સુરત : સજજુ કોઠારીના પ્રકરણમાં હાલમાં જે ચર્ચા છે તેમાં કરોડો રૂપિયા તેના વ્યાજ પર સુરત અને ગુજરાતમાં ફરી રહ્યા છે. તેમાં તે ગણતરીના કલાકોમાં શહેરના બિલ્ડરોને કરોડો રૂપિયા પહોંચાડી દેતો હતો. અલબત પોલીસે હવે આ ફાયનાન્સ સોર્સ માટે કોર્ટમાં રિમાન્ડ તો માંગ્યા છે. પરંતુ સજજૂ કોઠારી શહેરમાં સો કરોડની પાર્ટી હોવાની બિલ્ડર આલમમાં વાત છે. તેમાં શહેરના મેમણ બિલ્ડરો અને વ્હાઇટ કોલર કહેવાતી ગેંગ સાથે સજજુનો ઘરોબો ચર્ચામાં છે.
સુરત શહેરમાં જમીનના કબ્જા મેળવવામાં અને જમીનની સોપારીમાં શહેરના મોટા માથાઓ સાથે ભાગીદારીની વાત છે. અલબત સજજૂ કોઠારી મામલે પોલીસ સાચી દિશામાં તપાસ કરેતો તેની સાથે સંકળાયેલા સુરતના મોટા માથાઓની ભાગીદારીનો પર્દાફાશ થાય તેમ છે. હાલમાં સુરત અને આસપાસના વિસ્તારોમાં સજજૂ કોઠારીના હાથમાં બસો કરોડની લોચાવાળી જમીનનો વહીવટ હોવાની ચર્ચા છે. શહેર પોલીસ હવે વાસ્તવમાં કંઇક શોધે છે કે પછી આ મામલો ફાઇલોમાં ચઢાવી દેવાય છે તે પોલીસની નિયતી પરથી સ્પષ્ટ થશે.
સજ્જુને તેના બંધ બંગલામાંથી પોલીસે પકડ્યો
સુરતના કુખ્યાત નાનપુરાના સજ્જુ કોઠારીને (Sajju KotharI) પકડવા માટે સુરત પોલીસે ભારે પરસેવો પાડવો પડ્યો હતો. ક્રાઈમ બ્રાંચ દ્વારા નાનપુરા જમરૂખ ગલીમાં સજ્જુ કોઠારીના મકાનની સાથે સાથે આ ગલીના 40 જેટલા બંધ મકાનોને ચેક કરવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાંચને (Crime Branch) એવી માહિતી મળી હતી કે, સજ્જુ કોઠારી પોતાના મકાનની સાથે સાથે ગલીના અન્ય મકાનોમાં પણ રાત વિતાવે છે. આ મકાનોની તપાસ બાદ એ સ્પષ્ટ થયું હતું કે સજ્જુ પોતાના બંગલામાં જ છે. સજ્જુ કોઠારીએ જુગારની ક્લબ અને દારૂના અડ્ડાઓ તેમજ જમીનની સોપારીમાંથી 500 કરોડ કરતા વધુની કમાણી કરી હોવાની ચર્ચા છે. સજ્જુ કોઠારીની સુરતના મુસ્લિમ બિલ્ડરો સાથેની ભાગીદારી પણ ચર્ચામાં છે ત્યારે આગામી દિવસોમાં પોલીસ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે તો મોટા કારનામા બહાર આવવાની સંભાવના છે.
સજ્જુને પકડતી વખતે અગાસી પરથી પથ્થરમારો નહીં થાય તે માટે પોલીસે ડ્રોન કેમેરા વાપર્યા હતા
પો. કમિ. અજય તોમરે જણાવ્યું હતું કે, અગાસી પરથી પથ્થરમારો નહી થાય તે માટે પોલીસ દ્વારા ડ્રોન કેમેરાનો ઉપયોગ કરાયો હતો. સજ્જુને પકડતા પહેલા પોલીસ દ્વારા પુરી ચોકસાઈ રાખવામાં આવી હતી.
સજ્જુ પકડાઈ જતાં મેમણ બિલ્ડરો ઉચ્ચ પોલીસ અધિકારીઓને સલામ મારવા દોડી ગયા
હાલમાં મોહમદ સોહેલ આમદ મનસુર નામના એક બિલ્ડર દ્વારા સજ્જુ કોઠારી તેમજ અન્યો ધાક ધમકીથી તેની પાસેથી નાણાં પડાવતા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. સોહેલકાંડમાં સંડોવાયેલા મોટા માથાઓે પોલીસ કચેરીમાં આવીને એક વિવાદીત પોલીસ અધિકારી સાથે મીટિંગો પણ કરી હતી. તેમાં આ બિલ્ડરો પોતે જેલ ભેગા નહી થાય તે માટે શહેરના એક પોલીસ અધિકારીને કાકલૂદી કરી હોવાની ચર્ચા છે. અલબત રાજકીય વગ ધરાવતા આ માફિયા બિલ્ડરો સામે કાર્યવાહી થાય છે કે નહી તે સમય જ કહેશે.