SURAT

ગ્રીષ્મા હત્યા કેસમાં ફાંસીના ચૂકાદાથી ફેનિલના વકીલને સંતોષ નહીં, હવે કરશે આ કામ

સુરત : (Surat) પાસોદરા ગામે 21 વર્ષીય ગ્રીષ્માનું (Grishma) 12 ઇંચના ધારદાર છરા વડે સરાજાહેર હત્યા (Murder) કરનાર આરોપી ફેનીલ (Fenil) ગોયાણીને તકસીરવાર ઠેરવાયા બાદ કોર્ટે ગુરુવારે તા. 5 મે ના રોજ ફાંસીની (Hanging Till Death) સજા સંભળાવી હતી. ફેનીલ સામેના કેસને કોર્ટે રેરેસ્ટ ઓફ ધી રેર ગણીને ચુકાદો આપતા કહ્યું કે, આરોપીનું કૃત્ય ખુબ જ હેવાનિયત ભર્યું અને અપવાદરૂપ ગણી શકાય તેવું છે, આરોપીએ એક નિ:સહાય યુવતીની સરાજાહેર હત્યા કરી નાંખી છે, આરોપીને આજીવન કારાવાસની સજા પણ ઓછી પડે છે, આરોપી માટે ફક્તને ફક્ત ફાંસીની સજા જ કરવી યોગ્ય જણાય છે. આ સાથે જ કોર્ટે ફાંસીની સજાની મંજૂરી માટે ગુજરાત હાઇકોર્ટને યાદી મોકલી હતી.

  • ગ્રીષ્માના હત્યારા હત્યા ફેનીલને ત્રણ જ મહિનામાં ફાંસી
  • 20 વર્ષની ઉંમરે પ્રોફેશનલ કિલરને છાજે તેવી ઘાતકી હત્યા : કોર્ટ
    આરોપીને આજીવન કારાવાસની સજા અપૂરતી જણાય છે જેથી તેને મૃત્યુદંડની સજા સિવાય બીજો કોઇ વિકલ્પ રહેતો નથી: કોર્ટ

ગઇ તારીખ 12મી ફેબ્રુઆરી-2022ના સાંજના સાડા છ વાગ્યાના અરસામાં સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરા ગામે આવેલી લક્ષ્મીધામ સોસાયટીમાં ગ્રીષ્મા નંદલાલ વેકરિયા (ઉ.વ.21)ની કાપોદ્રામાં સાગર સોસાયટીમાં રહેતા ફેનીલ પંકજભાઇ ગોયાણી (ઉ.વ.20)એ 12 ઇંચના ધારદાર છરા વડે ગ્રીષ્માનું સરાજાહેર હત્યા કરી નાંખી હતી. ફેનીલે હત્યા પહેલાં ગ્રીષ્માના કાકા સુભાષભાઇ અને તેના ભાઇ ધ્રુવનો પણ હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ઘરેથી પસાર થતા એક યુવકે ઘટનાનો સમગ્ર વીડિયો મોબાઇલમાં રેકોર્ડ કરી લીધો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ ફેનીલની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. કઠોર કોર્ટમાં ફેનીલની સામે ચાર્જશીટ દાખલ થયા બાદ આ કેસને સુરતના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ વિમલ કે. વ્યાસની કોર્ટમાં કમિટ કરાયો હતો.

ફેનીલની સામે ચાર્જફ્રેમ થયા બાદ સ્પીડી ટ્રાયલ ચલાવવામાં આવી હતી. 3 મહિનાના અંતે આરોપી ફેનીલને હત્યા સહિતના ગુનામાં તકસીરવાર ઠેરવવામાં આવ્યો હતો. બીજી તરફ મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ફેનીલ સામેના કેસને રેરેસ્ટ ઓફ ધી રેર ગણીને ફાંસીની સજાની માંગણી કરી હતી. જ્યારે ફેનીલના વકીલ ઝમીર શેખે ફેનીલની નાની ઊંમર તેમજ તેના ભવિષ્યને ધ્યાને રાખીને ઓછી સજા કરવા જણાવ્યું હતું. આજે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ વિમલ કે. વ્યાસે બંને પક્ષોની દલીલો બાદ ફેનીલને હત્યા સહિતના ગુનામાં દોષી ઠેરવીને ફાંસીની સજા સંભળાવી હતી. મુખ્ય જિલ્લા ન્યાયાધીશે ચુકાદો સંભળાવવાની શરૂઆત મનુસ્મૃતિના ચૂકાદાથી કરી હતી. ત્યારબાદ બચાવપક્ષ અને સરકારી પક્ષ દ્વારા રજૂ કરાયેલા વિવિધ સુપ્રિમ કોર્ટના ચૂકાદાઓ વિશે પોતાનો અભિપ્રાય આપીને ફેનીલ સામેના કેસને રેરેસ્ટ ઓફ ધી રેર ગણીને ફાંસીની સજાનો હુકમ કર્યો હતો, આ ઉપરાંત ફેનીલને રૂા.12500નો દંડ કરાયો હતો, જ્યારે ગ્રીષ્માના પરિવારને તેમજ ઇજાગ્રસ્ત બંને વ્યક્તિને રૂા.5 લાખનું વળતર આપવા જણાવ્યું હતું. કોર્ટે ફાંસીની સજા માટે ગુજરાત હાઇકોર્ટને યાદી મોકલી આપી હતી.

