ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં સુરત સહિત ચાર મહાનગરોમાં સરકાર દ્વારા પિકનિક સ્પોટ્સ (Picnic Spots ) વિકસાવાશે, જેમાં સુરત ઉપરાંત ગાંધીનગર, રાજકોટ અને અમદાવાદનો સમાવેશ કરાયો છે.
- ડાંગમાં રામ પ્રવાસન સર્કિટ વિકસાવવા માટે 30 કરોડની યોજના : પૂર્ણેશ મોદી
- વલસાડના પારડી ખાતે ઉમરસાડી ગામે બીચનો વિકાસ 10 કરોડના ખર્ચે કરાશે
વિધાનસભામાં પ્રવાસન વિભાગની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે ચાર મહાનગરોમાં પ્રવાસન વિકસાવવા માટે કુલ પ્રોજેકટનો ખર્ચ 30 કરોડ થાય છે. જે પૈકી બજેટમાં 3 કરોડની જોગવાઈ કરાઈ છે.
પુર્ણેશ મોદીએ કહ્યું હતું કે સુરતના ભીમરાડ ખાતે મીઠા કાયદા સામે સત્યાગ્રહના પ્રતીક સમાન ગાંધી સ્મારક તથા મ્યૂઝિયમનો વિકાસ કરવા 10 કરોડનો ખર્ચ કરાશે, જે પૈકી બજેટમાં 1 કરોડની જોગવાઈ કરાઈ છે. પીએમ નરેન્દ્ર મોદીએ વડનગરમાં જે શાળામાં અભ્યાસ કર્યો હતો તે પ્રેરણા શાળાનો વિકાસ કરવા 50 કરોડની યોજના અમલમાં મૂકાશે, તે પૈકી બજેટમાં 5 કરોડની જોગવાઈ કરાઈ છે. શામળાજી તીર્થનો વિકાસ કરવા માટે 2 કરોડની જોગવાઈ કરાઈ છે.
અંબાજીથી સાપુતારા સુધીના વન વિસ્તારના ઈકો ટુરિસ્ટ સ્પોટ વિકસાવવા માટે 60 કરોડની યોજના અમલી બનશે, તે પૈકી બજેટમાં 2 કરોડની જોગવાઈ કરાઈ છે. ડાંગમાં રામ પ્રવાસન સર્કિટ વિકસાવવા માટે 30 કરોડની યોજના અમલી બનશે, તે પૈકી બજેટમાં 1 કરોડની જોગવાઈ કરાઈ છે. વલસાડના પારડી ખાતે ઉમરસાડી ગામે બીચને પ્રવાસન તરીકે વિકસાવવાનું 10 કરોડનું આયોજન કરાયું છે. આ વખતે બજેટમા 1 કરોડની જોગવાઈ કરાઈ છે.
વઘઈથી સાપુતારા વચ્ચેના સર્પાકાર રસ્તાને વધુ સુંદર બનાવવા સરકારે લીધો આ નિર્ણય
ગાંધીનગર: દક્ષિણ ગુજરાતમાં વિવિધ માર્ગોના વિકાસ માટે જંગી નાણાંકિય જોગવાઈ કરાઈ છે. ખાસ કરીને ગીરીમથક સાપુતારાને જોડતા વઘઈ – સાપુતારા રસ્તાનું 1200 કરોડના ખર્ચે ચાર માર્ગીકરણ કરાશે. વિધાનસભામાં માર્ગ મકાન વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા, વિભાગના સિનિયર કેબીનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે, વલસાડથી ઉમરગામ થઈને નવસારી, સુરત, ભરૂચ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરંબદર, દ્વારકા, જામનગર, મોરબી જિલ્લામાંથી પસાર થતાં અને કચ્છના નારાયણ સરોવર સુધીના 1600 કિમીના કોસ્ટલ હાઈવેના વિકાસ માટે 2400 કરોડનું આયોજન કરાયું છે. દક્ષિણ ગુજરાતના કોસ્ટલ હાઈવેના વિકાસના પ્રોજેકટ હાથ ધરાશે.