સુરત: (Surat) ઐતિહાસિક ગોપીતળાવ (Gopi Talav) નજીક મદ્રેસાનું (Madressa) મકાન ગેરકાયદે હોવાની રજુઆત સ્થાનિક કોર્પોરેટરો દ્વારા કરવામાં આવી હતી. આ મકાનનું ડિમોલીશન કરાવવા મેયર હેમાલીબેન બોઘાવાલાને સ્થાનિકો નગરસેવકોએ રજુઆત કરી હતી. વર્ષોથી આ મુદ્દે વિવાદ ચાલતો હોવાથી મદ્રેસાની જમીનની માલિકી અંગેની ગુંચ ઉકેલવા શનિવાર બપોરે એક બેઠક બોલાવાઇ હતી. જેમાં સ્થાનીક કોર્પોરેટરો તેમજ સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ, ટાઉન પ્લાનિંગ વિભાગ, કાયદા વિભાગ, સ્થાનિક ધારાસભ્ય અરવિંદ રાણા, સ્થાનિક કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા. મેયરે જમીન માલિકી માટે તમામ દસ્તાવેજી પુરાવાઓ મંગાવી તેનો અભ્યાસ કર્યો હતો. જેમાં અધિકારીઓએ મદ્રેસા ગેરકાયદેસર હોવાનો અભિપ્રાય આપ્યો હતો. જેથી આવનારા દિવસોમાં આ જમીનની માલિકી મેળવવા મેયર દ્વારા સુચના આપવામાં આપી હોવાનું જાણવામાં આવ્યું છે.
ગોપીતળાવ પાસેની મદ્રેસાની જમીન અને તેના પર કરાયેલું બાંધકામ કાયદેસર છે કે, ગેરકાયદેસર અને આ જમીન કોની માલિકીની છે તે મુદ્દે ઘણી અટકળો ચાલી રહી હતી. આ વિસ્તારના સ્થાનિક કોર્પોરેટરો દ્વારા આ બાંધકામ ગેરકાયદેસર છે તેવી રજુઆત મેયરને કરી હતી જેથી મેયરે આ અંગે તમામ રેકોર્ડ તપાસ્યા હતા. જેમાં આ વિવાદીત જમીન અંગે નાયબ કલેકટર સીટી પ્રાંતનો મનપા સાથેનો પત્ર વ્યવહાર, જમીન સંપાદન અધિકારી દ્વારા થયેલો હુકમ સહિતનો રેકોર્ડ મેયરે દ્વારા તપાસાયા હતા અને તમામ રેકોર્ડ પરથી આ જમીન સરકારી માલિકીની હોવાનું સાબિત થયું હતું. આ જમીન સરકાર તરફથી મનપાને ગાર્ડન અને ગોપીતળાવના ડેવલપમેન્ટ માટે આપી હોવાનું જાણવામાં આવ્યું હતું જેથી મેયરે આવનારા દિવસોમાં પોલીસ બંદોબસ્ત સાથે રાખી આ જગ્યાનો કબજો લેવાશે તેમ સુચના આપી હોવાનું જાણવામાં આવ્યું છે.