સુરત: (Surat) સુરતમાં ગ્રીષ્મા (Grishma) વેકરીયાની એકતરફી પ્રેમમાં ફેનિલ (Fenil) ગોયાણીએ જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા (Murder) કરી હતી. આ ઘટનાના પડઘા રાજ્યમાં પડ્યા છે ત્યારે ગ્રીષ્માના હત્યારા ફેનિલને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી રજા મળી છે. રજા મળતા કામરેજ પોલીસે (Police) આરોપીનો કબજો મેળવી લીધો છે. જેથી તેને પોલીસ બંદોબસ્ત સાથે કામરેજ પોલીસ સ્ટેશન લઈ જવાયો છે. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતા અને પોલીસને જોઈને ફેનિલ રડવા લાગ્યો હતો. કામરેજ પોલીસ દ્વારા ફેનિલની ધરપકડ કરી કોર્ટમાં (Court) રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે.
સુરત જિલ્લાના કામરેજના પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણીએ એક તરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીનું ગળું કાપી હત્યા કરી નાખી હતી. યુવતીની આવી ઘાતકી હત્યાને લઈ તેમજ હત્યાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતાં આખું ગુજરાત હચમચી ઊઠ્યું છે. હાલ ગ્રીષ્માના હત્યારા ફેનિલને સુરત સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેથી પોલીસ બંદોબસ્ત સાથે તેને કામરેજ પોલીસ સ્ટેશન લઈ જવાયો છે. બીજી તરફ ફેનિલને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો. સિવિલ હોસ્પિટલોના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે ફેનિલે ઝેરી દવા પીધી હોવાનું નાટક કર્યું હોવાનું સામે આવ્યું છે.
ડોક્ટર્સે કહ્યું, ફેનિલની હાથની નસ કપાઈ નથી
દરમ્યાન સિવિલ હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે ફેનિલે હાથની નસ કાપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે નસ કપાઈ ન હતી અને માત્ર માસ જ કપાયું છે. જ્યાં 10 જેટલા ટાંકા આવ્યા છે. ફેનિલ ગોયાણીને 48 કલાકથી પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં સારવાર અપાઈ રહી હતી. ત્યારબાદ તેની હાલત સ્ટેબલ થતા રજા આપવામાં આવી હતી. ફેનિલની સારવાર દરમિયાન પરિવાર છોડી બીજા કોઈને પણ મળવા દેવાયા નથી.
ફેનિલ સામે કામરેજ પોલીસ સ્ટેશનમાં 302 હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તેની ધરપકડ કરી અને તેની પૂછપરછ શરૂ કરશે ત્યારે હકિકતમાં હત્યાનું કેવી રીતે પ્લાનિંગ કર્યુ તે બહાર આવશે. ફેનિલને સાથે રાખી અને મૃતક દીકરીના ઘર પાસે રિકનસ્ટ્રક્શન કરવામાં આવશે. જોકે આ કામગીરી સજ્જડ પોલીસ બંદોબસ્તમાં કરવામાં આવશે. લોકોમાં ફેનિલ ગોયાણી માટે એટલો રોષ છે કે તેના પર હુમલો થઈ શકે છે.
જણાવી દઈએ કે સુરતના કામરેજ વિસ્તારમાં 12 ફેબ્રુઆરીએ ફેનિલે હથિયાર સાથે ગ્રીષ્માના ઘરની બહાર તોફાન મચાવ્યું હતું. ત્યારબાદ તેણે તેના પરિવાર સામે યુવતીને પકડી લીધી હતી. તેણે છરી બતાવી લોકોને નજીક ન આવવાનું કહ્યું હતું. એકતરફી પ્રેમમાં બદલો લેવા માટે ફેનિલે ગ્રીષ્માનું ગળું કાપી જાહેરમાં હત્યા કરી દીધી હતી.