સુરતઃ (Surat) ભારત સરકારના (Government) મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા શહેરોમાં કાયમી સ્વચ્છતા (Cleanliness) રહે એ માટે દર વર્ષે સ્વચ્છ ભારત મિશનનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ભારત સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ-2023, વોટર પ્લસ અને ગાર્બેજ ફ્રી સ્ટાર રેટિંગ પણ આપવામાં આવે છે. જેમાં 4320 જેટલાં શહેરોએ ભાગ લીધો હતો. જેનાં પરિણામો ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સની વેબસાઈટ પર શનિવારે તા. 6 જાન્યુઆરીએ જાહેર કરાયાં છે. જેમાં સુરત શહેરને પણ ગાર્બેજ ફ્રી સિટીમાં 7 સ્ટાર જાહેર કરાયું છે. સમગ્ર ભારત દેશમાં ઇંદોર, સુરત અને નવી મુંબઈ એમ ફક્ત ૩ શહેરને 7-સ્ટાર રેટિંગ મળ્યું છે. ગુજરાત રાજ્યમાં ફક્ત સુરત શહેરને 7 સ્ટાર રેટિંગ મળ્યુ છે. જ્યારે ગુજરાતનાં અન્ય શહેરોને 3 સ્ટાર રેટિંગ મળ્યું છે. સુરત શહેરને ગાર્બેજ ફ્રી સિટીમાં પ્રથમવાર 7 સ્ટાર રેટિંગ મળ્યું છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન, રાત-દિવસ રસ્તાની સફાઈ, શહેરમાં સૂકા-ભીના કચરાની ડસ્ટબીન, વેસ્ટ કલેક્શન એન્ડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, સ્વચ્છતા એપ દ્વારા ફરિયાદના નિકાલની વ્યવસ્થા તેમજ ઘરે પણ લોકો દ્વારા ભીંના કચરામાંથી ખાતર બનાવાય છે. આ તમામ કામગીરી શહેરમાં થતી હોય શહેરને ગાર્બેજ ફ્રી 7 સ્ટાર સિટી જાહેર કરવા માટે શાસકો સમક્ષ દરખાસ્ત મુકાઈ હતી. તેમજ વોટર પ્લસ સર્ટિફિકેશન માટે શહેરમાં સુએઝ વોટરની ટ્રીટમેન્ટ કરી ઈન્ડસ્ટ્રિયલ અને હોર્ટીકલ્ચરમાં ઉપયોગ થાય છે. તમામ સ્ટોર્મ વોટર ડ્રેઈન તથા મશીન હોલ ઘનકચરા મુક્ત રહે તે મુજબની વ્યવસ્થા છે.
આ તમામ વ્યવસ્થા હોય, શહેરને વોટર પ્લસ શહેર જાહેર કરવા દરખાસ્ત મુકાઈ હતી. જે અંગે શહેરીજનો પાસેથી પણ સુચનો લેવામાં આવ્યા હતા. અને આ ઠરાવ મંજૂર થયા બાદ રાજ્ય સરકારને થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન માટે પત્ર મોકવામાં આવ્યો હતો. તેમજ હાલ સ્વચ્છતાની ટીમ પણ સુરત શહેરની મુલાકાત લઈ ગઈ હતી. જેમાં સુરત મનપાની આ કામગીરીઓ યોગ્ય જણાઈ હોય સુરત શહેરને આ વર્ષે ગાર્બેજ ફ્રી સિટીમાં 7 સ્ટાર રેટિંગનો ખિતાબ અપાયો છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુની અધ્યક્ષતામાં તા.11-01-2024ના રોજ ભારત મંડપમ, ન્યૂ દિલ્હી ખાતે સ્વચ્છ સર્વેક્ષણ-2023ના એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવવા માટે સુરત મહાનગરપાલિકાને આમંત્રણ આપવામાં આવ્યું છે.
ગાર્બેજ ફ્રી સિટી રેટિંગ એટલે શું?
ગાર્બેજ ફ્રી સ્ટાર રેટિંગની માર્ગદર્શિકા મુજબ કચરાનું વર્ગીકરણ, કુલ ઉત્પન્ન કચરાના પ્રોસેસિંગ માટેની ક્ષમતા, ભીંના કચરાનું પ્રોસેસિંગ, સૂકા કચરાનું પ્રોસેસિંગ, સી એન્ડ ડી વેસ્ટનું પ્રોસેસિંગ/રિસાઇકલિંગ/રિયૂઝ, સિટી બ્યુટિફિકેશન, ફોરલેન રોડ ઉપર સ્વીપર મશીન દ્વારા સફાઈ, જાહેર રસ્તા ઉપર ગ્રીનબેલ્ટ અને કચરાના પ્રોસેસિંગ બાદ પ્રોસેસ રિજેક્ટ કચરાને લેન્ડફીલ ખાતે ડમ્પિંગ વગેરે પેરામીટરનો સમાવેશ થાય છે. આ વર્ષે સુરત શહેર દ્વારા સિટી બ્યુટિફિકેશન, ડસ્ટ ફ્રી રોડ માટે ફોરલેન રોડ ઉપર સ્વીપર મશીન દ્વારા સફાઈ, કચરાનું પ્રોસેસિંગ, ઝીરો એન્ક્રોચમેન્ટ જેવા પેરામીટર પર ધ્યાન કેન્દ્રીત કરી સુરત શહેર દ્વારા 7 સ્ટાર રેટિંગ મેળવ્યું છે.
સતત ત્રીજા વર્ષે સુરત શહેરને વોટર પ્લસ જાહેર કરાયું
સ્વચ્છ સર્વેક્ષણ-2023ની માર્ગદર્શિકા મુજબ Water+ સર્ટિફિકેટ માટે ડ્રેનેજ નેટવર્ક, ડ્રેનેજ કનેક્શન, વેસ્ટ વોટરનો પુનઃ વપરાશ, શહેરના વેસ્ટ વોટરનું STP/TTP પ્લાન્ટમાં વેસ્ટ વોટરનું પ્રોસેસિંગ જેવા માપદંડના આધારે સરવે હાથ ધરવામાં આવે છે. જેમાં સુરત શહેરને સતત ત્રીજા વર્ષે Water+ જાહેર કરાયું છે.