સુરત: (Surat) સુરત શહેરના વરાછા વિસ્તારમાં (Varachha Area) લાંબા સમયથી શરુ થયેલી સરકારી સાયન્સ કોલેજ (Science College) શરૂ કરવાની ચળવળને સફળતા સાંપડી છે. તાજેતરમાં સરકારે આ દરખાસ્ત ઉપર મત્તુ મારી દીધુ છે. નવા શૈક્ષણિક વર્ષથી કોલેજ ધમધમતી થઇ જશે. છેલ્લા લાંબા સમયથી વરાછામાં સરકારી સાયન્સ કોલેજ (Government Science College) શરૂ કરવા માટે માંગ કરવામાં આવી રહી હતી. આ કોલેજ શરૂ થવાને કારણે વરાછા વિસ્તારના વિદ્યાર્થીઓને બહોળો લાભ મળશે.
ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરીએ જારી કરેલા પત્રનુસાર વર્ષ ૨૦૨૦-૨૦૨૧ માં સુરતના વરાછા વિસ્તારમાં સરકારી વિજ્ઞાન પ્રવાહ કોલેજ સહિત રાજ્યભરમાં સાત સરકારી કોલેજો શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ કોરોનાની પરિસ્થિતિને કારણે મંજૂર નવી વહીવટી બાબતને મંજૂરી આપવામાં આવી ન હતી.વર્ષ ૨૦૨૨-૨૩ ના નવી બાબત બજેટમાં બિન આદિજાતિ વિસ્તારના સુરત જિલ્લાના વરાછા ખાતે વિજ્ઞાન પ્રવાહની નવી સરકારી કોલેજ શરૂ કરવા માટે જોગવાઈ કરવા શિક્ષણ વિભાગને દરખાસ્ત કરવામાં આવી છે.
વરાછા વિસ્તારમાં નવી સરકારી વિજ્ઞાન પ્રવાહની કોલેજ શરૂ કરવા સંદર્ભે પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનશેરિયા દ્વારા મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, શિક્ષણ વિભાગને નવેમ્બર,૨૦૨૧ માં રજૂઆતો કરવામાં આવી હતી. આ નવી કૉલેજમાં આચાર્ય સહિત ૧૭ કર્મચારીઓનો સ્ટાફનું મહેકમ પણ મંજૂર કરાયુ છે. સરકા્રી કૉલેજ બિલ્ડિંગ નહીં બને ત્યાં સુધી હંગામી ધોરણે એસએમસીની ખાલી શાળામાં કૉલેજ શરૂ કરવામાં આવશે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૦૨૩ થી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. વરાછા વિસ્તારમાં સરકારી સાયન્સ કોલેજ શરૂ કરવા સંદર્ભે ભાવેશ રબારી, મનીષ કાપડીયા સહિતના વિદ્યાર્થી નેતાઓ દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી.
પીટી સાયન્સ કોલેજની કેમેસ્ટ્રી લેબમાં મધરાતે આગ
સુરત: શહેરના અઠવાલાઇન્સ વિસ્તારની એમટીબી કોલેજમાં આવેલી પીટી સાયન્સ કોલેજની કેમેસ્ટ્રી લેબમાં મધરાતે અચાનક આગ ફાટી નીકળતા આખી લેબ બળીને ખાખ થઈ ગઈ હતી. લેબમાં લાગેલી આગની સિક્યુરિટી ગાર્ડને જાણ થતા તાત્કાલીક ફાયર વિભાગને જાણ કરતા બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. લેબમાં જવલનશીલ કેમિકલ સહિતના પ્રવાહી હોવાથી આગ વધુ ઉગ્ર બની હોય તેવું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું.
ફાયર વિભાગે જણાવ્યું હતું કે, પીટી સાયન્સના કેમેસ્ટ્રી લેબમાં પહેલા માળે મંગળવારની મધરાત્રે 12.26 એ અચાનક શોર્ટસર્કિટથી આગ ફાટી નીકળી હતી. આ ઘટનાની ફાયર વિભાગને જાણ થતા મજુરા ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. જ્યાં ફાયરકર્મીઓએ બે કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. જોકે આગ લાગવા પાછળનું પ્રાથમિક કારણ શોર્ટસર્કિટ હોવાનું જાણવા મળ્યું હતું. આગમાં ફર્નિચર, કોમ્પ્યુટર ટેબલ, પ્રિન્ટર રૂમ સહિત સંપૂર્ણ લેબ બળીને ખાખ થઈ ગઇ હતી. લેબમાં જ્વલનશીલ પ્રવાહી અને લાકડાનું ફર્નિચર હોવાને કારણે આગ ઉગ્ર બની હોય એમ કહી શકાય છે.