સુરતઃ શહેરના અલથાણ ખાતે રહેતા વેપારી પિતા-પુત્ર(FATHER AND SON)એ છેતરપિંડીના કોર્ટ કેસ(COURT CASE)માંથી બચવા પિતાએ પુત્ર સાથે મળી ડેથ સર્ટિફિકેટ (DEATH CERTIFICATE) બનાવવા પૂતળાને પીપીઈ કિટ (PPE KIT) પહેરાવી સ્મશાનગૃહમાં મૃતદેહની જેલ લઈ જઈ અગ્નિદાહ આપ્યો હતો. આ કેસમાં એલઆઈસી(LIC)ને પણ શંકા જતાં તપાસ કરાવતાં ખોટી રીતે વીમો (INSURANCE) પકાવ્યો હોવાનું સામે આવતાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. અગાઉ પણ એક ફરિયાદ આ આરોપીઓ સામે દાખલ થઇ ચૂકી છે, તેમાં વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
શહેરના પાલ ખાતે સ્વસ્તિક હોમ્સમાં રહેતા 55 વર્ષીય પરેશભાઇ વિરેન્દ્રભાઇ ત્રિવેદી એલઆઈસીમાં મેનેજર છે. તેમના દ્વારા અલથાણ ખાતે નેસ્ટવૂડમાં રહેતા કમલ ઉર્ફે કમલેશ જયકિશન ચંદવાણી તથા વરૂણ કમલ ઉર્ફે કમલેશ જયકિશન ચંદવાણીની સામે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, બંને પિતા-પુત્રની સામે 24 માર્ચે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પિતા કમલ ઉર્ફે કમલેશ જયકિશન ચંદવાણી તથા તેના પુત્ર વરૂણ કમલ ઉર્ફે કમલેશ જયકિશન ચંદવાણીએ એલ.આઇ.સી.નાં નાણાંની ઉચાપત, વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરવાના બદઇરાદે કરી હતી. મોતનું નાટક કર્યા બાદ પનવેલમાં રહેતા કમલેશ ઉર્ફે કમલ ચંદવાની અને તેના પુત્ર વરૂણે અલથાણની સિદ્ધિ ક્લિનિકના નામે 21 નવેમ્બર, 2020નો બોગસ લેટરપેડ બનાવી તેમાં કમલેશ ચંદવાની 20 નવેમ્બર, 2020ના રોજ હાર્ટ એટેકથી મરણ પામ્યાં છે તેવું ડેથ સર્ટિફિકેટ બનાવ્યું હતું.
ત્યાર બાદ વરૂણે તેના આધારે રામનાથધેલા સ્મશાન ભૂમિ ટ્રસ્ટ, ઉમરામાં પિતાના મૃતદેહની જગ્યાએ પૂતળાને પીપીઈ કીટ પહેરાવી લઈ ગયો હતો. અને તેના આધારે ચાર મજૂરોને ભાડે કરી સ્મશાનભૂમિમાં મૃતદેહની જેમ લઈ જઈ અંતિમક્રિયા કરી હતી. અને પૂતળાને લાશ બતાવી નોંધણી કરાવી હતી. બાદમાં મહાનગર પાલિકાના સાઉથ વેસ્ટ ઝોનમાંથી મરણનું પ્રમાણપત્ર મેળવી હાઇકોર્ટમાં રજૂ કરી આગોતરા અરજીનો નિકાલ કરાવ્યો હતો. જે બાબતે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. આ કેસમાં એલઆઈસીને પણ શંકા જતાં તપાસ કરવામાં આવી હતી. જેમાં બંને પિતા-પુત્રએ આરોપી કમલ ઉર્ફે કમલેશ ચંદવાણી જીવતા હોવા છતાં ખોટી રજૂઆતો અને ખોટા પુરાવાઓ ઊભા કરી તેમના નામનું ખોટું ડેથ સર્ટિ. એલ.આઇ.સી.માં રજૂ કર્યું હતું. અને એલ.આઇ.સી.માંથી પાંચ પોલિસીના ડેથ ક્લેઇમના કુલ ૩૨,૯૩,૮૩૯ જેવી મોટી રકમ છેતરપિંડીથી મેળવી હોવાનું સામે આવતાં લાલગેટ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
મૃત વેપારી મહારાષ્ટ્રના પુના બિયર બારમાંથી ઝડપાયો હતો
કમલેશ ઉર્ફે કમલ જેકીશન ચંદવાની (ઉં.વ.55) સુરતના રિંગ રોડ વિસ્તારમાં દુકાન ધરાવતા હતા. અને સુરત, અમદાવાદ અને વડોદરામાં છેતરપિંડીના વિવિધ કેસોનો સામનો કરી રહ્યા હતા. કોર્ટ કેસોમાંથી છૂટકારો મેળવવા અને બાકી લોન નહીં ભરવા તેમજ રૂ.5 લાખની બે લોન પકવવા પુત્ર વરૂણ સાથે મળી પોતાનું જ ડેથ સર્ટિફિકેટ બનાવી રજૂ કર્યું હતું. જો કે, મોતનું નાટક કરનાર વેપારીની છેતરપિંડીનો ભોગ બનેલા વેસુના કાપડ દલાલ સંજય ખેરાડીને હકીકત જાણવા મળતાં સલાબતપુરા પોલીસમાં અરજી કરી હતી અને પોલીસે તપાસ કરી ‘મૃતક’ વેપારીને મહારાષ્ટ્રના પુના ખાતે બિયર બારમાંથી ઝડપી લીધો હતો. વેપારીનો પુત્ર હજી પોલીસ પકડથી દૂર છે.