સુરત: (Surat) સગરામપુરા વિસ્તારમાં રમીઝ એપાર્ટમેન્ટની ગલીમાં આવેલ એક એપાર્ટમેન્ટમાં આગ (Fire) લાગતા અફરાતફરી મચી ગઈ હતી. એપાર્ટમેન્ટની મીટરપેટીમાં આગ લાગ્યા બાદ ધુમાડો ઉપર સુધી જતાં લોકોમાં ડર ફેલાયો હતો. જેને કારણે એપાર્ટમેન્ટમાં રહેતા રહીશો બારીમાંથી બાજુના એપાર્ટમેન્ટમાં રેસ્ક્યૂ કરાયા હતાં. લોકોએ સ્વયંભૂ રીતે જ પોતાના પરિજનોને રેસ્ક્યૂ (Rescue)કર્યા હતાં. ચોથા માળેથી લોકો બીજા એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ રહ્યાં હોવાનાં દૃશ્યોએ એક તબક્કે તક્ષશિલા ઘટનાની યાદ કરાવી દીધી હતી. પ્રાથમિક માહિતી મુજબ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે. જોકે ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો, જેથી લોકોએ રાહતનો દમ લીધો હતો.
શહેરના સગરામપુરા વિસ્તારમાં સોમવારે બપોરના સમયે અચાનક આગ ફાટી નિકળી હતી. અપાર્ટમેન્ટના રહેવાસીઓ જીવ બચાવવા માટે ચોથા માળેથી બીજા એપાર્ટમેન્ટમાં પોતાની જાતે જ રેસ્ક્યૂ કર્યા હતાં. જોકે ફાયર વિભાગને જાણ થતાં તુરંત જ ફાયર કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવા માટે પ્રયત્ન કર્યા હતાં. ફાયરબ્રિગેડ આવ્યું ત્યાં સુધીમાં લોકોએ જીવના જોખમે અન્ય ફ્લેટમાં ગયા હતા. બાદમાં ફાયરબ્રિગેડની ગાડીઓ દ્વારા તેમને નીચે ઉતારવામાં આવ્યા હતા. છેલ્લે મળતી માહિતી મુજબ હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. ઘરનો સામાન ઘર વખરી બધુ બળીને ખાખ થઈ ગયું છે.
પાંડેસરા પ્રેરણા ડાઇંગ મીલમાં ભીષણ આગ લાગી: બચવા કર્મચારી ત્રીજા માળેથી કુદી પડ્યો
સુરત : શહેરના પાંડેસરા જીઆઇડીસી સ્થિત રવિવારની મોડી રાત્રે પ્રેરણા ડાઇંગ મીલમાં ત્રીજા માળે ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. જોકે જાગૃત નાગરિકે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ફાયરનો મોટા કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મીલમાં ત્રીજા માળે કામ કરતા એક કર્મચારી જીવ બચાવવા ત્રીજા માળેથી કુદી પડ્યો હતો. જેમની ઇજા થતા 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યારે આગ વિકરાળ હોવાથી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરતા બે ફાયર જવાનોને પણ ઇજા થઇ હતી. તેમણે પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.
પ્રાપ્ત વિગોત મુજબ પાંડેસરા જીઆઇડીસીમાં પ્રેરણા ડાઇંગ મીલમાં ત્રીજા માળે અચાનક કોઇ કારણોસર આગ ફાટી નિકળી હતી. આગના કારણે આસપાસના લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. આકાશમાં ત્રણ કિલોમીટર સુધી આગની જ્વાળા અને ધુમાડાના ગોટેગોટા દેખાતા આસપાસના વિસ્તારોમાં ભય ફેલાય ગયો હતો. આ ઘટનાની ફાયર વિભાગને જાણ થતા માન દરવાજા, મજુરા, ભેસ્તાન, ડીંડોલી, ડુંભાલ, અડાજણ સહિતના 6 ફાયર સ્ટેશનની 15 થી વધુ ગાડીઓ સાથે ફાયર ઓફિસર તેમજ ફાયર જવાનોની ટીમ ઘટના સ્થળે ધસી ગઇ હતી. આગ મિલના ત્રીજા માળે કપડામાં લાગ્યા બાદ વિકરાળ બની હતી. મોડી રાત સુધી આગને કાબુમાં લેવાની કામગીરી ચાલી રહી હતી.
આગ જોવા કારીગરો ટોળે વળ્યા હતા ત્યારે જોરદાર બ્લાસ્ટ થયો
આગની ઘટનાને જોવા કારીગરોના ટોળા ભેગા થયા હતા, તેવામાં જોરદાર બ્લાસ્ટ થતા ભાગદોડ મચી ગઇ હતી. આગ ક્યા કારણોસર લાગી તે જાણવા મળ્યું ન હતું. લાશ્કરોએ આગ પર અઢી કલાક સુધી સતત પાણીનો મારો ચલાવી મોડી રાત્રે આગ પર કાબૂ મેળવ્યો હતો. મીલમાં મોટા પ્રમાણમાં કાપડના જથ્થા તેમજ મશીનરીને નુકશાન થયું છે.