્રાફી ફિલ્મો જેવા દુષણો યુવાવર્ગને બરબાદ કરી રહ્યા છે- વિપુલ સાચપરા (સમાજસેવક)
યુવા પેઢી દ્વારા દિવસે ને દિવસે હિંસા અને ગુનાઓ વધી રહ્યા છે. અત્યારની યુવાપેઢી બરબાદી તરફ આગળ વધી રહી છે. જેનું મુખ્ય કારણ ઘણી કુટેવો લોકોમાં ઘર કરી ગઇ છે. જે વાત કડવી છે પણ નરી વાસ્તવિકતા છે. વિભક્ત કુટુંબો, મા-બાપની વધુ પડતી આળ – પંપાળ, ડ્રગ્સ- પોર્નોગ્રાફી ફિલ્મો જેવા દૂષણો, મોબાઈલ ઈન્ટરનેટનો દુરુપયોગ, કપલ બોક્સ, સટ્ટો રમવાની કુટેવો અને એવા મિત્રોની સંગત જે આનું આચરણ કરતા હોય છે એ પણ આમાં ખુબ જ મોટો ભાગ ભજવે છે. જેને કારણે યુવાવર્ગ બરબાદ થઇ રહ્યો છે.
લોકડાઉનમાં શૈક્ષણિક સંસ્થા બંધ રહેતા ટેકનોલોજીનો દુર ઉપયોગ કરીને યુવાવર્ગ ખોટી દિશા તરફ વળ્યો : ડો. ગૌતમ શિહોરા
કોરોનાની મહામારીને કારણે શહેરમાં લોકડાઉન થવાથી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેતા ઓનલાઇન શિક્ષણ શરૂ થયું હતું. તેમાં યુવાનોએ ટેકનોલોજીનો દુર ઉપયોગ કરીને ઓનલાઇન જુગાર, ગેમ, ચેટ, કલબ પર સમય બગાડીને યુવાવર્ગ ખોટી દિશા તરફ પ્રેરીત થઇ રહ્યો છે જેના કારણે યુવાવર્ગ ક્રાઇમની દિશા તરફ વળી રહ્યા છે. આને ન રોકવામાં આવે તો આગામી સમયમાં ખુબ જ ગંભીર પરિણામો પણ આવી શકે તેમ છે. ગુનેગારોમાં પોલીસનો ખોફ રહ્યો નથી જેથી આ પ્રકારના દૂષણો રોકવા માટે પ્રમાણિક અધિકારીઓને જવાબદારી અપાઇ તો રોકી શકાય તેમ છે. ન્યુરોસાઇકાટ્રીક દવાઓના વ્યસની બનેલો યુવાવર્ગ ક્રાઇમ તરફ ધકેલાઇ રહ્યો છે.
શહેરમાં કપલ બોક્સ અને સ્પાનું દૂષણ દૂર કરવા પોલીસ કમિશનરને રજૂઆત
સુરત : શહેરના છેવાડે પાસોદરા વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં યુવતીની થયેલી હત્યા પ્રકરણમાં હોસ્પિટલના ટ્રસ્ટી તેમજ અન્ય અગ્રણીઓએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. આ સાથે જ શહેરમાં સ્પા અને કલપબોક્સ તેમજ ડ્રગ્સનાં દૂષણો દૂર કરવા માટે રજૂઆત થઇ હતી. શનિવારે ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની તેના જ પ્રેમીએ હત્યા કરી નાંખી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેને લઇને જીએફસીના દિનેશ નાવડિયા, કિરણ હોસ્પિટલના પ્રમુખ મથુર સવાણી, સમસ્ત પાટીદાર સમાજના વેલજી શેટા સહિતના અગ્રણીઓએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી કે, શહેરમાં હોટેલ અને રેસ્ટોરન્ટમાં ચાલતા કપલ બોક્સ, તેમજ સ્મોકિંગ રૂમ, હોકાબાર, સ્પા કે પાર્લર સહિતનાં ગુનાહિત પ્રવૃત્તિનાં કેન્દ્રોને તાત્કાલિક અસરથી બંધ કરવાની માંગણી કરાઇ હતી. જેમાં વરાછા, કાપોદ્રા, ચોગીચોક, મોટા વરાછા, કામરેજ અને પાસોદરા કેનાલ સહિતના વિસ્તારોમાં અસામાજિક તત્ત્વો બેસી રહે છે અને ડ્રગ્સના નશામાં ચઢે છે એ બાબતે પણ કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી.