સુરત: (Surat) સ્કૂલમાં સાથે ભણતા બે મિત્રો વચ્ચે ફેસબુક (Facebook) મારફતે વાતચીત થયા બાદ કેનેડામાં રહેતા યુવકે સુરતના યુવકને કેનેડામાં નોકરી આપવાના બહાને 4.50 લાખ પડાવી (Fraud) લીધા હતા. કેનેડામાંથી જે ઓફર લેટર આવ્યો હતો તે ડુપ્લિકેટ હોવાનું બહાર આવતા ભાંડો ફૂટ્યો હતો. આ મામલે વરાછા પોલીસે (Police) ગુનો નોંધ્યો હતો.
- કેનેડામાંથી આવેલો ગર્વમેન્ટનો લેટર બોગસ નીકળતા દંપતિ સામે વરાછા પોલીસમાં ફરિયાદ
- સ્કૂલમાં સાથે ભણતા મિત્ર અને તેની પત્નીએ યુવકની સાથે કેનેડામાં નોકરીના બહાને 4.50 લાખનો ઠગાઇ કરી
પ્રાપ્ત વિગતો મુજબ એ.કે.રોડ સ્વામીનારાયણ મંદિરની બાજુમાં રૂસ્તમબાગ શિવ કોમ્પ્લેક્ષમાં રહેતા કેવલ ચંદુભાઈ ઠુમ્મર (ઉ,વ.૨૪) કતારગામ ગોટાલાવાડીની એક કંપનીમાં ટેક્નિશ્યન તરીકે કામ કરે છે. આ દરમિયાન તેની મુલાકાત મૂળ જૂનાગઢના પરબડીના વતની અને સુરતમાં સરથાણા સીમાડા ગામ પાસે ધર્મરાજ સોસાયટીમાં રહેતા અંકિત કિશોરભાઇ ઢાંકેચા અને તેમની પત્ની આરતીબેનની સાથે થઇ હતી. કેવલ નોકરી કરવા માટે સુરત આવ્યો હતો જ્યારે અંકિત કેનેડા ચાલ્યો ગયો હતો. અંકિત અને કેવલની વચ્ચે સોશિયલ મીડિયા ફેસબુક મારફતે વાત-ચીત થઇ હતી. કેવલે તેનો એક મિત્ર કેનેડામાં સ્ટોર ચલાવે છે અને તેમાં નોકરી આપવવાનું કહીને કેવલને લલચાવ્યો હતો. આ નોકરી માટે રૂા. 28 લાખનો ખર્ચ થશે તેમ અંકિતે કેવલને કહ્યું હતું.
કેવલે આટલા બધા રૂપિયા ન હોવાનું કહેતા જ અંકિતે કહ્યું કે, સુરતમાં તું રૂા. 14 લાખ આપી દે અને બીજા રૂપિયા કેનેડામાં સ્થાયી થઇ જા તેમજ નોકરી મળી જાય પછી આપી દેજે. અંકિતની વાતમાં આવીને કેવલે રૂા. 4.50 લાખ આરતીના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. બે દિવસમાં અંકિતે કેનેડાની ગર્વમેન્ટ તરફથી માણસોની જરૂર છે તેવો લેટર એપ્રુવલ માટે મોકલી આપ્યો હતો. જો કે, આ લેટર બોગસ હોવાનું ધ્યાન ઉપર આવતા કેવલે અંકિતને ફોન કર્યો હતો, આ ઉપરાંત અંકિતની પત્ની આરતીની સાથે પણ કોન્ફરન્સમાં વાત કરી હતી.આ દરમિયાન આરતીએ કહ્યું કે, તારી ફાઇલ પાસ કરાવવા માટે મારે 3.50 લાખનો ખર્ચ થયો છે, અમારે તારી પાસેથી વધારાના 3.50 લાખ લેવાના છે કહીને ધમકાવ્યો હતો. આખરે કેવલે વરાછા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે અંકિત અને તેની પત્ની આરતીની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.