ફેનિલે વકીલને બોલાવી કહ્યું, મારા પપ્પાનું ધ્યાન રાખજો
ફેનિલની સામે હત્યાના કેસની ટ્રાયલ શરૂ થઇ ત્યારથી અત્યાર સુધી ફેનિલના ચહેરા ઉપર હત્યાનો જરા પણ રંજ રહ્યો ન હતો. ફેનિલને તકસીરવાર ઠેરવવામાં આવ્યો ત્યારે પણ કોર્ટે ફેનિલને પોતાના બચાવમાં કંઇ કહેવા હોય તો કહેવાનું જણાવ્યું હતું. પરંતુ ફેનિલે કશુ પણ કહેવાની ના પાડી દીધી હતી. ત્યારે ગુરુવારે ફેનિલને ફાંસીની સજા સંભળાવાઇ હતી. આ ચૂકાદા બાદ ફેનિલના વકીલ ઝમીર શેખે માહિતી આપતા કહ્યું કે, ચૂકાદા પછી ફેનિલને તેઓને બોલાવીને કહ્યું હતું કે, મારા પપ્પાને બોલાવીને ધ્યાન રાખજો. આ ઉપરાંત વકીલે માહિતી આપતા કહ્યું કે, આ કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવશે.

ફેનીલનું કૃત્યને આતંકી અજમલ કસાબ જેવું : કોર્ટ
2008માં મુંબઇની તાજ હોટેલ તેમજ ઓબેરોય હોટેલ ઉપર થયેલા આતંકી હુમલાને પણ ધ્યાને લેવાયો હતો. તે કેસમાં આરોપી અજમલ કસાબે લોકોની ચિચિયારી તેમજ આજીજી અને વિનંતીને બાજુ ઉપર મૂકી લોકો ઉપર બેફામ ફાયરિંગ કરી હત્યાઓ કરી નાંખી હતી. હાલના કેસમાં પણ આરોપી ફેનીલ ગ્રીષ્માના ગળા ઉપર 12 ઇંચનું ધારદાર ચપ્પુ મૂકી અત્યંત ક્રૂરતાથી સામે ઊભેલા તમામ વ્યક્તિઓની વિનંતી, કાલકૂદી તથા આજીજીને ઠોકર મારી, કસાઇ પશુનું ગળું કાપે એ રીતે ગ્રીષ્માનું ગળું કાપી હત્યા કરી નાંખી છે.

આ ઉપરાંત કોર્ટે મહંમદ ફિરોઝ વિરુદ્ધ મધ્યપ્રદેશની ક્રિમિનલ અપીલના ચુકાદાને ધ્યાને લઇ જણાવ્યું હતું કે, મોહંમદ ફિરોઝનો કેસ સાંયોગિક પુરાવા ઉપર આધારીત હતો, તે કેસના વિશિષ્ટ સંજોગોને ધ્યાને લઇ સુપ્રીમ કોર્ટે મૃત્યુદંડની જગ્યાએ 20 વર્ષની સજાનો હુકમ કર્યો હતો, જ્યારે ફેનીલ સામેનો કેસ સાંયોગીક પુરાવા આધારીત નથી, પરંતુ સંપૂર્ણ સ્પષ્ટપણે દાર્શનિક પુરાવા આધારિત છે, આરોપીએ બે વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરી, નિ:શસ્ત્ર અને નિ:સહાય યુવતી ગ્રીષ્માની કોઇપણ ઉશ્કેરણી વિના, સ્વસ્થતાપૂર્વક અનેક લોકોની હાજરીમાં, તમામ લોકોની આજીજી અને વિનંતીને અવગણીને હત્યા કરી છે. બનાવના સ્થળે લોકોના દાર્શનિક પુરાવા, એક સાક્ષીએ સમગ્ર ઘટનાનું વિડીયો રેકોર્ડિંગ કર્યું એ પણ યોગ્ય રીતે પૂરવાર થયું છે. ત્યારે મોહંમદ ફિરોઝના ચુકાદાની હકીકતો હાલના કેસની હકીકતો કરતાં સ્પષ્ટ પણે અલગ છે.

Most Popular

To Top