સુરતઃ (Surat) લાલગેટ પોલીસની નાક નીચે શરૂ કરાયેલા મમ્મુના જુગારધામ (Gambling Den) ઉપર એસએમસીની ટીમે રેઈડ કરી હતી. આ દરોડામાં જુગારધામના સંચાલક મમ્મુ અને ગુલામ શેખ સહિત કુલ 39 જુગારીઓને પકડી કુલ 7.18 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. જુગારમાં ઝડપાયેલો અને ગુનાહિત ઇતિહાસ ધરાવતો સજાદ કાપડિયા સજ્જુ કોઠારી અને મમ્મુનો સાગરીત છે.
- એસએમસીની મમ્મુના જુગારધામ ઉપર રેઈડ, મમ્મુ અને ગુલામ શેખ સહિત 39 જુગારીઓની ધરપકડ
- જુગારધામમાંથી 2.67 લાખ રોકડા સહિત કુલ 7.18 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
- લાલગેટ પોલીસની નાક નીચે શરૂ કરાયેલું મમ્મુનુ જુગારધામ!
સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા પ્રજાસત્તાક દિવસે બાતમીના આધારે લાલગેટ પોલીસની હદમાં આવેલા વરીયાવી બજારમાં શાહપોર ખજુરાવાડીના બીજા માળે રેઈડ કરવામાં આવી હતી. એસએમસીની ટીમને આ સ્થળે મોટા પાયે જુગારનું ધામ ધમધમતુ હોવાની બાતમી મળી હતી. રેઈડ દરમિયાન એસએમસીની ટીમે સ્થળ પરથી મુખ્ય બે આરોપી જુગારધામના સંચાલકો મોહમદ હુસેન ઉર્ફે મમ્મુ હંસોટી (રહે- નાનપુરા) અને ગુલામ સાબીર શેખ (રહે- હોડી બંગલા) ની ધરપકડ કરી હતી. આ સાથે મળીને કુલ 39 જુગારીઓને પકડી પાડ્યા હતા. રેઈડ દરમિયાન પોલીસે જુગારધામમાંથી 2.67 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા.
આ સિવાય 2.85 લાખની કિમતના 35 મોબાઈલ ફોન, 1.65 લાખના 7 વાહનો મળીને કુલ 7.18 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. મમ્મુનો જુગારધામનો અડ્ડો ઘણા સમયથી ચાલતો હતો. પકડાયેલા આરોપીઓમાં એસએમસીએ મકાન માલિક (કબજેદાર) મોહંમદ આસિફ મુસ્તાક નાનવાલા (રહે – કજુરાવાડી) ને પણ પકડ્યો છે. જુગારમાં ઝડપાયેલો અને ગુનાહિત ઇતિહાસ ધરાવતો સજાદ કાપડિયા સજ્જુ કોઠારી અને મમ્મુનો સાગરીત છે. એસએમસીએ કરેલી જુગારની રેઈડમાં એક આરોપી સજાદહુસેન યાસીનઅલી કાપડિયા ઉર્ફ સજાદ કાપડિયા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તે સજ્જુ કોઠારીનો સાગરીત છે. તેના વિરુદ્ધ ક્રાઈમ બ્રાંચ અને રાંદેર સહિતના પોલીસ સ્ટેશનોમાં ઘણા ગુના નોંધાયા છે.