SURAT

ખુલ્લેઆમ દારૂ પી કિન્નરો સાથે આખી રાત રોડ પર ડાન્સ કરતા સુરતના યુવાનોનો વીડિયો વાયરલ

સુરત: સુરતમાં તાજેતરમાં ગણેશ ઉત્સવની ખૂબ જ ધૂમધામપૂર્વક ઉજવણી થઈ. આખોય ઉત્સવ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂરો થયો પરંતુ હવે રહી રહીને સુરત શહેરનો એક વીડિયો બહાર આવ્યો છે. અહીંના તળ સુરત કોટ વિસ્તારની એક શેરીમાં ખુલ્લેઆમ મોડી રાત સુધી ગણેશ ભક્તો દ્વારા દારૂની મહેફિલ અને કિન્નરો સાથે બિભત્સ ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો છે. કહેવાય છે કે દારૂ અને ડાન્સની પાર્ટી માટે ગણેશ ભક્તો ખાસ મુંબઈથી કિન્નરોને લાવ્યા હતા.

  • બેગમપુરાની મપારા શેરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
  • ગણેશ વિસર્જનની આગલી રાતે દારૂ અને ડાન્સ પાર્ટી યોજાઈ હતી
  • મુંબઈથી કિન્નરો બોલાવી ગણેશ મંડળના યુવાનો નાચ્યા હતા
  • સવારે 4 વાગ્યા સુધી ડીજેની તાલે દારૂ અને ડાન્સની પાર્ટી ચાલી
  • ગણેશભક્તોની અશ્લલીલ હરકતના લીધે ધાર્મિક લાગણી દુભાઈ

કોરોના મહામારીના લીધે બે વર્ષથી સુરત શહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણી થઈ નહોતી. તેથી આ વર્ષે ગણેશભક્તોનો ઉત્સાહ આસમાને હતો. ઘણા ગણેશ મંડળો દ્વારા વિશાળ ગણેશ પ્રતિમાઓની સ્થાપના કરાઈ હતી. લાખો રૂપિયાના ખર્ચે રંગેચંગે ઊજવણી કરાઈ હતી, પરંતુ કેટલાંક ઠેકાણે ધાર્મિક ઉત્સવની ઉજવણીના ઉત્સાહમાં કેટલાંક યુવાનો મર્યાદા ચૂકી ગયા હતા. આવી જ એક ઘટના સુરત શહેરના કોટ વિસ્તારમાં બની છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના કોટ વિસ્તારમાં બેગમપુરા મપારા શેરી ખાતે ગણેશ ઉત્સવની ઉજવણીના ભાગ રૂપે ગણેશ સ્થાપના કરવામાં આવી હતી. આ વિસ્તારના કેટલાક યુવાનો દ્વારા ગણેશ વિસર્જનની આગલી રાત્રે મુંબઇથી કેટલાક કિન્નરોને ખાસ ડાન્સ પાર્ટી કરવા માટે બોલાવ્યા હતા અને રાત્રે એક વાગ્યાના સુમારે આ કિન્નરો સાથેની ડાન્સ પાર્ટી શરૂ થઇ હતી. ફિલ્મી ગીતો અને ડીજેના તાલે યુવાનોએ દારૂ બિયરની છોળો ઉડાવવા સાથે રોકડ રૂપિયા પણ ઉડાવ્યા હતા.

સવારે ચાર વાગ્યા સુધી ચાલુ રહેલી આ પાર્ટીનો વિડીયો સોમવારના રોજ સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. ભગવાન ગણેશની આરાધનાના દસ દિવસ દરમિયાન ભક્તિની આડમાં સુરતમાં કેટલાક લોકોએ કેવા ધંધા કર્યા છે તેનો આ વિડીયો વાયરલ થતા ગણેશ ભક્તોની લાગણી દુભાઇ છે. હવે જોવાનું એ રહે છે કે, ધર્મની આડમાં આ પ્રકારે જાહેરમાં દારૂ અને ડાન્સની પાર્ટી કરનારા સામે પોલીસ કેવી કાર્યવાહી કરે છે.

Most Popular

To Top