SURAT

સુરતથી આ શહેરોમાં જતી ફ્લાઈટની ટિકીટની કિંમત 40 ટકા સુધી ઘટી ગઈ

સુરત: સુરત એરપોર્ટથી સ્પાઇસ જેટ એરલાઈન્સે એક પછી એક ફ્લાઈટ બંધ કરી સંપૂર્ણ ઓપરેશન સમેટી લેતા એર ઇન્ડિયા સામે ઈન્ડિગો એરલાઈન્સની એક માત્ર દિલ્હી રૂટ પર સ્પર્ધા રહી હતી. જેને લીધે દિલ્હી, કોલકાતા, બેંગલુરુ રૂટની ફ્લાઈટ ટિકિટના ભાવ રૂપિયા 15,000 સુધી પહોંચી ગયા હતાં.

  • એરલાઇન્સ વચ્ચે સ્પર્ધા વધતા સુરતથી ટિકિટ દરમાં 30 થી 40% નો ઘટાડો
  • દિલ્હી,બેંગલુરુ,કોલકાતા રૂટ પર 15000 સુધી પહોંચેલા ટીકીટ દર 8000 જેટલા થયાં

તેવી જ રીતે બીજા પ્લેયર ન હોવાથી ગોવા, હૈદરાબાદ રૂટના ભાવો પણ વધ્યાં હતાં. તાતા ગ્રુપની એરલાઈન્સનાં મર્જર પછી એર ઇન્ડિયાની દિલ્હી રૂટની બંને ફ્લાઈટ બંધ થઈ હતી. બીજી તરફ આ જ ગ્રુપની એર એશિયાએ દિલ્હી, કોલકાતા અને બેંગલુરુ રૂટની ફ્લાઈટ માટે ઈન્ડિગો સાથે સ્પર્ધા કરતાં 15,000 રૂપિયા સુધી થયેલાં ટિકિટના ભાવ એક જ મહિના કરતાં ટૂંકા સમયમાં 8000 ની આસપાસ આવી ગયા છે. ગોવા, હૈદરાબાદ, ચેન્નાઇ, દિલ્હી અને જયપુરની વધુ ફલાઇટ શરૂ થાય તો આ રૂટના ભાવો પણ ઘટી શકે છે.

સુરત એરપોર્ટ પર અત્યારે ઈન્ડિગો અને એર એશિયા મોટા પ્લેયર છે. સ્ટાર એર બેલગાવી, કિશનગઢ પૂરતી હાજરી પુરાવે છે. ક્યારે વેંચુરા એર કનેક્ટ ગુજરાતના 4 શહેરોને સાંકળતી 9 બેઠકોની વિમાન સેવા ચલાવે છે. એર ઇન્ડિયા અને સ્પાઇસ જેટ એરલાઈન્સે બધી ફ્લાઈટ સુરતથી બંધ કરી દીધી છે. બીજી કોઈ નવી એરલાઈન્સ સુરત આવવા તૈયાર જણાઈ નથી. જેને લીધે મેટ્રો સિટી કરતાં પણ વિમાન ટિકિટના વધુ દર હાજી પણ સુરતીઓ ચૂકવી એરલાઈન્સ કંપનીઓને તગડો નફો રળી આપી રહ્યાં છે.

ફ્લાઈટ્સની સંખ્યા ઘટવાના સિલસિલા વચ્ચે સુરત એરપોર્ટ પર પેસેન્જરોની સંખ્યામાં વધારો થયો
સુરત એરપોર્ટથી (Airport) સતત ઘટી રહેલી ફ્લાઈટ (Flight) સંખ્યા વચ્ચે પણ જાન્યુઆરી 2023 માં સુરત એરપોર્ટ પર 99,655 પેસેન્જર નોંધાયા હતા. એરપોર્ટ ઓથોરિટીનાં સૂત્રોના જણાવ્યાં મુજબ 95,357 ડોમેસ્ટિક અને 4298 ઇન્ટરનેશનલ પેસેન્જરોની અવર જવર નોંધાઇ હતી.

નાણાંકીય વર્ષ 2022-23 માં એપ્રિલથી જાન્યુઆરી 2023 સુધી 10,33,067 પેસેન્જરની અવર જવર રહી હતી. એ હિસાબે સુરત એરપોર્ટને મહિને સરેરાશ એક લાખ પેસેન્જર (Passengers) બીજા એરપોર્ટની સરખામણીએ નબળા ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહ્યાં હતા. પેસેન્જર ગ્રોથના મામલે સુરત એરપોર્ટ એક સમયે 33 માં ક્રમે પહોંચ્યું હતું. ડિસેમ્બર 2022 માં 35 માં ક્રમે અને હવે 38 માં ક્રમે પહોંચ્યું છે.

જોકે એર એશિયા અને ઈન્ડિગો માર્ચથી ફ્લાઈટ શરૂ કરવા જઈ રહ્યું છે. એ જોતાં માર્ચથી રેન્કિંગમાં સુધારો જોવા મળશે. જાન્યુઆરી 2023 માં સુરત એરપોર્ટ પર 279 મેટ્રિક ટન કાર્ગોની પણ હેરફેર રહી હતી. જે એની હેન્ડલિંગ કેપેસિટી સામે ઊંટનાં મોઢામાં રાઈ બરાબર છે.

Most Popular

To Top