સુરત (Surat) : સુરતની જિલ્લા ન્યાયાલય હવે ફાસ્ટટ્રેક કોર્ટ (Fast Track Court) પણ બની ગયું છે, સુરત શહેરમાં દિન-પ્રતિદિન વધતા જતા ગંભીર ગુનાઓ (Crime) પૈકી બળાત્કારના (Rape) ગુનામાં કોર્ટે પણ કડક વલણ અપનાવ્યું છે. નાની બાળાઓ તેમજ સગીરાઓને પીંખી નાંખીને પોતાની હવસનો શિકાર બનાવનાર આરોપીઓને સુરતની કોર્ટ ઝડપી અને કડકમાં કડક સજા કરતા હૂકમ કરી રહ્યું છે. આ ઉપરાંત માત્ર 20 વર્ષની ઉંમરે એક પ્રોફેશનલ કિલરને છાજે તેવી રીતે સરાજાહેર યુવતીની હત્યા કરવાના ગુનામાં કોર્ટે ફેનિલને ફાંસીની સજાનો હુકમ કર્યો છે.
સુરત જિલ્લા કોર્ટમાં છેલ્લા છ મહિનામાં જ ચાર વ્યક્તિને બળાત્કાર અને હત્યાના ગુનામાં ફાંસીની સજા સંભળાવાઇ છે, જ્યારે અન્ય બળાત્કારના ગુનામાં આઠ આરોપીઓને જીવનના અંતિમ શ્વાસ સુધીની સજા, એક આરોપીને 14 વર્ષની, અન્ય એક આરોપીને 20 વર્ષની સખત કેદ અને બળાત્કારના ગુનામાં પતિને મદદગારી કરનાર પત્નીને પણ 10 વર્ષની સખત કેદની સજાનો હુકમ કરાયો છે. આ તમામ ચૂકાદાઓ સુરતની કોર્ટમાં સ્પીડી ટ્રાયલમાં ચલાવાયા હતા. સ્થાનિક પોલીસ તેમજ તેમના ઉપરી અધિકારીઓના સુપરવિઝનને કારણે પોલીસે ગણતરીના દિવસોમાં જ ચાર્જશીટ દાખલ કરીને કોર્ટમાં રજૂ કરી હતી અને આરોપીઓને સખતમાં સખત કેદની સજાનો હુકમ કરાયો હતો. સુરત કોર્ટના આવા ચૂકાદાઓને લઇને સુરતીઓનો કોર્ટ પ્રત્યેઓનો વિશ્વાસ વધ્યો છે, સાથે સાથે ગુનો કરતા લોકોમાં પણ ગભરાટ ફેલાઇ રહ્યો છે.
આરોપી: અકમલ બાબા અખ્તર શેખ, ગુનો: દુષ્કર્મ
ચૂકાદો: 6 મે, સજા: આજીવન કેદ
સુરતના બડે ખાં ચકલામાં રહેતા આરોપી અકમલ બાબા અખ્તર શેખે તાંત્રિક વિધિ કરી બિમાર પતિને સાજા કરવાની લાલચ આપી પરિણીતા અને તેની 14 વર્ષીય દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. વર્ષ 2017માં બનેલા આ ગુનામાં સુરતની કોર્ટે આજે આરોપી અકમલ બાબાને આજીવન કેદની સજા ફટકારી છે.
આરોપી: ફેનિલ ગોયાણી, ગુનો: હત્યા
ચૂકાદો: 5 મે, 2022, સજા : ફાંસી
તા. 12મી ફેબ્રુઆરી 2022ના રોજ એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ પાસોદરામાં રહેતી 21 વર્ષીય યુવતી ગ્રીષ્મા વેકરીયાની સરાજાહેર ગળું કાપીને હત્યા કરી હતી. આ કેસમાં પોલીસે 7 દિવસમાં ચાર્જશીટ દાખલ કર્યા બાદ સુરતની સેશન્સ કોર્ટમાં ડે ટુ ડે ટ્રાયલ ચાલી હતી. જેના અંતે તા. 5 મેના રોજ આરોપી ફેનિલને આતંકી અજમલ કસાબ સાથે સરખાવી કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી.
