SURAT

વરાછાના વેપારીઓએ આ શું તમાશો માંડ્યો છે?, હવે મોબાઈલ પર હાથીને ચઢાવ્યો…

સુરતમાં ચિત્ર-વિચિત્ર ઘટનાઓ બની રહી છે. થોડા દિવસ પહેલાં અહીં એક મોબાઈલના વેપારીએ પ્રમોશન માટે મની હાઈસ્ટના કલાકારો જેવા કપડાં પહેરી રસ્તો માથે લીધો હતો. લક્ઝુરીયસ ગાડીનો કાફલો લઈ નીકળેલા વેપારીએ લોકોને મોંઘા ફોન ગિફ્ટમાં આપ્યા હતા, જેના લીધે રસ્તા પર ભારે તમાશો થવા સાથે ટ્રાફિક જામ થયો હતો અને લોકોના જીવ જોખમમાં મુકાયા હતા, તે ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં તો આવો જ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.

વરાછાના પોદ્દાર આર્કેડના એક મોબાઈલના વેપારીએ આ વખતે પોતાની મોબાઈલ બ્રાન્ડના પ્રમોશન માટે ગજરાજ એટલે કે હાથીનો ઉપયોગ કર્યો છે. વેપારી મહાશયે પોતાના મોબાઈલની મજબૂતાઈનો પુરાવો લોકોને દેખાડવા મોબાઈલ પરથી હાથીને ચલાવ્યો હતો. હાથીનો વજનદાર પગ મુકવા છતાં મોબાઈલને કોઈ નુકસાન થતું નથી, તેવું વેપારી બતાવવા માંગતો હતો, પરંતુ પ્રમોશનની આ રીત વેપારીને ભારે પડી છે. પ્રમોશન માટે હાથીનો ઉપયોગ કરવા બદલ વન વિભાગે વેપારીને નોટીસ ફટકારી છે.

મળતી માહિતી મુજબ પોદ્દાર આર્કેડમાં હેવમોર મોબાઈલની દુકાન આવેલી છે. વરાછાની આ મોબાઈલની દુકાનના માલિકોએ તમામ નિયમોનો ભંગ કરવા સાથે મોબાઈલની દુકાનના પ્રમોશન માટે અને ફોલોઅર્સની સંખ્યા વધારવા માટે હદ વટાવી હતી. આ વેપારીએ પ્રમોશન માટે હાથીનો ઉપયોગ કર્યો હતો. સર્કસ સહિતના કોઈ પણ જગ્યા પર વન્ય પ્રાણીઓના ઉપયોગ પર પ્રતિબંધ છે તેમ છતાં આ વેપારીએ કમર્શિયલ ગતિવિધિ માટે હાથીનો ઉપયોગ કર્યો છે. આ અંગેનો વીડિયો વાયરલ થતા વન વિભાગ સતર્ક થયું છે અને વેપારીને નોટીસ ફટકારી છે.

વન વિભાગના અધિકારીએ કહ્યું કે, વીડિયો અમારા ધ્યાન પર આવ્યો છે. દુકાનના માલિકને એક નોટીસ મોકલી ખુલાસો આપવા સૂચના અપાઈ છે. આ રીતે કોઈ પણ પ્રાણીનો ઉપયોગ પ્રમોશન માટે કરી શકાય નહીં. વેપારી ખુલાસો આપે ત્યાર બાદ તેની વિરુદ્ધ કાયદા અનુસાર કાર્યવાહી કરાશે.

Most Popular

To Top