સુરત: (Surat) સુડાના અધિક કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર અને ચીફ ઓફિસરને ફાળવવામાં આવેલી સરકારી ગાડીમાં (Government Vehicle) આઉટસોર્સના ડ્રાઈવરો દ્વારા દારૂની હેરાફેરી કરતા રાંદેર પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે સરકારી બોલેરો અને એક સ્વિફ્ટ કારમાંથી (Swift Car) 25 હજારથી વધુનો દારૂ ઝડપી પાડ્યો હતો. આ મામલે સંડોવાયેલા 3 આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે.
- સરકારી ગાડીઓમાં દારૂની હેરાફેરી કરતા 3 આરોપીઓને પાંચ દિવસના રિમાન્ડ ફટકારાયા
- પોલીસને લાંબા સમયથી સરકારી ગાડીમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હોવાની આશંકા
- પોલીસે સરકારી બોલેરો અને એક સ્વિફ્ટ કારમાંથી 25 હજારથી વધુનો દારૂ ઝડપી પાડ્યો
- આરોપીઓ દારૂનુ વેચાણ કોને કરતા હતા તે શોધવાનુ બાકી છે
- તે સિવાય અન્ય કોઇ દારૂનો જથ્થો તેણે સંતાડયો છે કે નહી તે તપાસ કરવાની બાકી છે
રાંદેર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે દારૂના જથ્થા અંગે બાતમી મળી હતી. જેને લઈને પોલીસે રાંદરે મોરાભાગળ હનુમાન ટેકરી સામે ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને સાયરન લગાવેલી એક બોલેરો અને સ્વિફ્ટ કારને ઝડપી પાડી હતી. દારૂના વેચાણ માટે જ આ બંને કાર ઊભી હતી. પોલીસે કારને કોર્ડન કરી તપાસ હાથ ધરતા બોલેરો કારમાંથી સીટ નીટે ચાર બોક્સમાંથી દારૂની 24 બોટલ મળી આવી હતી. આ સાથે જ 24 બિયરની બોટલ મળી હતી. જ્યારે સ્વિફ્ટ કારમાંથી એક બોક્સમાંથી 12 બોટલ દારૂ મળી આવ્યો હતો. આમ પોલીસે કુલ 25 હજારથી વધુનો દારૂ ઝડપી પાડ્યો હતો. દારૂ અને કાર મળી પોલીસે કુલ 8.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે રેનિશ નિજારભાઈ વટસરીયા, રાહુલ નિજારભાઈ વટસરીયા અને સાજીદ બદરૂદિન હાજીયાણીની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ આપનાર ધનરાજ પ્રાણ પામેલાને વોન્ટેડ જાહેર કર્યો છે.
આ કિસ્સામાં પોલીસ દ્વારા જે ચાર મુદા રજૂ કરવામાં આવ્યા હતા. તેમાં આરોપીઓ દારૂનુ વેચાણ કોને કરતા હતા તે શોધવાનુ બાકી છે. આ ઉપરાંત રેનીશ વટસિરીયા પાસે જે દારૂનો જથ્થો પકડવામાં આવ્યો છે. તે સિવાય અન્ય કોઇ દારૂનો જથ્થો તેણે સંતાડયો છે કે નહી તે તપાસ કરવાની બાકી છે. આ ઉપરાંત જે સરકારી ગાડી છે. તે કેટલી વખત સુરત બહાર દારૂની હેરફેર કરવા માટે ગઇ છે તે પૂછવાનુ બાકી છે.