સુરત: (Surat) જેલમાં બંધ બંટી દયાવાન ગેંગના સાગરીતોનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે, રાત્રીના સમયે તલવારો તેમજ રિવોલ્વર લઇને નીકળીને આ ગેંગ (Gang) ફાયરિંગ (Firing) તેમજ મારામારી કરતી હોવાની ઘટના બની હતી. બંટી દયાવાનના સાગરીતોએ રાજ પાટીલ તેમજ ચેતન પાટીલ નામના બે યુવકોને માર મારીને રાજની સામે રિવોલ્વર તાંકી હવામાં ફાયરિંગ કર્યું હતું. બનાવ અંગે પોલીસે (Police) મારામારી તેમજ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ નવાગામ ડિંડોલીની સરકારી સ્કૂલ પાસે જયગાયત્રી નગરમાં રહેતા ચેતન લોટન પાટીલ ઓનલાઇન ઓર્ડરની ડિલીવરી કરવાનું કામ કરે છે. ચેતન ગુરૂવારે રાત્રીના દસ વાગ્યાના અરસામાં ઘરની નજીકમાં જ પાનના ગલ્લા ઉપર સિગારેટ પીવા માટે ગયો હતો. ચેતન દુકાનની સામે ઓટલા ઉપર બેસીને ઇન્સ્ટ્રાગામ ઉપર ચેટ કરી રહ્યો હતો ત્યારે રાત્રીના સાડા અગિયાર વાગ્યાના અરસામાં ડિંડોલીના ચિંતાચોક તરફથી ત્રણ મોટરસાઇકલમાં ટોળુ આવ્યુ હતુ. આ ટોળામાં ઉધના ખત્રી નગરમાં રહેતો કિશન ઉર્ફે ચકલી પરમાર, લિંબાયતમાં રહેતો જયેશ ઉર્ફે બારકુ વાઘ, નવાગામ નરોત્તમ નગરમાં રહેતો મહેન્દ્ર ઉર્ફે પપ્પુ પાટીલ, ડિંડોલી ચિંતા ચોકમાં રહેતો અમિત દુબે, ગણેશ ઉર્ફે રાવસ્થા પાટીલ, નવાગામ આરડી નગરમાં રહેતો વૈભવ પાટીલ અને નવાગામ ખોડિયાર નગરમાં રહેતો મિલિંદ કોળી આવ્યા હતા. જયેશ, કિશન, મહેન્દ્ર અને વૈભવનના હાથમાં તલવાર હતી. આ તમામે ચેતનને જોઇને કહ્યું કે, ‘આ એ જ સોસાયટીમાં રહે છે, આને પણ મારો’ કહીને તમામ તલવારથી હુમલો કરવા લાગ્યા હતા.
આ લોકોએ ભેગા થઇને ચેતનને જાંગ તેમજ માથાના ભાગે તલવાર મારી દીધી હતી. દરમિયાન ત્યાં લોકો ભેગા થઇ જતાં તમામ ગાડીઓ લઇને ભાગી ગયા હતા. ચેતનને તેના મિત્રએ મોટરસાઇકલમાં બેસાડીને હોસ્પિટલ લઇ જતા આગળ ચિંતાચોક પાસે રાજ સંજય પાટીલ નામનો યુવક લોહીલુહાણ હાલતમાં હતો. રાજે ચેતનને કહ્યું કે, તે ચા પીવા માટે આવ્યો ત્યારે કિશન ચકલી અને તેની સાથે આવેલા અજાણ્યાઓ પાછળથી જાંઘના ભાગે તલવાર મારી દઇને નીચે પાડી દીધો હતો, બાદમાં મહેન્દ્રએ પોતાના ખિસ્સામાંથી રિવોલ્વર કાઢી હતી અને આ કિશન ઉર્ફે ચકલીએ રિવોલ્વર છીનવી લઇને રાજના માથે ટાંકી દઇને કહ્યું કે, ભાગ અહીંયાથી. રાજ ગાડી લઇને ભાગવા ગયો ત્યારે તેને લાત મારીને નીચે ફેંકી દેવાયો હતો અને બાદમાં કિશને હવામાં ફાયરિંગ પણ કર્યું હતું. ઇજાગ્રસ્ત હાલતમાં રાજ અને ચેતને સારવાર લઇને બંટી દયાવાન ગેંગના સાગરીતો મહેન્દ્ર ઉર્ફે પપ્પુ પાટીલ, અમિત, ગણેશ, વૈભવ અને કિશનની સામે ફરિયાદ આપતા ડિંડોલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.