સુરત: (Surat) સુરત એરપોર્ટથી રેગ્યુલર શિડ્યુલ્ડ ફ્લાઈટ (Flight) શરૂ થયાના ઈતિહાસમાં પ્રથમવાર આજે સોમવારે એક જ દિવસમાં 7185 પેસેન્જર (Passengers) નોંધાયા છે. સુરત એરપોર્ટથી ચાર્ટડ ફ્લાઈટની સંખ્યા વધતા પેસેન્જર સંખ્યા સતત વધી રહી છે. ગઈકાલે રવિવારે સુરત એરપોર્ટથી (Surat Airport) ગોવા, બેંગલોર, દિલ્હી અને કોલકતાની ચાર ચાર્ટડ ફ્લાઈટ રવાના થઈ હતી. બીજી તરફ સારો રિસ્પોન્સ મળતા સ્પાઈસ જેટ (Spice Jet) એરલાઈન્સે સુરતથી મુંબઈની (Mumbai) વધુ એક ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે.
- સુરત એરપોર્ટના ઈતિહાસમાં પ્રથમવાર 7185 પેસેન્જર એક દિવસમાં નોંધાયા
- સ્પાઈસ જેટ એરલાઈન્સે સુરતથી મુંબઈની વધુ એક ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી
- લગ્નની સિઝનને કારણે ચાર્ટર્ડ ફ્લાઈટની સંખ્યા વધતા
- શારજાહ-સુરત ફ્લાઇટને એક મહિનામાં 85 ટકા પેસેન્જર લોડ મળ્યો
- એર ઇન્ડિયાની સુરત-શારજાહ ફ્લાઇટને જબરદસ્ત પ્રતિસાદ મળતાં વર્કિંગ એરપોર્ટ ગ્રુપે ફ્લાઇટ સપ્તાહમાં 4 દિવસની કરવા માંગ કરી
રવિવારે સુરત એરપોર્ટ ઉપર 7000 પેસેન્જરની હેરફેર રહી હતી. જે આજે સોમવારે વધીને 7185 થઈ છે. આજે સુરત એરપોર્ટથી 28 ફ્લાઈટ ગઈ હતી, અને 29 ફ્લાઈટ આવી હતી. કુલ 3816 પેસેન્જર સુરત આવ્યા હતાં. અને 3369 પેસેન્જર સુરતથી રવાના થયા હતા. બીજી તરફ સ્પાઈસ જેટ એરલાઈન્સે સુરતથી મુંબઈની વધુ એક ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે. સવારે 6:30 કલાકે ઉપડેલી ફ્લાઈટ 7:25 કલાકે મુંબઈ પહોંચશે, રાત્રે મુંબઈથી આ ફ્લાઈટ 20:25 કલાકે ઉપડી 21:30 કલાકે સુરત આવશે.
શારજાહ-સુરત ફ્લાઇટને એક મહિનામાં 85 ટકા પેસેન્જર લોડ મળ્યો
સુરત: સુરતના કસ્ટમ નોટિફાઇડ એરપોર્ટથી સપ્તાહમાં 2 દિવસ ઓપરેટ થતી એરઇન્ડિયા એકસપ્રેસની શારજાહ -સુરતની એકમાત્ર ઇન્ટરનેશનલ ફલાઇટને છેલ્લા 1 મહિનામાં 85 ટકા પેસેન્જર લોડ મળ્યો છે. જે કોઇપણ ઇન્ટરનેશનલ ફલાઇટ માટે લાભકર્તા છે. સુરત શારજાહ ફલાઇટને જબરજસ્ત પ્રતિસાદ મળતા વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપે ફલાઇટ સપ્તાહમાં 4 દિવસની કરવા માંગ કરી છે.
આ ફલાઇટ 1 મહિનામાં 8 દિવસ ચાલે છે અને તેને 85 ટકા પેસેન્જર લોડ પ્રમાણે 2417 પેસેન્જરો મળ્યા છે. ગ્રુપ દ્વારા સપ્તાહમાં વધુ બે દિવસ ફલાઇટ ચલાવવા એર ઇન્ડિયા એકસપ્રેસના સીએમડીને ઇમેઇલ કરી માંગ કરવામાં આવી છે. સાથે સાથે દુબઇ, સિંગાપોર અને હોંગકોંગની આંતરરાષ્ટ્રીય ફલાઇટ શરૂ કરવા પણ માંગ કરવામાં આવી છે. સુરતને સમર શિડયુલમાં નવી ફલાઇટ મળવાની સંભાવના છે.