સુરત: સુરતના (Surat) લિંબાયત (Limbayat) વિસ્તારના એક કારખાનમાં (Factory) આગ (Fire) લાગી હોવાનું જાણવા મળ્યું છે. લિંબાયત વિસ્તારમાં આવેલ ઝરીના કારખાનામાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આગ લાગ્યાની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર વિભાગના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે સદ્દનસીબે આ દુર્ઘટનામાં જાનહાનિની માહિતી સામે આવી નથી. પરંતુ આગ લાગવાના કારણે કારખાનમાં રહેલો તમામ કાપડનો માલસમાન બળીને ખાખ થઈ ગયો હતો.
મળતી માહિતી અનુસાર 16 જાન્યુઆરી સોમવારના રોજ સવારે લગભગ 8.30 વાગ્યાની આસપાસ લિંબાયત વિસ્તારના એક કારખાનામાં આગ લાગી હોવાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો. ગોવિંદનગરમાં રેનિશ સિન્થેટિક કારખાનામાં કોઈ કારણસર આગ લાગી હતી. કારખાનામાંથી ધૂમાડો નીકળતા ફાયર વિભાગને આગ લાગી હોવાની જાણ કરવામાં આવી હતી. ગોડાઉનમાં સાડી અને તેના પર લગાડવામાં આવતી લેસનો જથ્થો ખૂબ જ મોટા પ્રમાણ હતો. કાપડના કારણે આગ જોતજોતામાં પ્રસરી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગે ગણતરીના મિનિટોમાં જ આગ પર કાબૂ મેળવ્યો હતો.
ગ્રાઉન્ડ ફ્લોરની આગ ત્રીજા માળે પ્રસરી
કારખાનાનું ગોડાઉન ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલું છે. જ્યાં ગોડાઉનમાં મૂકેલી સાડી અને લેસના જથ્થામાં લાગેલી આગ ત્રીજા માળ સુધી પ્રસરી હતી. ગણતરીની મિનિટોમાં જ આગ ગ્રાઉન્ડ ફ્લોર પરથી ત્રીજા માળના કારથખાનામાં પ્રસરી ગઈ હતી. મળતી માહિતી અનુસાર સાડી માટે જરૂરી મટીરીયલ પેટ્રોલિયમ પદાર્થ વાપરવામાં આવતું હોય છે જેના કારણે આગ ખૂબ જ ઝડપથી પ્રસરી હતી. જેના કારણે કારખાનામાં રહેલો કાપડનો માલ બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. કારખાનામાંથી ધૂમાડો નીકળતા આસપાસના કારખાનેદારમાં ભારે ભય જોવા મળી રહ્યો છે.
શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું
ફાયર વિભાગના અધિકારી મનોજ શુકલા પાસેથી મળતી માહિતી અનુસાર કારખાનામાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. ત્યાર બાદ ડુંભાલ ફાયર સ્ટેશનની ગાડી તેમજ માન દરવાજાની ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. તેમના જણાવ્યા અનુસાર સાંકળી ગલી હોવાના કારણે કારખાના ગોડાઉનમાં લાગેલી આગ પર કાબૂ મેળવવું મુશકેલ બન્યું હતું. ઘણીવાર ફાયર વિભાગની ગાડીઓ સાંકળી ગલીમાં જવા માટે ભારે જહેમત ઉઠાવવી પડતી હોય છે. ફાયર ઓફિસર પાસેથી મળતી માહિતી પ્રમાણે ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી. જો કે ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગા હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.