આરોપી : મનોજ બટુક બારૈયા, ગુનો: બળાત્કાર
ચુકાદો : 5 એપ્રિલ-2022, સજા : 20 વર્ષની સખત કેદ
ભાવનગરમાં રહેતા મનોજ બારૈયા નામના યુવાને સુરતની વરાછાની સગીરાને શેર ચેટ એપ્લીકેશનથી લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયો હતો, સગીરાની પાસે બળજબરીથી સ્યુસાઇડ નોટ લખાવી લેવાઇ હતી અને બળાત્કાર ગુજારાયો હતો. આ કેસમાં કોર્ટે મનોજને બળાત્કારના ગુનામાં 20 વર્ષની સખત કેદ કરી હતી.
આરોપી : અફરોજ મહેબાજ ખાન, ગુનો: બળાત્કાર
ચૂકાદો : 6 એપ્રિલ-2022, સજા : અંતીમ શ્વાસ સુધી કેદ
સુરતના સગરામપુરામાં રહેદતા અફરોજ ખાનએ પાડોશમાં રહેતી 8 વર્ષિય સગીરાને 10 રૂપિયાની લાલચ આપીને રૂમમાં લઇ જઇને બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસમાં કોર્ટે અફરોજને તકસીરવાર ઠેરવીને જીવનના અંતિમ શ્વાસ સુધીની સજાનો હુકમ કર્યો હતો.
આરોપી : ગોપાલ ઉર્ફે કુબેર ઓમપ્રકાશ મોર્ય, ગુનો: બળાત્કાર
ચૂકાદો : તા. 12 એપ્રિલ-2022, સજા : અંતિમ શ્વાસ સુધી
સચીન વિસ્તારમાં રહેતા ગોપાલે ચાર વર્ષિય બાળકી શૌચક્રિયા કરવા જતી હતી ત્યારે તેણીને ચોકલેટ અને બિસ્કીટ આપવાની લાલચ આપીને બળાત્કાર ગુજારાયો હતો. લોકોએ જ ગોપાલને પકડીને પોલીસના હવાલે કર્યો હતો. આ કેસમાં કોર્ટે આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધીની સજા કરી હતી.
આરોપી : ધર્મેન્દ્ર વિનોદભાઇ યાદવ, ગુનો: બળાત્કાર
ચૂકાદો : તા. 20 એપ્રિલ-2022, સજા : અંતિમ શ્વાસ સુધી
ત્રણ સંતાનના પિતા ધર્મેન્દ્ર યાદવએ ડિંડોલીમાં રહેતી છ વર્ષની બાળાને દિવાળીના દિવસે અપહરણ કરીને બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસમાં કોર્ટે ધર્મેન્દ્રને તકસીરવાર ઠેરવીને જીવનના અંતિમ શ્વાસ સુધીની સજાનો હુકમ કર્યો હતો.
આરોપી : રોનક ત્રિવેણી ગુપ્તા, ગુનો: અપહરણ-બળાત્કાર
ચૂકાદો તા. 25 એપ્રિલ-2022, સજા : અંતિમ શ્વાસ સુધી
અમરોલીમાં રહેતા રોનક ગુપ્તાએ પોતાના ઘરની નીચે મેડીકલ સ્ટોરમાં કામ કરતી સગીરાને લગ્નની લાલચે વતનમાં લઇ જઇને સગીરાને ગોંધી રાખી બળાત્કાર ગુજારાયો હતો. આ કેસમાં કોર્ટે આરોપીને જીવનના અંતિમ શ્વાસની સજા કરી હતી.
આરોપી : પાર્વતી રોનક ગુપ્તા, ગુનો: અપહરણ-બળાત્કાર
ચૂકાદો તા. 25 એપ્રિલ-2022, સજા : 10 વર્ષની સખત કેદ
અમરોલીમાં રહેતા રોનક ગુપ્તાએ પોતાના ઘરની નીચે મેડીકલ સ્ટોરમાં કામ કરતી સગીરાને લગ્નની લાલચે વતનમાં લઇ જઇને સગીરાને ગોંધી રાખી બળાત્કાર ગુજારાયો હતો. આ ગુનામાં પાર્વતીએ તેના પતિ રોનકને સાથ આપીને મદદગારી કરી હતી. કોર્ટે પાર્વતીને તકસીરવાર ઠેરવીને 10 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો.
