સુરત: ભૂજમાં (Bhuj) ભૂકંપમાં અનાથ થયેલી બાળકીઓનાં લગ્ન છે. તે માટે કરોડો રૂપિયા દાગીના લેવાના છે. આ દાગીનાનાં (Gold Jewellery) સેમ્પલ ભૂજના સ્થાનિક ટ્રસ્ટને બતાવવાનુ હોવાનું જણાવીને સુરત શહેર (Surat City) ઉપરાંત રાજ્યમાં સંખ્યાબંધ સોનીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી છે. હાલમાં 27 લાખની છેતરપિંડીની ફરિયાદ વેસુ પોલીસમથકમાં દાખલ કરવામાં આવી હતી. સુરતમાં દસ કરતા વધારે સોનીઓ છેતરાયા છે. ત્યારે ચીટર આરોપી રાજેશ ઠક્કર સુરતમાં વેસુની હોટલમાં હોવા છતાં વેસુ પોલીસે તેને પકડવાની તસદી નહીં લીધી હોવાની વિગત જાણવા મળી છે.
તેમાં ફરિયાદીએ હોટલમાં ઊભેલા આ આરોપીનો ફોટો મોકલી આપ્યો હોવા છતાં વેસુ પોલીસ નિષ્ક્રિય રહેતાં આ મામલે વેસુ પીઆઇ બી.બી.કરપણા દ્વારા કોઇ કાર્યવાહી નહીં કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આરોપી સુરતમાં બે દિવસથી ફરતો હોવાની વિગત વેસુ પોલીસ પાસે હોવા છતાં કોઇ કાર્યવાહી નહીં કરવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે. સુરતમાં સંખ્યાબંધ સોનીઓ તો છેતરાયા છે, ઉપરાંત રાજ્યમાં પણ રાજેશ ઠક્કરે અન્ય શહેરોમાં લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
સુરતમાં દસ કરતા વધારે સોનીઓના લાખોના દાગીના રાજેશ ઠક્કરે ગજવે ઘાલી દીધા
આ મામલે ફરિયાદી અવિનાશ પારેખે જણાવ્યું કે, તેઓ સાથે ચીટર રાજેશ ઠક્કરે 27 લાખની છેતરપિંડી કરી છે. ઉપરાંત સુરતના સંખ્યાબંધ સોનીઓ છેતરાયા છે. આ લોકોએ હાલમાં તેઓ સાથે કોર્ટમાં એફિડેવિટ મૂકી છે. અનાથ દીકરીઓ માટે ઘરેણાં આપવાની મોટી વાત કરી સુરત ઉપરાંત અન્ય શહેરોમાં રાજેશ અને તેની સાથે તેજલ નામની મહિલાએ કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. દસ કરતાં વધારે સોનીઓના બે કરોડ રૂપિયાની આ ચીટરે રોકડી કરી હોવાની આશંકા છે. પોલીસ દ્વારા આ મામલે નિષ્ક્રિયતા દાખવવામાં આવી રહી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
ઠગ રાજેશ સાથે પાંચ જેટલા સોનીઓએ સમાધાન કરી ચેક લીધા
આ મામલે પાંચ કરતાં વધારે સોનીઓએ પાછલા બારણે રાજેશ ઠક્કર સાથે સમાધાન કર્યુ હતું. રાજેશ ઠક્કરે તેમને ચેક આપ્યા હતા. આ તમામ જ્વેલર્સોના ચેક હાલમાં બાઉન્સ થતાં તે તમામ લોકોએ કોર્ટમાં ફરિયાદ કરી છે. રાજેશ ઠક્કરે તમામ લોકોને નાણાં આપવાની વાત કરી હતી. પરંતુ ચેક બાઉન્સ થતાં આ તમામ સોનીઓએ પણ હવે ફરિયાદ કરવાનાં ચક્રો ગતિમાન કર્યા હોવાની વિગત જાણવા મળી છે.
વેસુ પોલીસને આરોપી રાજેશ ઠક્કરનું લોકેશન આપ્યું, પરંતુ પોલીસે કોઈ તસદી ન લીધી
ચીટર રાજેશ ઠક્કરે ઓનલાઇન આગોતરા જામીન માંગ્યાં હતાં. કોર્ટમાં તેનાં આગોતરા જામીન રદ થયાં હોવાની વિગત એડ્વોકેટ ભાવેશ કુલકર્ણીએ જણાવી હતી. એડ્વોકેટ ભાવેશ કુલકર્ણીએ જણાવ્યું કે, અમે આરોપી બે દિવસથી સુરતમાં હોવાનું તમામ લોકેશન માંગ્યું હતું. પરંતુ વેસુ પીઆઇ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
આ મામલે કમિશનર અજય તોમરનું શું કહેવું છે?
કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, જો આ મામલે પોલીસ દ્વારા કોઇ નિષ્ક્રિયતા દાખવાય હશે તો ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે.