સુરત: (Surat) મેયરના ઓનલાઈન ડેશબોર્ડ થકી હાલમાં જ શહેરમાં ગાર્ડન (Garden) વિભાગની ઘણી બધી ફરિયાદો ઉજાગર થઈ હતી. જેના કારણે મેયર હેમાલી બોઘાવાલાએ ગાર્ડન સમિતિના ચેરમેન તેમજ ગાર્ડન વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી ગાર્ડનોની ફરિયાદોનો તાકીદે ઉકેલ લાવવા સૂચના આપી હતી તેમજ શહેરના ઘણા ગાર્ડનો ખુબ જુના પણ હોય, તેમાં નાના મોટા સમારકામની જરૂરિયાત ઉભી હોય, હવે શહેરના તમામ 10,000 ચો.મી વિસ્તારથી મોટા ગાર્ડન, લેક ગાર્ડન, ના સિવિલ મેઈન્ટેનન્સ અને રિપેરીંગની (Repairing) 2 વર્ષમાં મરામત કરવા માટેના કામની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મુકવામાં આવી છે.
હાલમાં જ શહેરમાં લેકવ્યુ ગાર્ડનનું કરોડોના ખર્ચે રિ-ડેવલપમેન્ટ કરાયું છે. ત્યારબાદ હાલમાં ભેસ્તાનના લેક ગાર્ડનનું 2.6 કરોડના ખર્ચે રિ-ડેવલપમેન્ટ કરવા માટેના અંદાજ ગાર્ડન સમિતિમાં મંજુર થયા છે. જેના કારણે પુર્વ મંત્રી અને ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા રોષ કરાયો હતો કે, વરાછાના ગાર્ડનની હાલત બદ્દતર છે તેમાં પણ રિપેરીંગ કરાવો. જેને પગલે હવે મનપા દ્વારા શહેરના વિવિધ ઝોનમાં સર્વે કરાયા બાદ કુલ 38 ગાર્ડનોની યાદી તૈયાર કરી દેવાઈ છે. જેમાં કુલ રૂા. 2.64 કરોડના ખર્ચે 2 વર્ષમાં મરામત કરવામાં આવશે. જેમાં સિવિલ વર્ક જેવા કે, ફુટપાથની તુટેલી પેવર બ્લોક, ટોયલેટ બ્લોકમાં મરામત કામ, પાણીની પરબમાં નળોના ફિટિંગ વગેરે કામ આવરી લેવામાં આવશે.
સુરતમાં વધુ એક ટર્ન ટેબલ લેડરની ખરીદી કરશે પાલિકા
સુરત: શહેરમાં છાશવારે બનતી રહેતી આગની ઘટનાઓને પહોંચી વળવા માટે સુરત મનપાના ફાયર વિભાગને તમામ સાધન સામગ્રી સાથે સજ્જ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને તક્ષશીલા અગ્નિકાંડ બાદ સુરત મનપાના ફાયર વિભાગ પર ચોમેરથી ફીટકાર વરસ્યો હતો. જેથી હવે આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે ફાયર વિભાગમાં વિવિધ આધુનિક સાધન સામગ્રીઓ વસાવવામાં આવી રહી છે. મનપા દ્વારા વધુ એક 42 મીટર ઊંચાઈના ટર્ન ટેબલ લેડર મશીન ખરીદવા માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવી છે.
મનપાના ફાયર વિભાગ પાસે હાલમાં 55 મીટર ઊંચાઈનું ટર્ન ટેબલ લેડર મશીન છે. અને હવે વધુ એક 42 મીટર ઊંચાઈનું ટર્ન ટેબલ લેડર મશીન ખરીદવામાં આવશે. જેની કિંમત અંદાજિત રૂ. 8 કરોડની હશે. જેમાં પણ લિફ્ટની વ્યવસ્થા હશે. જેથી ઊંચી ઈમારતોમાં આગમાં ફસાયેલા લોકોના રેસ્ક્યુ કરવામાં મદદરૂપ સાબિત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ટર્ન ટેબલ લેડર મશીનની ખરીદી બાદ સમગ્ર ગુજરાતમાં બે ટર્ન ટેબલ લેડર મશીન ધરાવતી સુરત મનપા એકમાત્ર મનપા હશે.