આરોપી : રાજકુમાર ઉર્ફે મુથુલ ઉર્ફે ફુદો શ્યામલીસિંહ ભુમિહાર, ગુનો: ગેંગરેપ
ચૂકાદો : તા. 25 એપ્રિલ-2022, સજા: અંતિમ શ્વાસ સુધી
કતારગામમાં રહેતા રાજકુમાર ભુમિહારે તેના મિત્રો સાથે ડુમસમાં ફરવા ગયા ત્યારે એક યુવતીના પતિને મારી નાંખવાની ધમકી આપીને યુવતીની સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસમાં રાજકુમારને જીવનના અંતિમ શ્વાસની સજા કરાઇ હતી.
આરોપી : કનૈયા વાલિમીકી સીંગ ભુમિહાર, ગુનો: ગેંગરેપ
ચૂકાદો : તા. 25 એપ્રિલ-2022, સજા : જીવનના અંતિમ શ્વાસ
કતારગામમાં રહેતા કનૈયા ભુમિહારે તેના મિત્રો સાથે ડુમસમાં ફરવા ગયા ત્યારે એક યુવતીના પતિને મારી નાંખવાની ધમકી આપીને યુવતીની સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસમાં કનૈયાને જીવનના અંતિમ શ્વાસની સજા કરાઇ હતી.
આરોપી: હર્ષસહાય રામરાજ ગુર્જર, ગુનો: બળાત્કાર અને હત્યા
ચૂકાદો: 7 માર્ચ, 2022, સજા: ફાંસી
વર્ષ 2018માં 11 વર્ષની કિશોરી પર બળાત્કાર બાદમાં તેની હત્યા કરી નાંખવામાં આવી હતી. જ્યારે મહિલાને ફાંસો આપીને મારી નાંખી હતી. આ કેસમાં નરાધમે દીકરીની સામે માતાની હત્યા કરી હતી. બાદમાં કિશોરી સાથે હેવાનિયત આચરી હતી અને તેની પણ હત્યા કરી નાખી હતી. હર્ષસહાય રામરાજ ગુર્જરને કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. અન્ય એક આરોપી હરિઓમ હીરાલા ગુર્જરને આજીવન કેદ ફટકારવામાં આવી હતી.
આરોપી : વિક્કી ઉર્ફે કાલુ બાબુ દેસાઇ, ગુનો: બળાત્કાર
ચૂકાદો તા. 28 ફેબ્રુઆરી, સજા : આજીવન કેદ
વેડરોડના વિક્કીએ સ્થાનિક વિસ્તારમાં રહેતી સગીરાનું અપહરણ કરીને વતનમાં લઇ જઇ બળાત્કાર ગુજારાયો હતો, અને પાંચ દિવસ ગોંધીરખાઇ હતી. ત્યારબાદ વિક્કીએ સગીરાને ચોકબજાર પોલીસ મથકની બહાર જ તરછોડી ફરાર થયો હતો. આ કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા એટલે કે 14 વર્ષની સજા કરી હતી.
આરોપી: દિનેશ બૈસાણે, ગુનો: દુષ્કર્મ અને હત્યા
ચૂકાદો: 16 ડિસેમ્બર, 2021, સજા: ફાંસી
પાંડેસરામાં 2020માં 10 વર્ષની બાળકીની હત્યા થઈ હતી. બાળકી પર પહેલાં બળાત્કાર ગુજારાયો હતો ત્યાર બાદ ઇંટોના ઘા મારીને હત્યા કરાઈ હતી. આ કેસમાં આરોપી દિનેશને કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી. આરોપી વડાપાંઉની લાલચ આપીને બાળકીને ઉઠાવી ગયો હતો. બાદમાં દુષ્કર્મ આચરી હત્યા કરી હતી.
આરોપી: ગુડ્ડુ યાદવ, ગુનો: બળાત્કાર
ચૂકાદો: 7 ડિસેમ્બર, 2021, સજા: ફાંસી
પાંડેસરામાં 4 નવેમ્બર, 2021ના રોજ બાળકીની હત્યા થઈ હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી ગુડ્ડુ યાદવને ફાંસીની સજા ફટકારી હતી. આ કેસમાં સાત જ દિવસમાં ટ્રાયલ પૂર્ણ થઈ હતી. આરોપીને 7 ડિસેમ્બરના રોજ ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.