SURAT

લવ મેરેજ ભારે પડ્યાં, 50 લાખ અને ફ્લેટ નહીં આપતા સસરાએ જમાઈના ઘરમાં આગ ચાંપી દીધી

સુરત: (Surat) સુરતના દેલાડવા ગામમાં રહેતા યુવકને પોતાના જ સમાજની યુવતી સાથે પ્રેમ (Love) કરવો અને પ્રેમ લગ્ન (Marriage) કરવા ભારે પડી ગયાં. સસરાની 50 લાખ અને ફ્લેટની માંગણી પૂરી નહીં કરતા સસરાએ યુવકના એટલેકે પોતાના જ જમાઈના ઘરને આગી (Fire) ચાંપી દીધી હતી. ખાસ વાત તો એ છે કે આ આઘાતજનક ઘટનામાં યુવકની પત્ની પણ તેના પિતા સાથે મળી ગઈ હતી. પોલીસે યુવકની ફરિયાદના આધારે પત્ની, સસરા અને સાસુ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પતિને પ્રેમલગ્ન બાદ વારંવાર જીવ આપી દેવાની ધમકી આપતી પત્ની બાદ યુવકના સસરાએ એવી હરકત કરી છે કે સમગ્ર શહેરમાં આ બાબત ચર્ચાનો વિષય બન્યો છે. 30 વર્ષીય ગુણવંત ઉર્ફે ગણપત મગનભાઈ લાડુમોર કપીશ ક્રિએશનના નામથી ડેકોરેશન અને બ્યુટિફિકેશનનું કામ કરે છે. ગુણવંત મૂળ ભાવનગરના મહુવાના બાંભણિયા ગામનો વતની છે. હાલમાં તે દેલાડવા ગામ વૃંદાવન રેસિડન્સીમાં માતા-પિતા અને ભાઈ-ભાભી સાથે રહે છે. ચાર વર્ષ પહેલા સોશિયલ મીડિયામાં તેનો નિધિ રમેશભાઈ છોટાળા સાથે પરિચય થયો હતો. બંને વચ્ચે મિત્રતા બાદ પ્રેમ થયો હતો. 19 મે 2021ના રોજ તેઓના લગ્ન થયા હતાં.

પરંતુ લગ્નના થોડાક જ સમય બાદ ગુણવંતનું જીવન બદલાઈ ગયું હતું. નિધિએ ગુણવંત અને તેના પરિવારજનો સાથે ઝઘડો કરવાનું શરૂ કર્યો હતો. વારંવાર તે દુનિયા છોડી જવાની વાત કરી ધમકી આપતી હતી. નિધિએ પતિને ધમકી આપી છૂટાછેડા લઈ યુ.કે. જવું કહી ખર્ચ માંગતા ગુણવંતે 30 લાખ ખર્ચવાની પણ તૈયારી બતાવી હતી. ત્યારબાદ નિધિએ છૂટાછેડાની માંગ કરી હતી. તે સાથે જ તેણે ગુણવંત પાસે 45 લાખ રૂપિયાની માંગ કરી હતી. જે બાબતે ગુણવંત અને નિધિના પરિવાર વચ્ચે ઝઘડો થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસ સ્ટેશનમાં નિધિને છૂટાછેડા આપવા ગુણવંતે 45 લાખ રૂપિયા આપવાની સમંતી દર્શાવી હતી. પરંતુ બીજા દિવસે સસરા ૨મેશભાઈએ ગુણવંતને ફોન કરી છૂટાછેડા માટે 50 લાખ રૂપિયા અને વેસુમાં એક ફ્લેટની માગણી કરતા વિવાદ વકર્યો હતો.

ગુણવંતે સસરાની માંગણી પૂરી ન થાય તેમ કહેતા સસરા રમેશભાઈએ ગુણવંતના ઘરે જઈ ઘરને આગ ચાંપી દીધી હતી. ગુણવંત ઘરે પહોંચ્યો ત્યારે ઘરમાં ધુમાડાના ગોટેગોટા નીકળતા હતા. ગુણવંતના ઘરનું ફર્નિચર, વાહનો અને સાધન સામગ્રીને મોટું નુકશાન પહોંચ્યું હતું. ગુણવંતે ફાયરબ્રિગેડ અને પોલીસને ઘટનાની જાણ કરતા બંને સ્થળ પર પહોંચ્યાં હતાં. પોલીસે ત્યાં હાજર રમેશભાઈને ઝડપી લીધા હતા. બનાવ અંગે ગુણવંતે પત્ની, સસરા અને સાસુ હંસાબેન વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top