SURAT

એકના ડબલ કરવાની સ્કીમ આપીને લાખો રૂપિયાની ઠગાઇ કરનાર યુવક મોટા સુરતના વરાછાથી ઝડપાયો

સુરત: (Surat) સુરત શહેરની ઇકોનોમીક સેલ દ્વારા એકના ડબલ કરવાની સ્કીમ આપીને લાખો રૂપિયાની ઠગાઇ (Fraud) કરનાર યુવકને વરાછાથી (Varachha) પકડી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મુળ રાજકોટના જેતપુર તાલુકાના વતની અને સુરતમાં મોટા વરાછા પાલી હિલ એપાર્ટમેન્ટમાં રહેતા વિજય લલ્લુભાઇ પટેલે ડીએસજીએમ ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ નામની કંપની શરૂ કરી હતી. આ કંપનીમાં રોકાણ કરેલા રૂપિયા 24 મહિનામાં જ ડબલ મળી જવાની લાલચ આપીને અનેક લોકો પાસેથી લાખો રૂપિયાનું રોકાણ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ વિજય પટેલે રાતોરાત ઓફિસ બંધ કરીને ફરાર થઇ ગયો હતો. જે બાબતે સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. બનાવ અંગે ઇકોનોમીક સેલની ટીમો વરાછાથી જ વિજય પટેલને પકડી પાડી વધુ પુછપરછ શરૂ કરી હતી.

હેપ્પી હોમના મુકેશ પટેલ પાસેથી ખંડણી માંગવાના પ્રકરણમાં મુકેશ સવાણીની ધરપકડ નહીં કરવા કોર્ટનો આદેશ

સુરત: છેલ્લા ચાર-પાંચ દિવસથી બિલ્ડર લોબીમાં ચર્ચાનો વિષય બનેલા હેપ્પી હોમ ગ્રુપના બિલ્ડર મુકેશ પટેલ તેમજ સુમુલ ડેરી રોડ ઉપર રહેતા બિલ્ડર મુકેશ સવાણી વચ્ચેનો વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટે ખંડણીના કેસમાં મુકેશ સવાણીની ધરપકડ નહીં કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ મુકેશ સવાણીએ મુકેશ પટેલની સામે ઉમરા પોલીસમાં અરજી કરી પોલીસ રક્ષણ તેમજ બાકી લેવાના નીકળતા રૂ.9.87 કરોડ અપાવવાની માંગણી કરી હતી.

આ કેસની વિગત મુજબ, હેપ્પી હોમ ગ્રુપના બિલ્ડર મુકેશ પટેલે થોડા દિવસ પહેલાં જ સુમુલ ડેરી રોડ ઉપર વિશ્વકૃપા સોસાયટીમાં રહેતા મુકેશ છગનભાઇ સવાણીની સામે રૂ.12 કરોડની ખંડણીની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં પોલીસ પકડથી બચવા માટે મુકેશ સવાણીએ આગોતરા જામીન માંગ્યાં હતાં. પરંતુ તે સુરતની કોર્ટે નામંજૂર કર્યા હતા. ત્યારબાદ મુકેશ સવાણીએ સ્થાનિક વકીલ ઝકી શેખ તેમજ કેતન રેશમવાલા મારફતે ગુજરાત હાઇકોર્ટમાં ક્વોસિગ પિટિશન કરી હતી. આ અરજીની સુનાવણી થઇ હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટે સુરતના ઉમરા પોલીસને આદેશ કરીને મુકેશ સવાણીની ધરપકડ નહીં કરવા જણાવ્યું હતું. ત્યારે મુકેશ પટેલે હેપ્પી હોમ ગ્રુપના બિલ્ડર મુકેશ પટેલ તેમજ તેના ભાગીદાર હિંમત બાબુ સોરઠિયાની સામે સુરતના પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદ અરજી કરી હતી.

પોતાની આ અરજીમાં મુકેશ સવાણીએ જણાવ્યું હતું કે, તેમણે મુકેશ પટેલ અને હિંમત સોરઠિયાની પાસેથી સને-2014થી રૂ.9.87 કરોડ લેવાના બાકી નીકળે છે. 2014થી મુકેશ પટેલ વારંવાર વાયદા કરતો હતો અને રૂપિયા ચૂકવતો ન હતો. રૂપિયા ચૂકવવા ન પડે એ માટે મુકેશ પટેલે ખંડણીની ખોટી ફરિયાદ કરી હોવાનું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત મુકેશ પટેલ પોલીસ અધિકારીઓની મદદથી મુકેશ સવાણીની પાસેથી બળજબરીથી ખોટા લખાણો લખાવીને એન્કાઉન્ટર કરાવે તેવી પણ શક્યતા હોવાનું કહીને પોલીસ રક્ષણની પણ માંગણી કરવામાં આવી હતી.

Most Popular

To Top