સુરત: (Surat) શહેરમાં મનપા દ્વારા અનેક ગાર્ડન (Garden) બનાવાયા છે. તેમાંથી ઘણા એવા ગાર્ડન છે. જેનું ક્ષેત્રફળ મોટુ છે પરંતુ મનપા દ્વારા યોગ્ય જાળવણી નહીં થતી હોવાથી તેની હાલત બિસ્માર થઇ જાય છે. આવી સ્થિતીમાંથી છૂટકારો મેળવવા અને મનપાને આર્થિક ભારણ હળવુ થાય તેવા આશયથી ભાજપ શાસકોએ હવે મોટા ગાર્ડન પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી (Public Private Partnership) જાળવવાનું આયોજન કર્યુ છે. જેના ભાગ રૂપે ઉધના ઝોનમાં ભેસ્તાન સ્થિત નવીન ફ્લોરિન ગાર્ડન તેમજ રાંદેર ઝોનમાં ઉગત ગાર્ડન માટે ટેન્ડરો મંગાવાયા હતાં આ બંને ગાર્ડન માટે પાંચથી છ એજન્સીઓએ ટેન્ડર ભર્યા હતાં પરંતુ સૌથી મોટી ઓફર આપનાર એજન્સીએ બંને ગાર્ડન માટે રૂપિયા 40-40 લાખની ઓફર આપી હોય આ ઓફર મંજૂર કરવા માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત મૂકાશે. જો કે આ પહેલા શાસકો તેમજ મનપા કમિશનર દ્વારા હાઇએસ્ટ ઓફર આપનાર એજન્સી દ્વારા રજુ કરાયેલુ પ્રેઝન્ટેશન નિહાળાયું હતું. સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતુ કે, ગોપી તળાવનું સંચાલન કરી રહેલા રાજહંસ ગૃપ દ્વારા આ બંને ગાર્ડનને 20 વર્ષ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ દ્વારા ચલાવવા માટે હાઇએસ્ટ ઓફર આપી છે. જો કે મનપા દ્વારા અમુક નિયમો બનાવાયા છે તેના પાલન સાથે જ જે તે એજન્સીએ બગીચાઓ સંભાળવામાં રહેશે.
ઉગત ગાર્ડન માટે 20 અને ભેસ્તાન ગાર્ડન માટે 10 રૂપીયા ટિકીટ હશે
મનપાના ગાર્ડન પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી લેવા માંગતી એજન્સીને આ બગીચાઓની જાળવણીના બદલામાં અહીં પિકનિક માટે આવતા લોકો પાસેથી મનપાએ નકકી કરેલી ટિકિટ વસુલાવાનો અધિકાર અપાશે, જેમાં ઉગત ગાર્ડન માટે વયસ્કો માટે 20 રૂપિયા અને બાળકો માટે 10 રૂપિયા જયારે ભેસ્તાન ગાર્ડનમાં વયસ્કો માટે 10 રૂપિયા અને બાળકો માટે 5 રૂપિયા ટિકીટનો દર સૂચવાયો છે. અત્રે ઉલ્લખનીય છે કે, ઉગત ગાર્ડનમાં 45 એકર જયારે ભેસ્તાન ગાર્ડનમાં 22 એકર જગ્યા છે.
બગીચાઓમાં 92 ટકા ગ્રીનરી જાળવવી પડશે
મનપાએ શરત રાખી છે કે પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપથી જે એજન્સી બગીચાઓની સ્પોન્સરશીપ લે છે તેણે મનપાના અમુક નિયમોનું પાલન કરવાનું રહેશે જેમાં ખાસ કરીને બગીચાઓની જગ્યામાં આઠ ટકાથી વધુ કંન્સ્ટ્રકશન નહી કરવા, વઘુમાં વધુ ગ્રીન સ્પેશ ડેવલોપ કરવી પડશે.
મોટુ ક્ષેત્રફળ ધરાવતા અન્ય 9 બગીચાઓ પણ પીપીથી આપવા તૈયારી
મનપાના મોટા ગાર્ડનને જાળવવા માટે મોટો ખર્ચ થાય છે. આમ છતા બગીચાઓના રાખરખામાં પરીણામ મળતુ નથી તેથી તેનુ ખાનગીકરણ કરવા બાબતે મનપાના શાસકો જડપથી આગળ વધી રહયા છે. ભેસ્તાન અને ઉગત ગાર્ડનની જેમ 10 હજાર ચોરસ મીટરથી મોટુ ક્ષેત્રફળ ધરાવતા અન્ય 9 બગીચાઓ માટે પણ ટેન્ડર પ્રક્રીયા હાથ ધરનાર છે. તેથી હવે શાસકો દ્વારા તાજેતરમાં મજુર કરાયેલા મોટા બગીચાઓના રી-ડેવલોપમેન્ટ માટેના કરોડો રૂપીયાના અંદાજો દફતરે કરી દઇ ખાનગી એજન્સીઓને જ સ્પોન્સીરશીપ આપી દેવા તૈયારી કરાઇ છે.