SURAT

વરાછા અને સરથાણાના નવા ફાયરસ્ટેશનના બાંધકામમાં નબળાં મટીરયલનો ઉપયોગ થતો હોવાની પોલ ખુલી ગઈ

સુરત(Surat) : શહેરને કલંકરૂપ તક્ષશિલા અગ્નિકાંડ (TakshShila Fire) બાદ મનપા (SMC) તંત્ર દ્વારા ફાયર વિભાગને સજ્જ કરવા શહેરમાં વધુ ફાયર સ્ટેશનો (Fire Station) બનાવવામાં આવી રહ્યાં છે. તેમજ સાથે સાથે ફાયરના વધુ ને વધુ સાધનો વિકસાવવામાં આવી રહ્યાં છે. પરંતુ શાસકો દ્વારા જે ઈજારદારોને (Contractor) કામગીરી સોંપવામાં આવી રહી છે તેઓ કામગીરીમાં વેઠ ઉતારી રહ્યા છે. સોમવારે મનપાની લાઈટ એન્ડ ફાયર કમિટી (Light and Fire Committee) દ્વારા શહેરમાં નવા બની રહેલાં ફાયર સ્ટેશનોની સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. જેમાં લાઈટ એન્ડ ફાયર કમિટીના ચેરમેન કિશોર માયાણીને ફાયર સ્ટેશનના બાંધકામ માટે જે મટિરિયલનો (Material) ઉપયોગ કરવામાં આવતો હતો તે નબળી ગુણવત્તાના હોય તેવી શંકા ગઈ હતી. ફાયર સ્ટેશનના બાંધકામમાં ફ્લોરિંગમાં સિમેન્ટનો (Cement) ઉપયોગ ઓછો થયો હોવાનું જાણવામાં આવ્યું હતું. તેમજ રેતીની જગ્યાએ પણાનો ઉપયોગ થઈ રહ્યો હોવાનું જણાતાં કમિટીની સભ્યો ઈજારદાર પર અકળાયા હતા.

  • ફાયર કમિટીના રાઉન્ડમાં ભોપાળું બહાર આવ્યું
  • કમિટીના અધ્યક્ષે બાંધકામ મટિરિયલનાં સેમ્પલ્સ ટેસ્ટિંગ માટે મોકલવા આદેશ આપ્યા
  • ઈજારદારની કામગીરી પર શંકા જતાં આવનારા દિવસોમાં ઈજારદાર સમક્ષ વિજિલન્સ તપાસ મૂકવા તજવીજ

મોટા ભાગના કિસ્સાઓમાં ઈજારદારો દ્વારા કરોડો રૂપિયાનાં કામોમાં હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવે છે અને પોતાનાં ખિસ્સાં ભરવામાં આવે છે. મનપાએ હાલ મોટા વરાછા, સરથાણા, નાના વરાછા ક્રાંતિ મેદાન અને ડભોલીમાં નવા ફાયર સ્ટેશન બનાવવાનાં કામોને મંજૂરી આપી હતી. જે ફાયર સ્ટેશનોનું સિવિલ વર્ક ચાલુ છે. લાઈટ એન્ડ ફાયર કમિટીના સભ્યો દ્વારા સોમવારે આ તમામ સ્થળો પર રાઉન્ડ લેવામાં આવ્યો હતો. જેમાં કમિટીની અધ્યક્ષ કિશોર માયાણીને સરથાણા (Sarthana) અને નાના વરાછા (Nana Varacha) ક્રાંતિ મેદાન (Kranti Medan) પાસે જે ફાયર સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે તેના બાંધકામ મટિરિયલની ગુણવત્તા સારી ન હોવાનું મનપાના અધિકારીઓને જણાવ્યું હતું. ત્યારે મનપાના અધિકારીઓએ બાંધકામ યોગ્ય જ રીતે થઈ રહ્યું છે તેવો જવાબ આપ્યો હતો અને ટેન્ડરની શરતો મુજબ મટિરિયલ્સનો ઉપયોગ થઈ રહ્યો છે તેમ કહ્યું હતું.

એક જ ફાયર સ્ટેશનમાં પી.સી.સી.ની કામગીરી બે જગ્યાએ જુદી હતી. એક જગ્યાએ સિમેન્ટનો યોગ્ય ઉપયોગ થયો છે. જ્યારે બીજી જગ્યાએ કામ નબળું હોવાનું જાણવામાં આવ્યું હતું. જેથી લાઈટ એન્ડ ફાયર કમિટીના અધ્યક્ષે નારાજગી બતાવી બાંધકામના મટિરિયલનાં સેમ્પલ્સ ટેસ્ટિંગ માટે મોકલવાનો આદેશ આપ્યો હતો અને ઈજારદારને પણ સૂચના આપી હતી. તેમજ મનપાના અધિકારીઓને પણ યોગ્ય રીતે કામગીરી પર નજર રાખવા કડક સૂચના આપી હતી. તેમજ ઈજારદાર સામે વિજિલન્સ તપાસ પણ મુકાશે તેમ કમિટી અધ્યક્ષે જણાવ્યું હતું.

સાઈટના સુપરવાઈઝર મનપાના જુનિયર ઈજનેર ઈજારદારની તરફેણ કરતાં સભ્યો આશ્ચર્યમાં મુકાયા
મનપાના લાઈટ એન્ડ ફાયર કમિટીના રાઉન્ડ દરમિયાન નાના વરાછા ક્રાંતિ મેદાન પાસે અને સરથાણા ખાતે બની રહેલા ફાયર સ્ટેશન એકદમ નબળી કક્ષાની થઈ રહી હોવાનું કમિટી અધ્યક્ષને જાણવામાં આવ્યું હતું. આ અંગે સમિતિએ સુપરવિઝન કરતાં જુનિયર ઈજનેર પારેખને બોલાવ્યો હતો. મનપાના સુપરવાઈઝરે ઈજારદાર ટેન્ડરની શરત પ્રમાણે જ કામ કરે છે તેવી વાત કરી હતી. આથી સમિતિના સભ્યો પણ આશ્ચર્યમાં મુકાયા હતા તેમજ મનપાના જુનિયર ઈજનેરે ઈજારદારની તરફદારી કરતાં સમિતિના સભ્યો સાથે ઊંચા અવાજે વાત કરી હતી. જેથી સમિતિના અધ્યક્ષ અને સભ્યોએ મનપાના સુપરવાઈઝરની સ્થળ પર જ ઝાટકણી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, નાના વરાછા ક્રાંતિ મેદાન ખાતે ફાયર સ્ટેશનનું બાંધકામ આર્ક કન્સ્ટ્રક્શન અને સરથાણા ખાતે ફાયર સ્ટેશનનું બાંધકામ સિધ્ધિ વિનાયક કન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top