સુરત: કતારગામ (Katargam) દરવાજાના જીલાની બ્રિજ પાસે એક મકાનમાં આગ (Fire in house) લાગતા દોડધામ મચી ગઇ હતી. ગ્રાઉન્ડ ફલોરમાં લાગેલી આગ વિકરાળ બનતા બીજા માળને પણ ઝપેટમાં લીધો હતો. જોકે આ ઘટનામાં કોઇ ઇજા કે જાનહાનિ થઇ ન હતી.
ફાયર વિભાગ (Fire dept) પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કતારગામ દરવાજાના જિલાના બ્રિજ પાસેના નાસીર નગરમાં સ્થિત બે માળના મકાનમાં શુક્રવારે બપોરે એક વાગ્યાના અરસામાં એકાએક આગ લાગતાં આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જે મકાનમાં આગ લાગી હતી તે મકાન માલિક જે છે તે ઘરની પાછળના ભાગે રહેતા હતા અને ભાડુઆત મકાન બંધ કરીને બહાર ગામ ગયો હતો. દરમિયાન આ ઘટનાની રહીશોએ ફાયર વિભાગને જાણ કરી હતી. કતારગામ, મુગલીસરા ફાયર સ્ટેશનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં લાશ્કરોએ આગ પર અડધો કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
મહત્વની વાત છે કે ઘરમાં આગ લાગી હતી તેમાં કોઈપણ વ્યક્તિ ન હોવાને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. જ્યારે મકાનમાં લાગેલી આગ પર ફાયર વિભાગે કાબૂ મેળવતા રહિશોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગ લાગવાના કારણે ઘર વખરી અને બાઈક બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોટસર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
મુગલીસરા ફાયર સ્ટેશનના ઓફિસર હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ગ્રાઉન્ડ ફલોરમાં બંધ મકાનમાં લાગેલી આગ પહેલા અને બીજા માળ સુધી ફેલાઇ હતી. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આગ લાગવાના કારણે ઘર વખરી અને બાઈક બળીને ખાખ થઈ ગઈ હતી. ઘરમાં આગ લાગી હતી તેમાં કોઈપણ વ્યક્તિ ન હોવાને કારણે કોઈ ઇજા કે જાનહાનિ થઈ નથી.