સુરત: (Surat) 2011-12થી સુરત એરપોર્ટથી વિમાની સેવા નિયમિત બની હતી. બે ડેઇલી ફ્લાઇટથી (Flight) વધીને એક તબક્કે 2020-21માં ફ્લાઇટ સંખ્યા 46 સુધી પહોંચી હોવા છતા છેલ્લા 9 વર્ષમાં સુરત એરપોર્ટે ક્યારેય નફો કર્યો નથી. એક આરટીઆઇ અરજીના ઉત્તરમાં સિવિલ એવિયેશન વિભાગે આંકડો આપ્યો છે કે 2017-18માં 1 કરોડની ખોટ કરનાર સુરત એરપોર્ટની (Surat Airport) ખોટ 2019-20માં વધીને 27 કરોડ થઇ છે.
2019-20માં 46 ફ્લાઇટ થકી 15.15 લાખ પેસેન્જરોની અવર-જવર છતા એરપોર્ટને નોન એવિયેશન ઇનકમમાં નુકશાન જતા ખોટનો આંકડો વધ્યો છે. એવિયેશન સેક્ટરમાં નિષ્ણાંતો કહે છે કે પેસેન્જર ગ્રોથ અને કાર્ગો સર્વિસનો ગ્રોથ જોતા સર્વિસિઝના સેગમેન્ટમાં એરપોર્ટે નફો કર્યો છે. પરંતુ નોન-એવિયેશન ઇન્કમમાં તેને નુકશાન થયુ છે. આ નુકશાન એરપોર્ટના સમગ્ર આંકડાઓમાં દેખાઇ રહ્યુ છે. પાર્કિંગ,રેસ્ટોરન્ટ, સ્ટોલ, પ્રવેશ ફી, કોન્ટ્રાક્ટના કામો સહિતના કામો નોન એવિયેશન ઇનકમમાં ગણવામાં આવે છે. આ બધી વસ્તુઓમાં કોન્ટ્રાક્ટના કામોમાં ખર્ચો વધુ થયો છે. જ્યારે અન્ય સુવિધામાં ઓછા ભાડે સ્ટોલ સહિતની ફાળવણી કરવામાં આવે છે. 2011-12થી 2019-20 દરમિયાન સૌથી ઓછી ખોટ 2017-18માં 1 કરોડ અને 2015-16માં 17 કરોડનું નુકશાન થયુ હતુ તે પછી ફ્લાઇટની સંખ્યા અને પેસેન્જરની સંખ્યા વધવા છતા 2016-17માં સર્વાધિક 41 કરોડ અને તે પછી છેલ્લે 2019-20માં સુરત એરપોર્ટે 27 કરોડની ખોટ ખાધી છે. જોકે નાણાકીય વર્ષ 20201-21ના આંકડાઓ જુલાઇમાં પ્રસિધ્ધ થતા હોવાથી તેની વિગત મળી નથી.
- સુરત એરપોર્ટ આ રીતે ખોટ કરી રહ્યુ છે
- નાણાકીય વર્ષ ખોટની રકમ(કરોડમા)
- 2011-12 19
- 2012-13 21
- 2013-14 25
- 2014-15 26
- 2015-16 17
- 2016-17 41
- 2017-18 01
- 2018-19 23
- 2019-20 27
સુરત એરપોર્ટના એરોબ્રિજના રિપેરિંગનું કામ શરૂ કરાયુ
સુરતના કસ્ટમ નોટિફાઇડ એરપોર્ટ પર એરબસ અને બોઇંગ કક્ષાના વિમાનોમાંથી પેસેન્જર સીધા ટર્મિનલ બિલ્ડિંગમાં પ્રવેશ કરી શકે તે માટે સુરત એરપોર્ટ પર એરોબ્રિજની સુવિધા આપવામાં આવી છે. અત્યારે 7 ફ્લાઇટ જતી અને 7 આવતી હોવાથી એરપોર્ટ ઓથોરિટીએ એરોબ્રિજનું રિપેરિંગ કામ શરૂ કર્યુ છે.