સુરત: (Surat) અશ્વની કુમાર રોડ પર સોમવારે બપોરે રસ્તા ઉપર દોડતી એક કાર ભડભડ સળગવા લાગી હતી જેના કારણે ગભરાટ ફેલાઈ ગયો હતો. આગ (Fire) લાગવાથી કારના બોનેટ તથા આગળનો ભાગ સંપૂર્ણ બળીને ખાખ થઇ ગયો હતો. કારચાલક સમય સૂચકતા વાપરીને નીચે ઉતારી જતા તેમનો બચાવ થયો હતો.
- અશ્વનીકુમાર રોડ ઉપર દોડતી કાર સળગીને ખાખ: કારચાલકનો બચાવ
- કારના એન્જિનના વાયરિંગમાં સ્પાર્ક થતાં એકાએક ધુમાડા ઉઠીને કાર સળગવા લાગતા ચાલક બહાર નીકળી ગયો હતો
ફાયરના સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી મુજબ, સોમવારે સવારે 12:35 કલાકે કાર ચાલક ચીમનભાઈ સુતરીયા તેમની કાર (GJ-05-CM-9185) ને હંકારીને અશ્વની કુમાર રોડ ઉપરથી પસાર થઇ રહ્યા હતા. દરમિયાન કારના એન્જિનના વાયરિંગમાં એકાએક સ્પાર્ક થવા લાગ્યો હતો અને ધુમાડા ઉઠવા લાગ્યા હતા. તેથી કાર ચાલક બહાર નીકળી ગયા હતા અને ત્યારબાદ ફાયર કંટ્રોલને જાણ કરતા કતારગામ ફાયર સ્ટેશનનો કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો. ફાયર ઓફિસર સુધીર ગઢવીએ જણાવ્યું હતું કે, મોટા ભાગની કાર આગની લપેટમાં આવી ગઈ હતી.ફાયરની ટીમે સતત પાણીનો મારો ચાલવીને ગણતરીની મિનિટોમાં જ આગ ઉપર કંટ્રોલ મેળવી લીધો હતો.