SURAT

સુરતના પુણાની સોસાયટીમાં રહીશોની મારામારીનો વીડિયો થયો વાયરલ

સુરત(Surat) : સુરતના પુણા વિસ્તારમાં આવેલી એક સોસાયટીના રહીશો આજે મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવી મારામારી કરતા હોવાનો વીડિયો (Video) સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ (Viral) થયો છે. સોસાયટીના રહીશો એટલા બધા ગુસ્સે ભરાયા હતા કે સામા પક્ષના લોકોને મારવા (Fight) માટે ઝનૂની બન્યા હતા. સોસાયટીની મહિલાઓ પણ રસ્તે ઉતરી આવી હતી. કોઈકે આ ઘટનાનો વીડિયો ઉતારી લઈ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેતાં પોલીસ દોડતી થઈ હતી.

સુરતના પુણા વિસ્તારમાં આવેલી કલ્યાણ નગર સોસાયટીના રહીશોની આજે સોમવારની સવાર ખૂબ જ ઉગ્ર રહી હતી. અહીંના રહીશો આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા. વાત એમ બની હતી કે સોસાયટીમાં કેટલાંક વેપારીઓ દ્વારા સાડી અને ડ્રેસ પર ચિપકાવવામાં આવતા સ્ટોન માટેના હોટ ફિક્સિંગ મશીન મુકવામાં આવ્યા છે. આ મશીન વધુ વીજપાવર ખેંચતો હોય સોસાયટીમાં વારંવાર પાવર વધઘટની ઘટના બને છે. ઘણીવાર પાવર લાંબો સમય સુધી જતો રહે છે. બે દિવસ પહેલાં હોટ ફિક્સિંગ મશીનના લીધે જીઈબીના વીજળીના થાંભલામાં આગ લાગી હતી. જોકે, આ આગની ઘટનામાં સદ્દનસીબે કોઈ જાનહાનિ કે નુકસાન થયું નહોતું, પરંતુ વારંવાર પાવર કટ અને શોર્ટ સર્કિટની ઘટનાઓ બનતી હોવાનાલીધે સોસાયટીના રહીશોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને આગની ઘટના બાદ રોષે ભરાયેલા સોસાયટીના રહીશોએ સ્ટોનનું કામ કરાવતા વેપારીઓને મશીન ખસેડી લેવા કહ્યું હતું, પરંતુ વેપારીઓ ટસના મસ થતા નહીં હોય સોસાયટીના રહીશો વધુ ક્રોધે ભરાયા હતા અને આજે રસ્તા પર મારામારીની નોબત આવી હતી.

સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર હોટ ફિક્સિંગ મશીન ખસેડી લેવા અનેકોવાર રજૂઆત કરી હતી. સોસાયટીના જાગૃત નાગરિકો દ્વારા મશીન ચાલકો વિરુદ્ધ સુરત મહા નગર પાલિકાને અરજી પણ કરવામાં આવી હતી. આ વાતની મશીન ચાલકોને ખબર પડી જતા તેઓ અરજી કરનાર સોસાયટીના રહીશ સાથે ઝઘડવા આવ્યા હતા જેના લીધે મામલો બિચક્યો હતો. સોસાયટીના રહીશ અને મશીન સંચાલકો વચ્ચે ઝપાઝપી થતા સોસાયટીના અન્ય રહીશો દોડી આવ્યા હતા. મશીનના સંચાલકોએ સોસાયટીના રહીશને જાનથી મારી નાંખવાની ધમકી આપતા સામસામી મારામારી થઈ હતી. આ ઘટનાને પગલે સોસાયટીના રહીશ દ્વારા પુણા પોલીસ મથકમાં મશીનના ચાલકો વિરુદ્ધ અરજી કરવામાં આવી છે.

Most Popular

To Top