SURAT

સુરત: પરિવારજનો નાનાની વિધિ માટે ઘરેથી ગયા અને પૌત્રએ બાથરૂમમાં જઈ કરી લીધું કંઈક એવું કે…

સુરત: વેસુમાં (Vesu) રહેતા 28 વર્ષિય યુવાને નાનાનું નિધન થયાની પહેલી વરસીના દિવસે જ ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. નવી સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ બિહારનો વતની કુંદન સોબોધ સાવ (ઉ.વ.28) હાલ વેસુ વિસ્તારમાં આવેલી હેગડે નગર સોસાયટીમાં તેના મામા સુરેશ સાવ સાથે રહેતો હતો.

કુંદન વેસુ વિસ્તારમાં આવેલી એક ટ્રાન્સપોર્ટની ઓફિસમાં કામ કરતો હતો. કુંદનના નાનાનું અવસાન થયાને આજે એક વર્ષ થયું હોવાથી તેના મામા સહિતના પરિવારજનો વરસીની વિધિ માટે ઘરેથી નિકળ્યા હતા. આ સમયે કુંદને બાથરૂમનાં ખીલા સાથે વાયર બાંધી ફાંસો ખાઇ લીધો હતો. મામા સહિતનાં પરિવારના સભ્યોને કુંદને નાહીને થોડી વાર પછી વિધિમાં આવવાનો હોવાનું જણાવ્યા બાદ આ પગલું ભરી લીધું હોવાનું મૃતકના મામા પ્રભુભાઇ સાવે જણાવ્યું હતું. કુંદન વિધિ માટે કલાકો સુધી નહીં આવતા તેના મામા સહિત પરિવારના સભ્યો પરત ઘરે ગયા હતા. જ્યાં કુંદનને ફાંસો ખાધેલી હાલતમાં જોયો હતો. 108ને જાણ કરાતા 108ના સ્ટાફે સ્થળ ઉપર પહોંચી કુંદન સાવને મૃત જાહેર કર્યો હતો.

બારડોલીમાં પુત્રની સારવારમાં દેવું વધી જતાં આધેડનો ફાંસો ખાઈ આપઘાત
બારડોલી : બારડોલી તાલુકાના બાબલા ગામે દિવ્યાંગ પુત્રની સારવારમાં માથે દેવું વધી જતાં 54 વર્ષીય આધેડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. બારડોલી તાલુકાના બાબલા ગામના પાદર ફળિયામાં રહેતા બાબુભાઈ ઉર્ફે બાલુભાઈ મંગાભાઈ હળપતિ (ઉં.વ.54) મજૂરીકામ કરી પરિવારનું જીવન ગુજરાન ચલાવતા હતા. ગત મંગળવારે સાંજે 6.30 વાગ્યાની આસપાસ બાબુભાઈ સાઇકલ લઈને ઢોર માટે ઘાસચારો લેવા માટે નીકળ્યા હતા. પરંતુ રાત્રે નવ વાગ્યા સુધી ઘરે નહીં પહોંચતાં પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ દરમિયાન બાબલા ગામના નરેશભાઈ છગનભાઈ પટેલના શેરડીના ખેતરની પાળ પર લીમડાનાં વૃક્ષ સાથે ફાંસો ખાધેલી હાલતમાં બાબુભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો.

પરિવાજનોએ તાત્કાલિક બારડોલી ગ્રામ્ય પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહ નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો હતો. પોલીસ પૂછપરછમાં પરિવારજનોએ જણાવ્યું હતું કે, તેમનો નાનો છોકરો વિશાલ (ઉં.વ.17)ને ત્રણ માસ પૂર્વે ખેંચ આવતાં અપંગ થઈ ગયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર માટેના પૈસા ગામના લોકો પાસેથી ઉછીના પેટે ઉઘરાવીને સારવાર કરાવી હતી. પરંતુ પુત્ર સારો થયો ન હતો. માથે દેવું વધી જતાં તે સતત તણાવમાં રહેતા હતા. આ જ કારણોસર બાબુભાઈએ ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હોવાનું પરિવારજનોએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top