સુરત: સરથાણા જકાતનાકા પર તક્ષશિલા બિલ્ડીંગમાં (Bulding) સર્જાયેલી આગની (Fire) દુર્ઘટનાને મંગળવારે (Tuesday) 3 વર્ષ પૂર્ણ થતા મૃતકના સ્વજનોએ તક્ષશિલા સ્થળે જઇને મૃતકોની તસ્વીરોને (Photo) હારતોરા કરીને ભીની આંખે પુષ્પાંજલિ અર્પી હતી.
3 વર્ષ અગાઉ સર્જાયેલી આગની હોનારતમાં 22 માસૂમો હોમાઈ ગયા બાદ તેમના વાલીઓ અને મૃતકોના સ્વજનો દ્વારા ન્યાય મેળવવા માટે વલખા મારવા પડી રહ્યા છે. તમામ મૃતકોના વાલીઓ દ્વારા આજે તક્ષશિલા ખાતે જઈને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. તમામ મૃતકોના સ્વજનોની આંખો આજે ફરી એક વખત છલકાઈ હતી. સમગ્ર કેસમાં 14 જેટલા આરોપીઓ સામે કેસ ચાલી રહ્યો છે. મૃતકના સ્વજન જયસુખ ગજેરાએ જણાવ્યું હતું કે, તંત્ર ઘારે તો તક્ષશિલા કાંડના આરોપીઓને ઝડપથી સજા થઈ શકે છે. આ મારી એક વાલી તરીકેની માન્યતા નથી. પરંતુ કાયદાના નિષ્ણાતો પણ માને છે કે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તક્ષશિલા કાંડની સુનાવણી હાથ ધરવી જોઈએ. પરંતુ ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે, જે કેસની અંદર તંત્ર રસ લે છે. તે જ કેસ ફાસ્ટટ્રેકમાં ચાલે છે. તંત્રના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી. કોર્ટમાં સુનાવણી ડે ટુ ડે થવી જોઇએ.
જાણો શું હતી સમગ્ર ધટના
સુરતના બ્લેક ફ્રાઈડે ગણાતા તક્ષશીલા ધટનો ત્રણ વર્ષ પૂર્ણ થયા. વર્ષ 2019માં 24 મેના રોજ શુક્રવારના દિવસે બપોરે 4 વાગ્યાના સમયે સરસાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા કોમ્પલેક્ષના બીજા માળની ફેશન ડિઝાઈનના કલાસરૂમની ગેલેરીની બહાર એસીના આઉટર યુનિટ અને તેની સાથેના વાયરિંગમાં શોર્ટસર્કિટ થવાથી આગ લાગતા નીચેના માળથી આગ લાગતા ત્રીજા માળ સુઘી પહોંચી ગઈ હતી. આ ધટનાને પગલે 22 બાળકોના મોત થયા હતા જયારે 18થી વઘુ ઈજાગ્રસ્ત થયા હતા. બાળકોના માતા પિતા આ ગોઝારા દિવસને ભૂલી શકયા નથી. ધટનાને પગલે કુલ 14 આરોપીઓ સામે ગુનો નોંઘવામાં આવ્યો હતો. માતા પિતા કે જેઓએ ધટનામાં પોતાના બાળકોને ગુમાવ્યા છે તેઓ બાળકોને ન્યાય અપાવા માટે તેઓ આજે પણ લડાઈ લડી રહ્યાં છે. તેઓ માંગણી કરી રહ્યાં છે કે કોર્ટમાં સુનાવણી ડે ટુ ડે થાય. તેમજ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તક્ષશિલા કાંડની સુનાવણી હાથ ધરવામાં આવે.