સુરત: સુરત જિલ્લામાં ભારે પવન અને કમોસમી વરસાદને કારણે ખેતીમાં થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને વળતર ચૂકવવા માંગણી ઉઠી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ખેડૂતોને યોગ્ય વળતર આપવા માંગ ઉઠાવી છે.
- ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે મુખ્યમંત્રીને પત્ર લખી સરવે કરાવી ખેડૂતોના નુકસાનની ભરપાઈ કરવા માંગણી કરી
ગઈકાલે તા. 13 મેની રાત્રે સુરત જિલ્લામાં ભારે પવન ફુંકાયો હતો તથા સુરત જિલ્લાનાં અનેક વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. આ ભારે પવન અને કમોસમી વરસાદને કારણે સુરત જિલ્લાના અનેક વિસ્તારમાં ખેડૂતોના અનાજ, શાકભાજી અને બાગાયતી પાકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.
દર્શન નાયકે પત્રમાં લખ્યું છે કે, સુરત જિલ્લામાં હાલમાં ડાંગરનો પાક તૈયાર થઈ ગયો છે તથા અનેક વિસ્તારમાં ડાંગર કાપણીની કામગીરી ચાલી રહ્યો છે. આ ભારે પવન અને કમોસમી વરસાદને કારણે ડાંગરના તૈયાર થયેલા પાકને અનેક વિસ્તારમાં નુકસાન થયું છે.
સુરત જિલ્લામાં અનેક વિસ્તારમાં જે ડાંગરનો પાક કાપણી કરીને ખેતરમાં સુકાવા માટે રાખ્યો હતો તે ડાંગર પણ પાણીમાં પલળી ગયો છે. આ પલળી ગયેલા ડાંગરને ગ્રેડિંગ નીચે આવવાના કારણે પણ ખેડૂતોને નુકસાન જશે એ વાત ચોક્કસ છે. આજ રીતે બાજરી ,જુવાર,તલ સહિતનાં પાકને નુકસાન થવા પામેલ છે. જેથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થશે એ વાત ચોક્કસ છે.
વધુમાં જણાવવાનું કે સુરત જિલ્લામાં અનેક વિસ્તારમાં બાગાયતી પાકો જેવા કે કેરી ,ચીકુ , કેળા ,પપૈયા સહિતની ખેતી કરવામાં આવે છે. ભારે પવન અને કમોસમી વરસાદ ને કારણે ખેડૂતોના કેરી ,ચીકુ , કેળ,પપૈયા સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. આ બાગાયતી પાકોને વરસાદ કરતાં પણ ભારે પવનને કારણે વધુ નુકસાન થયું છે . જેમ કે ભારે પવનથી અનેક ખેડૂતોના ખેતરમાં વાવેલા કેળ અને પપૈયાંનો પાક તૂટીને જમીનદોસ્ત થયો છે. ભારે પવનને કારણે ચીકુ ઝાડ ઉપરથી ચીકુ અને આબાનાં ઝાડ ઉપરથી કેરીનો પાક જમીન દોસ્ત થયો છે. જેને કારણે બાગાયતી ખેતી કરતાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. જેને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. જેથી આવા અસરગ્રસ્ત વિસ્તારમાં ભારે પવન અને કમોસમી વરસાદને કારણે થયેલ નુકસાન સામે ખેડૂતોને આર્થિક સહાય ચૂકવવામાં આવે એ જરૂરી છે.
વધુમાં જણાવવાનું કે સુરત જિલ્લામાં ગત રોજ ફુંકાયેલ ભારે પવનને કારણે શાકભાજીના પાકનાં માંડવા તૂટી ગયા છે જેને કારણે આવા શાકભાજીની ખેતી કરતાં ખેડૂતોને પણ નુકસાન થયું છે. વધુમાં જણાવવાનું કે ભારે પવન અને વરસાદનાં કારણે પશુપાલકોના ઘાસચારાને પણ નુકસાન થયું છે. ગુજરાત સરકાર દ્વારા કુદરતી આફત સમયે સર્વે કરાવી નુકસાન ચૂકવવા આવે છે એ આવકાર દાયક બાબત છે. પરંતુ અહી ગુજરાત સરકાર દ્વારા ખાસ કિસ્સામાં સુરત જિલ્લામાં સોમવારે ભારે પવન અને કમોસમી વરસાદ ને કારણે ખેડૂતોના અનાજ અને બાગાયતી પાકોને થયેલા નુકસાનનો સર્વે કરાવી નુકસાન વળતર ચૂકવવામાં આવે તે અસરગ્રસ્ત ખેડૂતો માટે ખૂબ જરૂરી છે.
તેથી ભારે પવન અને કમોસમી વરસાદનાં લીધે સુરત જિલ્લાના જે વિસ્તારમાં ખેડૂતોના શાકભાજી , અનાજ અને બાગાયતી પાકને લાખો રૂપિયાનું નુકસાન થવા પામેલ છે તેનો તત્કાળ સર્વે કરાવવામાં આવે અને ખાસ કિસ્સા માં જે ખેડૂતને નુકસાન થવા પામેલ છે તેમને આર્થિક સહાય ચૂકવવામાં આવે એવી માગણી છે.