SURAT

ચિંધી બાળનારા સામે GPCBની ઝુંબેશ આક્રમક બની ! પલસાણા ઇકો પાર્કમાં તપાસ

સુરત: ઇન્ડસ્ટ્રિયલ એકમોના બોઇલરમાં ચિંધીનો બળતણ ઉપયોગ કરી રહેલા એકમો સામે જીપીસીબીએ (GPCB) ઝુંબેશ વધુ આક્રમક બનાવી છે. પલસાણાના (Palsana) ઇકો પાર્કમાં (Eco Park) એકમોની મોટાપાયે તપાસ હાથ ધરી ચિંધી વપરાશ કરનારાઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સુરત (Surat) શહેરની સચીન જીઆઇડીસીની સંગમ પ્રિન્ટસ પ્રાઇવેટ લિમિટેડમાંથી ચિંધીના પોટલા પકડાયા બાદ ગુજરાત પોલ્યુશ કન્ટ્રોલ બોર્ડએ ઝુંબેશ સઘન બનાવી છે.

શહેરની સચીન જીઆઇડીસી ફરતે ચિંધીના ગોડાઉનની પણ તપાસ હાથ ધરાઇ રહી છે. ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના અધિકારીઓએ રાત્રિ મોનિટરિંગ સઘન બનાવ્યુ છે. ગઇકાલે રાતે જીપીસીબીની ટીમે સરપ્રાઇઝ વિઝિટ સાથે પલસાણાના ઇકો પાર્કમાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસમાં હાલ કોઇ વાંધાજનક મળી આવ્યુ નથી. પરંતુ ઇકો પાર્કમાં મોટાપાયે ચિંધીનો વપરાશ થતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જીપીસીબીએ ગયા મહિને પણ ઇકો પાર્કમાં તપાસ કરી એક એકમ સામે તપાસ કરી હતી. આ એકમમાંથી ચિંધી પકડાઇ હતી. જેને પગલે ઇકો પાર્કમાં જીપીસીબીએ સતત તપાસ શરુ કરી છે. જીપીસીબીના સૂત્રોએ કહ્યું હતું કે શિયાળા પહેલા પ્રદુષણની વ્યાપક ફરિયાદને પગલે તંત્ર સાબદુ બન્યુ છે.

ગયા મહિને ચિંધી ભરેલો ટેમ્પો પકડાયેલો પણ પોલીસે બિનવારસી કરી મામલો સુલટાવી દીધો
પલસાણા ઇકો પાર્કમાં ચિંધીની ડિલીવરી કરતા તત્વો સામે જીપીસીબીએ તપાસ તેજ બનાવી છે. ગયા મહિને પલસાણાના ઇકો પાર્કમાં જીપીસીબીએ ચિંધી ડિલીવરી કરવા આવેલો ટેમ્પો પકડી પાડયો હતો. આ ટેમ્પો પોલીસે વચ્ચે પડી બિનવારસી જાહેર કરાવી દીધો હતો જેને પગલે આ ટેમ્પામાં ચિંધી કયાથી આવી હતી. તે ચહેરા બેનકાબ કરી શકાયા નહોતા.

ઇકો પાર્કમાં સીઇટીપીના જોડાણમાં પણ મોફાટ લાખ્ખો રૂપિયા ખંખેરાયા
પલસાણા હાઇવે ટચ ઇકો પાર્કમાં ચિંધી બાળતા એકમો સામે તવાઇ બાદ નવી જ વાત બહાર આવી છે. ઇકો પાર્કમાં કોઇપણ એકમને કચરાના નિકાલ માટે કનેકશન લેવુ હોય તો પચાસ લાખનો ભાવ બોલાઇ રહ્યો છે. જો કોઇ એકમ પચાસ લાખ ન ભરે તો તેમને જોડાણ અપાતુ નથી. ઇકો પાર્કમાં આ સિવાય પણ સબસીડીને લગતા ઘણા પ્રશ્નો છે. જે આગામી દિવસોમાં બહાર આવશે.

Most Popular

To Top