સુરત: (Surat) સરકાર દ્વારા હોટલ રેસ્ટોરેન્ટ્સમાં (Hotel Restaurants) 50 ટકા ક્ષમતા સાથે લોકોને બેસાડી જમાડવાની સુવિધા આપ્યા બાદ શુક્રવારથી હોટલોમાં સિટિંગ ફેસિલિટી શરૂ થાય તે પહેલાંજ ફાયર વિભાગે (Fire Department) ગુરુવારે સપાટો બોલાવ્યો હતો. શહેરમાં ૧૦ જુન ગુરુવારના રોજ ફાયર સેફ્ટીને લઈ એક હોસ્પિટલ, 14 હોટેલ અને 3 કોમર્શીયલ એકમો (Commercial Complex) મળી કુલ 18 એકમો સીલ (Seal) કરવામાં આવ્યા હતા. ફાયરની કડક કાર્યવાહીથી હોટલ માલિકોમાં ફફડાટ ફેલાયો છે. આ ઉપરાંત વરાછા ઝોનમાં આવેલ એક હોસ્પિટલ અને અઠવા ઝોન ખાતે આવેલ કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને બિલ્ડિંગોમાં પણ ફાયર વિભાગે સપાટો બોલાવ્યો હતો.
કઈ હોટલો સીલ કરાઈ ?
સુમુલ ડેરી રોડ ખાતે આવેલ હોટલ શતલજ, રેલવે સ્ટેશન પાસે આવેલી રેસ્ટોરેન્ટ્સ શંકર ગુજરાતી થાલી, શેરે પંજાબ, અમર ગેસ્ટ હાઉસ, હોટલ સમ્માન, રુપાલી ગેસ્ટ હાઉસ, રાજ પુરોહિત થાળી, કિંગ્સ હેરિટેજ હોટલ, હોટલ ડિમ્પલ, હોટલ આકાશને સીલ કરાઈ હતી. ઉપરાંત ઇચ્છાપોર સુરત ખાતે આવેલ જય ચામુંડા, ક્રિષ્ના રેસ્ટોરન્ટ, ઉડીપી રેસ્ટોરન્ટ સીલ કરાઈ હતી. તેમજ વેલંજા ખાતે આવેલ ગણેશ રેસ્ટોરન્ટ સીલ કરાઈ હતી.
50 ટકા ક્ષમતા સાથે હોટલો ખોલવાની મંજૂરી મળતા હોટલ માલિકોમાં ખુશીનો માહોલ
જણાવી દઈએ કે ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો થતા રાજય સરકારે તા.૧૧મી થી ૨૬ જૂન માટે કેટલીક છૂટછાટ જાહેર કરી છે. જેને પગલે હવે રેસ્ટોરાંમાં સવારે ૧૧ થી સાંજે ૭ વાગ્યા સુધી ૫૦ ટકા ક્ષમતાએ ડાઈનિંગ રૂમ ચાલુ રાખવા આપેલી પરવાનગીની સાથો – સાથ જીમને પણ ૫૦ ટકા ક્ષમતાએ શરૂ કરવાની પરવાનગી આપતાં શહેરની 800 રેસ્ટોરન્ટ અને 500 થી વધુ જીમ સંચાલકોમાં ખુશીનો માહોલ છે.
સાઉથ ગુજરાત હોટેલ અને રેસ્ટોરાં એસોસિએશનના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ સનત રેલિયાએ જણાવ્યુ હતું કે , સરકારે અમારી રજૂઆતને સ્વીકારીને રેસ્ટોરાંમાં ડાઈન શરુ કર્યું તેનાથી મોટી રાહત થશે.હોમ ડિલીવરીની ફેસિલિટી પણ રાત્રે ૧૨ વાગ્યા સુધી કરી દેતાં હોટેલ ઇન્ડસ્ટ્રીને રાહત મળી છે. શહેરમાં આશરે 750- 800 થી વધુ રેસ્ટોરાં શહેરમાં આવેલી છે. લોકડાઉનને લીધે તમામ સંચાલકોની હાલત કફોડી થઇ હતી. જોકે હવે રેસ્ટોરન્ટ સવારે ૧૧ થી સાંજે ૭ વાગ્યા સુધી ૫૦ ટકા ક્ષમતાએ ચાલુ રાખવાની છૂટ મળતા ખુશીનો માહોલ છે.