સુરત: જીપીસીબી (GPCB) અને ફેકટરી ઇન્સ્પેક્ટરની મંજૂરી વિના સુરત શહેર જિલ્લામાં 287 ગેરકાયદે ડાઇંગ મિલો અને કેમિકલ યુનિટોનો (Illegal Dyeing Mills And Chemical Units) ધમધમી રહ્યાં હોવાની યાદી ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ(ઈંટુક) દ્વારા સોમવારે કલેક્ટર, જીપીસીબી સુરતના વિભાગીય અધિકારી અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવી હતી. કોઈપણ પ્રકારનું ફેક્ટરી, લેબર, ફાયર, પીએફ, ઇએસઆઈ, બોઇલર, વીજ લાઇસન્સ કે રજિસ્ટ્રેશન વિના આ ડાઈંગ-પ્રિન્ટિંગ મિલો અને કેમિકલ યુનિટો ધમધમી રહ્યાં છે. અને ઝેરી વેસ્ટ વોટર અને કેમિકલ વોટર (Chemical Water) ખુલ્લામાં છોડતાં આ એકમો સામે પગલાં ભરવા માંગ કરાઈ છે. આ ગેરકાયદે એકમો સચિન જીઆઇડીસી, પાંડેસરા જીઆઇડીસી, કડોદરા જીઆઇડીસી અને ઉધના જીઆઇડીસીની પેરીફેરીની આસપાસ ગેરકાયદે ધમધમી રહ્યાં છે.
તે ઉપરાંત કીમ, જોળવા, પીપોદરા, સાયણ, પલસાણા ઇકો પાર્ક, હોજીવાલા, બલેશ્વર, ભેસ્તાન, લિંબાયત, કતારગામ, વસ્તાદેવડી રોડ, ભીમનગર, ઉધના એકેડમી, આંજણા ફાર્મ, જોગણી સર્કલ ઉધના-મગદલ્લા રોડ, કઠોદરા સહિત સુરત શહેર અને જિલ્લાના વિસ્તારોમાં ધમધમી રહ્યા છે. આ એકમો દ્વારા ફેક્ટરી, વિદ્યુત નિરીક્ષક, બોઇલર, પીએફ ઇએસઆઈ સહિતના કાયદાઓનું ઉલ્લંઘન ખુલ્લેઆમ કરવામાં આવી રહ્યું છે. છતાં સરકારી તંત્રની મિલીભગતમાં ખુલ્લો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. આ એકમો દ્વારા રાતના સમયે લોકોના આરોગ્યને ખૂબ જ ગંભીર રીતે નુકસાન પહોંચાડે તેવું ઝેરી કેમિકલ અને વેસ્ટ વોટર છોડી પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે. હાલમાં જ જીપીસીબી, જીઆઇડીસીની ગુનાહિત બેદરકારી અને નિષ્કાળજીના કારણે સચિનમાં ટેન્કરથી ઝેરી કેમિકલ વેસ્ટ ઠાલવવામાં આવતાં 6 કામદારનાં મોત થયાં હતાં. અને 23 કામદારને અસર થઈ હતી.
પ્રદેશ ઈન્ટુકના મહામંત્રી કામરાન ઉસ્માની અને શહેર ઈન્ટુકના પ્રમુખ ઉમાશંકર મિશ્રાએ જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા 10 દિવસમાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવશે તો ઈન્ટુકને જે-તે સંબંધિત વિભાગની ઓફિસને તાળાં મારવાની ફરજ પડશે. સુરત શહેર અને જિલ્લાનાં 287 એકમ દ્વારા છોડવામાં આવતા ઝેરી પ્રદૂષણના કારણે સચિન GIDC, પાંડેસરા GIDC, પલસાણા ઇકો પાર્ક, બલેશ્વર, ભેસ્તાન, કડોદરા, પલસાણા, સાયણ, ઉધના, લિંબાયત સહિતના વિસ્તારોમાં આવેલાં ઔદ્યોગિક એકમોની આજુબાજુમાં આવેલાં ગામો તથા શહેરી વિસ્તારોમાં લોકો અસ્થમા, કેન્સર જેવી ગંભીર બીમારીઓમાં સપડાઈ રહ્યા છે. પર્યાવરણ અને ફેક્ટરી એક્ટના કાયદાઓ અભરાઇએ ચઢાવી સાયન્ટિફિક ટ્રીટમેન્ટ વિના કેમિકલ વેસ્ટ વોટર છોડવામાં આવી રહ્યું છે.
