Surat Main

સુરતમાં ફરી ફાયરનો સપાટો : સેફટીના અભાવે હોસ્પિટલ-સ્કૂલ સહિત ટેક્સ્ટાઇલ માર્કેટની 120 દુકાનો સીલ

સુરત: ફાયર (Fire)ની ઘટનાઓને કારણે, શહેરનું ફાયર વિભાગ (fire dept in action) સખત એક્શનમાં આવી ગયું છે. ગુરૂવારે એક્શન મોડમાં આવેલા ફાયર વિભાગ દ્વારા વધુ એક વખત સઘન ઝુંબેશ અંતર્ગત શહેરમાં ફાયર સેફટી (Fire safety)ની સુવિધા વિનાની બે સ્કૂલો, 1 હોસ્પિટલ અને 2 કોમર્શીયલ એકમોને સીલ (Seal) કરાયા હતા. સીલિંગની કાર્યવાહીને પગલે શાળા સંચાલકો સહિતના મિલ્કતદારો દોડતા થઈ ગયા હતા.

ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર, ગુરૂવારે વહેલી સવારે મહાનગર પાલિકાના અલગ – અલગ ઝોન વિસ્તારમાં ફાયર સેફટી મુદ્દે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમ્યાન કતારગામ ઝોનના સિંગણપોર રોડ પર આવેલા નમ્રતા હોસ્પિટલ સહિત સેન્ટ્રલ ઝોનમાં જીવન ભારતી સ્કૂલ, એ.એમ. મીર સ્કૂલ અને એકતા ટેક્સટાઈલ માર્કેટમાં અને અઠવા ઝોનમાં મગદલ્લા રોડના ગંગા હાઉસને ફાયર સેફટીની અપુરતી સુવિધાઓ મળી આવતાં તમામ એકમોને સીલ કરવામાં આવ્યા હતા. શાળા તેમજ દુકાનોને ફાયર સેફ્ટીની સુવિધાઓ ઉભી કરવા માટે ઘણીવાર નોટિસો આપવામાં આવી હતી. પરંતુ આ સંસ્થાઓ દ્વારા નોટિસનો અમલ ન કરાતા, મનપા દ્વારા ગુરૂવારે એકસાથે 120 દુકાનો સીલ કરી સબક શિખવાડ્યો હતો.

અગાઉ પણ ફેબ્રુઆરીમાં ફાયર સેફ્ટીને લઈ બેદરકારી દાખવનારા તેમજ ફાયરની નોટિસોને પણ ઘોળીને પી જનારા બેદરકારો સામે ફાયર વિભાગ દ્વારા સમયાંતરે લાલ આંખ કરી સીલિંગ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે ફાયર વિભાગ દ્વારા સપાટો બોલી અડાજણ, રાંદેર સહિતના અલગ અલગ વિસ્તારોમાં આવેલાં શોપિંગ કોમ્પ્લેક્સ અને હોસ્પિટલ, હોટલોને સીલ કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે શહેરના અડાજણ, રાંદેર, લાલ દરવાજા, મહિધરપુરા, લાલગેટ સહિતના વિસ્તારોમાં સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ફાયર ઓફિસર હિતેશ ઠાકોરે જણાવ્યું હતું કે, ઓફિસરો અને કર્મચારીઓ મળી 50 જેટલા કર્મચારીના કાફલાએ રાત્રિના 11 વાગ્યાથી સીલિંગની કામગીરી શરૂ કરી હતી. જે મોડી રાત્રે 2 વાગ્યા સુધી પૂર્ણ થઇ હતી.

આ દરમિયાન રાંદેરમાં આવેલ રિદ્ધિ શોપર્સને આખું સીલ કરવામાં આવ્યું હતું. જેમાં 28 દુકાન અને 1 અને 2 ક્લિનિક પણ સીલ કરાયાં હતાં. આ સિવાય મહિધરપુરા વિસ્તારમાં આવેલા જોગાની પ્રાઈવેટ લિમિટેડની કુલ 20 ઓફિસ સીલ કરાઈ હતી. લાલગેટ ખાતે આવેલો ફેસ્ટિવલ નામનો સાડીનો શો-રૂમ, લાલ દરવાજા પર આવેલ હોટલ આર.બી. રેસિડેન્સી સીલ કરાઈ હતી. તેમજ ઉધના ઝોનમાં એ.એમ.કોર્પોરેશન, અશોક શોપિંગ સેન્ટર, પાંડેસરા જી.આઈ.ડી.સી.ની કુલ 115 દુકાન સીલ કરાઈ હતી. વરાછામાં રાધિકા ઓપટીમાં કોમ્પ્લેક્સ, કતારગામમાં મધુરમ્ કોમ્પ્લેક્સ સીલ કરાયું હતું.

આ તમામને અગાઉ નોટિસ આપવામાં આવી હતી. છતાં ફાયર સેફ્ટીનાં સાધનો રાખવામાં નહીં આવતાં સીલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ વેસુ કેનાલ રોડ પરની એન્જોય રેસિડેન્સી અને મોટા વરાછામાં એપલ હાઈટ્સમાં પાણી અને ડ્રેનેજનાં કનેક્શન કાપી નાંખવામાં આવ્યાં હતાં.

Most Popular

To Top