સુરત: (Surat) ગ્રીષ્મા હત્યા (Grishma Murder) કેસમાં આરોપી ફેનિલ ગોયાણીનું આજે કોર્ટમાં (Court) 355 પાનાનું વધારાનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું. આ સ્ટેટમેન્ટમાં ફેનિલને (Fenil) કુલ 908 સવાલ પૂછવામાં આવ્યા હતા. કુલ 355 પાનાના ફર્ધર સ્ટેટમેન્ટમાં દસ્તાવેજી પુરાવા અને મુખ જુબાનીના આધારે વિગતવાર ખુલાસો પુછાયો હતો. આ સાથે જ હવે આગામી દિવસોમાં ગ્રીષ્મા હત્યા કેસનો ચૂકાદો આવે તેવી શક્યતા જોવાઇ રહી છે.
- ગ્રીષ્મા હત્યા કેસનો ચૂકાદો હવે ટૂંક સમયમાં જ જાહેર થાય તેવી શક્યતા
- કુલ 355 પાનાના ફર્ધર સ્ટેટમેન્ટમાં દસ્તાવેજી પુરાવા અને મુખ જુબાનીના આધારે વિગતવાર ખુલાસો પુછાયો
- એક જ દિવસમાં ફેનિલ ગોયાણીને 908 સવાલ પૂછી વધારાનું સ્ટેટમેન્ટ લેવાયું
આ કેસની વિગત મુજબ પાસોદરામાં ખુલ્લેઆમ ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરી નાંખવાની ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી હતી. આ કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને પોલીસે સ્થળ ઉપરથી જ પકડી પાડીને જેલમાં મોકલી આપ્યો હતો. છેલ્લા એક મહિનાથી આ કેસની સુનાવણી સુરત કોર્ટમાં ચાલી રહી છે. આ કેસમાં અત્યાર સુધી કુલ 190 સાક્ષી પૈકી 105 સાક્ષીની જુબાની લેવામાં આવી હતી જ્યારે બાકીના 85 સાક્ષીને પડતા મૂકવામાં આવ્યા છે. આ સાથે જ સરકાર પક્ષે હવે કોઇ સાક્ષીની જુબાની લેવાની નથી તેવું ક્લોઝિંગ આપ્યું છે. ત્યારે આજે મંગળવારે આ કેસમાં આરોપી ફેનિલ ગોયાણીનું ક્રિમિલન પ્રોસીજર કોડની કલમ-313 પ્રમાણે વધારાનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું.
આ સ્ટેટમેન્ટમાં ફેનિલને કુલ 908 સવાલો પૂછવામાં આવ્યા હતાં. જેમાં કોર્ટમાં રજૂ થયેલા દસ્તાવેજી પૂરાવા, મેડિકલ પૂરાવા ઉપરાંત ઘટનાને નજરે જોનાર સાક્ષીની જુબાનીનો પણ સમાવેશ થાય છે. આ તમામ સવાલો દ્વારા આરોપીનો ખુલાસો પુછવામાં આવ્યો હતો. ફેનિલ ગોયાણીનું કુલ્લે 355 પાનાનું સ્ટેટમેન્ટ નોંધાયું છે. આ સાથે હવે આગામી ટૂંક દિવસોમાં જ આરોપી આ હત્યા કેસનો ચૂકાદો આવે તેવી શક્યતા છે.