શહેરી વિસ્તારમાં પાલિકાની ડ્રેનેજ લાઈનમાં ઝેરી વેસ્ટ કેમિકલ ઠલવાઈ રહ્યું છે: ઈન્ટુક
ઈન્ટુકના અગ્રણી શાન ખાને જણાવ્યું હતું કે, સુરત શહેર અને જિલ્લામાં 287 જેટલાં ડાઇંગ-પ્રિન્ટિંગ તથા કેમિકલ એકમો કોઈપણ જાત પરવાનગી વિના ગેરકાયદે ધમધમી રહ્યાં છે. જેઓ દ્વારા ઝેરી લિક્વિડ વેસ્ટ કેમિકલ ગેરકાયદે મનપાની સ્ટ્રોમ ડ્રેનેજની ગટરોમાં નાંખવામાં આવી રહ્યું છે. જે ખૂબ જ ગંભીર બાબત છે. અહીં એક દિવસ મોટી હોનારત સર્જાશે.
આ વિસ્તારોમાં ગેરકાયદે મિલ અને કેમિકલ યુનિટો ચાલી રહ્યાં છે
સચિન જીઆઇડીસી, પાંડેસરા જીઆઇડીસી, કડોદરા જીઆઇડીસી અને ઉધના જીઆઇડીસીની પેરીફેરીની આસપાસ ગેરકાયદે યુનિટો ધમધમી રહ્યાં છે. ઉપરાંત કીમ, જોળવા, પીપોદરા, સાયણ, પલસાણા ઇકો પાર્ક, હોજીવાલા, બલેશ્વર, ભેસ્તાન, લિંબાયત, કતારગામ, વસ્તાદેવડી રોડ, ભીમનગર, ઉધના એકેડમી, આંજણા ફાર્મ, જોગણી સર્કલ ઉધના-મગદલ્લા રોડ, કઠોદરામાં પણ મોટી સંખ્યામાં એકમો ચાલી રહ્યાં છે.
ગેરકાયદે ડાઈંગ મિલો અને કેમિકલ યુનિટ માટે ગેરકાયદે બોઇલર, સ્ટેન્ટર, ગેસ ચેમ્બરો ઊભી કરાઈ
સુરત શહેર અને જિલ્લામાં કાયદેસર ચાલતાં ડાઈંગ-પ્રોસેસિંગ એકમો અને કેમિકલ એકમો સામે સમાંતર ગેરકાયદે ડાઈંગ મિલો અને કેમિકલ એકમોનું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે. આ ગેરકાયદે ડાઈંગ મિલો અને કેમિકલ યુનિટ માટે ગેરકાયદે બોઇલર, સ્ટેન્ટર, ગેસ ચેમ્બરો ઊભી કરી દેવામાં આવી છે. ખોટાં ડોક્યુમેન્ટથી ઇન્ડસ્ટ્રિયલ ગેસ અને ડોમેસ્ટિક ગેસ સિલિન્ડર મેળવી તેનો દુરુપયોગ થઈ રહ્યો છે. એક કાયદેસરના ડાઈંગ એકમોમાં જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે તે ગેરકાયદે ઊભું કરી સરકારી તંત્રોને રજિસ્ટ્રેશન, મેઇન્ટેનન્સ, લાઇસન્સ ફીનું મોટું નુકસાન કરવામાં આવી રહ્યું છે. જીએસટીની મોટા પાયે ચોરી કરવામાં આવી રહી છે.